બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ 20


દિવસો આવે છે અને જાય છે, અને આપણે જીવ્યા કરીએ છીએ. જીવનમાં ઘણાં દિવસો સુખદાયક હોય, ઘણાં દુઃખદાયક અને મોટાભાગના સામાન્ય. પરંતુ રોજે રોજ જીવનમાં સામાન્ય જીવવા કરતાં કાંઇક અનન્ય મેળવવાની ઝંખના રાખવી શું ખોટી વાત છે? પોતાની જાત સાથેનો સંવાદ વધુને વધુ ઉંડો બનાવવો, વધુ માર્મિક બનાવવો એ શું બિનજરૂરી ચીજ છે? ગમતાં નો ગુલાલ કરવો, કે ઉપલબ્ધ માધ્યમ દ્વારા પોતાના શોખને, આવડતને, રચનાત્મકતાને એક નવું પરિમાણ આપવું એ કેટલું સુખદ કાર્ય હોઈ શકે !

અક્ષરનાદ માટે આજનો દિવસ એક નવો ઉજાસ લઈને ઉગ્યો છે. દિવસ તો રોજ થાય અને સૂર્યદેવ તો રોજ ઉગે જ છે, પરંતુ જીવનના કેટલાક અગત્યના પડાવરૂપ દિવસો જ્યારે આવે ત્યારે એક અનન્ય ઉજાસની આભા ઉપસાવે, ઉત્સાહનો અને જોશનો એક નવો વરસાદ થાય. અક્ષરનાદ.કોમ ડોમેઈનને, અસ્તિત્વને આજે એક વર્ષ પૂરું થયું, અને એ સાથે આજે અક્ષરનાદ પર ક્લિક્સનો આંકડો સંયુક્ત રીતે ૨,૦૦,૦૦૦ ને પાર ક્રરી ગયો છે. જો કે એ પહેલા પણ બ્લોગ અધ્યારૂ નું જગત દ્વારા આ સફર થતી જ હતી અને એકાદ બે મોટા વિરામને બાદ કરતા આ સફર સુખરૂપ જ રહી છે. પરંતુ આજે રોજીંદા વાતાવરણથી અલગ, એક સંવાદનું માધ્યમ લેવાની ઈચ્છા થઈ.

હમણાં ઘણાં વેબ મિત્રોએ સંપર્ક કરતાં પૂછ્યું કે “મારે બ્લોગ શરૂ કરવો છે, પણ શું લખું?” તેઓ કહે છે કે જો હું કોઈ મનગમતી કવિતા કે વાર્તા મૂકવાનું વિચારું તો એ કોઈક ને કોઈકની વેબસાઈટ પર મળી જ આવે, અને જે ઉપલબ્ધ છે એને મૂકવાનો અર્થ નથી. જો કે એ બધાં મિત્ર ઓનલાઈન મિત્રો હતાં, તેમના કદી ન જોયેલા ચહેરાની પાછળ પણ એક સુંદર ભાવનાશીલ હ્રદય ધબકે છે એ સત્તત તેમના ઈ-મેલ અને પ્રતિભાવોથી પ્રતીત થયાં કરે, પણ “શું લખું?” એ સવાલનો જવાબ આપવો કદાચ અશક્ય છે.

જો કે નવા બ્લોગ શરૂ કરનારા મિત્રોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે લોકો અત્યારે બ્લોગિંગના ક્ષેત્રના પ્રસ્થાપિત નામ છે, તેમને પણ આ સવાલ કદીક ઉદભવ્યો જ હશે. (અપવાદો બધે જ હોઈ શકે, કોઈકને પહેલા વિષય મળ્યો હોય અને તેના પછી તેમણે વિધિવત બ્લોગ શરૂ કર્યો હોય. જેમ કે મિત્ર કાંતિલાલ કરશાળા, તેમનો બ્લોગ ગાયત્રી જ્ઞાન મંદિર પૂર્ણપણે ગાયત્રી પરિવાર અને તેના સાહિત્યને સમર્પિત છે અને તેઓ વિષયાંતર કરતા નથી.)

બ્લોગિંગ માટે તમને વિષયસૂચન તમારા પોતાના સિવાય કોઈ ન કરી શકે, કારણકે તમને તમારી જેટલું બીજું કોણ જાણી શકે? દરેકની કોઈક ને કોઈક ક્ષેત્રમાં આવડત અનન્ય હોય જ છે. હું વિદ્યાર્થી છું, તો હું મારા મનગમતા વિષય પર બ્લોગિંગ કરી શકું, હું ગૃહિણી છું તો હું વાનગીઓ બનાવવાની રીતો પર બ્લોગિંગ કરી શકું, હું એક પ્રવાસ આયોજક છું તો હું વિવિધ સ્થળોની ભાતીગળ વિશેષતાઓ વિશે, ત્યાં શું ફરવા કે જોવા જેવું છે એ વિશે બ્લોગિંગ કરી શકું, જો હું એક ફોટોગ્રાફર છું તો હું મારા ફોટાઓ સાથે, ફોટૉગ્રાફીની વિવિધ પધ્ધતિઓ અને વિશેષતાઓ વિશે બ્લોગિંગ કરી શકું. બ્લોગ માટે ફક્ત કવિતા, ગઝલ કે વાર્તાઓ જ હોવા જોઈએ એવું કોણે કહ્યું? અરે એક ડોક્ટર પોતાના અનુભવો વિશે, લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા અને જીવનપધ્ધતિ વિકસાવવા માટે પણ બ્લોગ લખી જ શકે ને? એક વકીલ પોતાના કાયદાકીય જ્ઞાનનો ઉપયોગ બ્લોગ મારફત લોકોને મદદ કરવા કરી શકે. (હિન્દીભાષાનો એક અનન્ય બ્લોગ તીસરા ખંભા આવો જ બ્લોગ છે.) તો છેલ્લે કાંઈ ન મળે તો રોજના અનુભવો કે નિરીક્ષણો વિશે પણ બ્લોગ લખી શકાય.

મને લાગે છે કે બ્લોગિંગના અનેક પરિમાણોમાંથી ગુજરાતી ભાષાએ હજુ ખૂબ જૂજ પરિમાણોમાં જ ખેડાણ જોયું છે. એનું જીવંત ઉદાહરણ છે સાઈબર બ્લોગિંગ. જો કે હિમાંશુભાઈ કીકાણી અને બીજા અનેક મિત્રો આ કામ ખૂબ સુંદર અને પ્રભાવી રીતે કરી જ રહ્યાં છે, પરંતુ આ એટલું વિશાળ ક્ષેત્ર છે કે એ બધાંયને સમાવી શકે. એટલે જો તમે કાંઈક નવું લખવા માંગતા હોવ, અને કવિતા કે ગઝલની રચના મારી જેમ તમારા પણ ગજા બહારની વાત જણાય તો આ ક્ષેત્ર ઉપલબ્ધ છે. વિવિધ વાનગીઓ બનાવવાની રીતો પર ગુજરાતીમાં હજુ કોઈ સ્વતંત્ર બ્લોગ નથી, એ ક્ષેત્ર તો સાવ વણખેડાયેલું છે. તો એકાદ બે ડોક્ટર મિત્રોને બાદ કરતા વૈધકીય બાબતો પર બ્લોગ પણ ખૂબ નહીવત છે. ગઝલો લગભગ બધાંજ બ્લોગ પર અપાર છે, પણ એ કેમ લખવી ! એ પૂર્ણપણે સમજાવતો કોઈ (સ્વતંત્ર) બ્લોગ નથી. ઈન્ટીરીયર ડિઝાઈન વિશે પણ બ્લોગ લખી શકાય, તો આપણા વિવિધ ઉત્સવો, ઉજવણીઓ, રહેણીકરણી જેવા અનેકો વિષયો હજી તદન અછૂતા પડ્યા છે. સવાલ છે ફક્ત આપણી પોતાની આવડતને ઓળખવાનો અને તેને એક સુંદર સાચા અને બિનવિવાદાસ્પદ બીબાંમાં રજૂ કરવાનો. રૂઢિવાદો અને ધાર્મિક માન્યતાઓ વિશે બ્લોગિંગ થઈ શકે તો ખેતી વિશે પણ બ્લોગિંગ થઈ શકે.

બ્લોગ વિશેષતા માંગે છે. તમારા બ્લોગ પર કે વેબસાઈટ પર એવું શું છે જેને લીધે લોકો તેને વાંચવા પોતાની થોડીક પણ મિનિટો ફાળવે એ વાત વિચારીને બ્લોગ લખવા જેવો ખરો ! આ વાત મને પણ એટલી જ લાગૂ પડે છે જેટલી વિશ્વના પ્રથમ બ્લોગર જસ્ટિન હેલ ને લાગૂ પડી હશે. બ્લોગ લખીને રાતોરાત પ્રસિધ્ધ થઈ જવાતું નથી. (હવે, અહીં પણ અપવાદો છે, સિંગાપુરમાં બે ચાઈનીઝ મિત્રોને પોતાના બ્લોગ પર મુસ્લિમ વિરોધી ટિપ્પણીઓ કરવા બદલ જેલ થયેલી અને તે રાતોરાત ચમકી ગયેલા !) અરે, બ્લોગ કેમ લખવો કે બ્લોગિંગની બારીક પધ્ધતિઓ, સોફ્ટવેર, પ્લગિન, થીમ વગેરે વિષય પર પણ બ્લોગ લખી શકાય છે.

ગુજરાતીમાં પોતાનો બ્લોગ શરૂ કરવા અનેક મિત્રો તૈયાર છે, ફક્ત વિષયની રાહ જોઈ રહ્યા છે, અને મારા મતે હવે સાહિત્ય સિવાય પણ ઘણાં ક્ષેત્રો એવા છે જેમાં બ્લોગીંગની જરૂરત છે, અને એ પણ ગુજરાતીમાં. ફોટો બ્લોગને કોઈ ભાષાનું બંધન નથી નડતું, પણ આપણા વિસ્તારની તસવીરો બતાવતા બ્લોગ કેટલા? ફોટૉબ્લોગર બનવા શું પ્રસ્થાપિત ફોટોગ્રાફર હોવું જરૂરી છે?

બ્લોગ તમારી એક અજાણી છબી લોકો સમક્ષ રજૂ કરે છે, એ તમને એક નવું માધ્યમ આપે છે એવા લોકો સુધી પહોંચવાનું જે તમને ઓળખે છે ફક્ત તમારી ઓનલાઈન ઓળખાણે, અને પ્રથમ ગ્રાસે મક્ષિકાસમા ઊઠાંતરીના સાધન સમિધથી તમારા બ્લોગની આહૂતિ કેમ બગાડવી? કોઈક આપણને આંગળી ચીંધીને સાચે રસ્તે ધક્કો મારે એ પહેલા આપણે પોતે કેમ રસ્તો ન શોધી શકીએ?

કહે છે કે બ્લોગ એ અભિવ્યક્તિનું માધ્યમ છે, તો એ માધ્યમમાં શબ્દો બીજાના ન જ હોઈ શકે, એ તો આપણો મનોભાવ હોવો ઘટે. અમિતાભ બચ્ચન વિશે એ પોતે લખે એનાથી વિશેષ બીજુ કોઈ શું લખી શકવાનું, કે તબલાં વિશે ઝાકીર હુસૈન લખે એથી વિશેષ આપણે કેટલું શોધી શકવાના? આ તો સેલિબ્રિટી થયા, આમિરખાન કે અમિતાભના બ્લોગ છે એટલે મારો બ્લોગ પણ હોવો જ જોઈએ (!) એ વિચારવું મૂર્ખામી છે. પણ મારામાં કે મારી પાસે એવું કાંઈક વિશેષ છે જે હું લોકો સુધી પહોંચાડવા માંગું છું અને તે સ્વરૂપમાં હજુ લોકો સુધી પહોંચ્યુ નથી, મારી પાસે વિષય છે અને વસ્તુ છે તો હું ચોક્કસ બ્લોગ લખી શકું.

બ્લોગની સફળતાના માપ તરીકે કોમેન્ટની સંખ્યા ક્યારેય ન જોવી એમ મારું માનવું છે. પ્રતિભાવો આપવાની સ્વતંત્રતા જેટલી મળતી જાય છે, સ્વચ્છંદતા એટલી જ વધતી જાય છે. એક વાક્યની પોસ્ટ પર એક આખું પાનું ભરીને પ્રતિભાવ આપતા લોકો છે તો દરેક કૃતિ પર પહેલેથી પ્રતિભાવ બાંધી રાખતા પણ અનેક લોકો છે. વાંચ્યા વગર પ્રતિભાવ આપતા લોકો પણ અસંખ્ય છે, તો ખરેખર સાચો અને સુંદર પ્રતિભાવ આખો લેખ વાંચીને શિષ્ટપણે આપનારા પણ અનેક છે, પરંતુ પ્રતિભાવોમાંથી યોગ્ય તારવવા એ નીર ક્ષીરનો વિવેક માંગે છે. કોઈકની કૃતિને મારી મચડીને રજૂ કરાઈ હોય તો તેનો વિરોધ કરવો ફરજ બની રહે છે, પરંતુ તેમાં પણ શિષ્ટતા જળવાવી જોઈએ, અને સામે પક્ષે અજાણતા જો આમ થયું હોય તો સ્વીકારી લેવામાં કાંઈ ખોટું નથી. બને ત્યાં સુધી વિવાદાસ્પદ વાતોથી દૂર રહીએ !

દરેક સ્વતંત્રતા એક સરહદની અંદર જ સલામત રહી શકે, દરેક સમાજ એક નિશ્ચિત પધ્ધતિ કે કાયદાઓને લીધે જ સમાજ રહી શકે, અને અભિવ્યક્તિના આ તદ્દન સ્વતંત્ર અને સરળ માધ્યમ માટે તો આ વાત ઊલટાની વધુ લાગુ પડવી જોઈએ. એટલે જો તમે નવો બ્લોગ કે વેબસાઈટ શરૂ કરવા માંગતા હોવ તો કોઈ ઉતાવળ કર્યા વગર પહેલા તમારી જાતને પૂછો કે, “હું જે લખી રહ્યો છું એ વાંચવું મને ગમશે?” જો એનો જવાબ ‘હા’ માં હોય, તો કરો કંકુના.

જો કે કોઈ પુસ્તકનો લેખ ટાઈપ કરીને મૂકવો એમાં કયું સર્જન છે એમ તમે મને અક્ષરનાદ માટે પૂછો તો હું કહીશ કે મારા માટે એ નવસર્જન જ છે, હું એ લેખ વાંચું છું, શક્ય હોય ત્યાં સુધી આચરણમાં પણ ઉતારવાનો પ્રયત્ન કરુ છું અને મહદંશે ગમતાનો ગુલાલ કરું છું, એટલે મારા માટે આ આંતરીક સર્જનની પ્રક્રિયા છે. સ્થૂળ અર્થમાં કોપી પેસ્ટ અહીં થતું નથી, પણ પુસ્તકમાંથી વેબસાઈટ પર કોપી પેસ્ટ અવશ્ય થાય છે. પણ રોજ સવારે એક અને સાંજે એક મૌલિક કવિતા લખવી કે લેખ રચવો એમ મને કોઈએ લમણે બંધૂક મૂકીને કહ્યું નથી, એટલે એ જ્યારે પણ થાય, મારી મનગમતી પ્રવૃત્તિ જ હોય છે. મારા માટે મારી મૌલિક રચના સમયને ધ્યાનમાં રાખીને નથી થતી, સંજોગોને આધારીત થાય છે.

ઘણાં દિવસથી આ વિષય પર લખવાની ઈચ્છા હતી, પરંતુ આ વિષય પર સલાહ આપવાની મારી યોગ્યતા પર મને પોતાને પ્રશ્નાર્થ હોય ત્યાં બીજાને મારે શું સમજાવવું. પરંતુ એવા મિત્રો જેમણે મને કે બીજા અનેક બ્લોગર મિત્રોને આ સવાલ પૂછેલો, “શું લખું?” તેમને જવાબ આપવો પણ જરૂરી લાગ્યો, એટલે આ લખ્યું.

સલાહ આપવી સૌ ને ગમે અને લેવી કોઈને ન ગમે, એટલે કાંઈક વધુ અપાઈ ગયું હોય તો, આપીને જ ગયો છે, લીધું નથી એવી ઉદાત્ત ભાવના સાથે સ્વીકારવા વિનંતિ.

* * * * *

અક્ષરનાદ આજે ૨,૦૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ કરી રહ્યું છે, અને અનેક નવા મિત્રો અહીં પોતાની કૃતિઓ મોકલી જે અહોભાવ દર્શાવી રહ્યા છે તે ખરેખર આનંદમાં અભિવૃધ્ધિ કરે છે. આજના દિવસે અક્ષ્રરનાદ પર ઉમેરવામાં આવેલી સગવડ અને થોડા દિવસ પહેલા કરેલા એક નાનકડા ફેરફાર પરત્વે ધ્યાન દોરવું આવશ્યક માનું છું.

૧…..   થોડાક વખત પહેલા અક્ષય ટ્રસ્ટ નામની સંસ્થા વિશે એક લેખ લખેલો (લિન્ક અહીં છે). ક્રિષ્ણન અને તેના કાર્ય વિશે એ લેખ પછી વધુ કાંઈ કહેવાનું રહેતું નથી, પણ એ અંગેની લેખ સિવાયની એક વાત કહેવી જરૂરી ગણું છું. એક સજ્જન ( નામ આપવાની સખત મનાઈ કરેલી છે.) ત્યાંની માહિતી આ લેખ બનાવવા મને આપવા માટે મદુરાઈથી ફોન કરતાં, કારણકે ક્રિષ્ણનતો તેના રોજીંદા કામમાંથી રાત્રે નવરા થાય, એટલે હું જ્યારે લેખ બનાવી રહ્યો ત્યારે અંતે મેં લખ્યું કે શ્રી ક્રિષ્ણન તથા તેમના સહકાર્યકર મિત્ર શ્રી કખગ નો આભાર. જેવો આ લેખ તેમણે વાંચ્યો કે મને રાત્રે બે વાગ્યે ફોન આવ્યો. આ નામ મહેરબાની કરી હવે ક્યાંય લખશો નહીં કે ઉચ્ચારશો નહીં. હું એક રીટાયર્ડ માણસ છું અને ક્રિષ્ણન સાથે કામ કરું છું એ મારા ઘરમાં પણ કોઈને ખબર નથી, અને મારે પડવા પણ દેવી નથી. એના કામની સામે મારું નામ તદ્દન વામણું લાગે, એ કાઢી નાખો. હું તદ્દન શૂન્યમનસ્ક થઈ ગયો. આપણે આપણા નામનો એક આર્ટીકલ છોડી શક્તા નથી (હું પણ !)…… અને આ ?? હું તો “હું” નો અખંડ સાધક છું, આ શું કહી રહ્યાં છે ? ……

એ લેખ પછી બે ત્રણ દિવસમાં ક્રિષ્ણનને અને અક્ષય ટ્રસ્ટને અક્ષરનાદ મારફત સહાયનો જે સ્તોત્ર ખૂલ્યો હતો, તે હવે તદન બંધ થઈ ગયો છે. અક્ષરનાદના મુખપૃષ્ઠ પર જમણી તરફ ડોનેશન માંગતું જે ચિત્ર તમને દેખાય છે તે મૂકવાની જરૂરત મને જણાઈ એ વાત સાક્ષી છે કે ક્રિષ્ણનને મદદની સત્તત જરૂરત છે. એ ડોનેશન અક્ષરનાદ માટે નથી, એક વેબસાઈટ કે બ્લોગથી ક્યાંય ક્યાંય વધુ સહાયની જરૂરત એક પાગલ ભૂખ્યા રસ્તાને કિનારે બેઠેલા સમાજના તરછોડાયેલા અદના આદમીની છે, અને એ ડોનેશનની જાહેરાત અક્ષય ટ્રસ્ટ માટે છે, અને મેં હજુ સુધી ક્રિષ્ણનને જોયા નથી, પણ તેમનું કામ બોલે છે. આ સહાય સત્તત તેમને મળે એ માટે મારો આ પ્રયત્ન યોગ્ય અને પૂરતો છે કે નહીં તે પ્રભુ જાણે, પણ જેમ દ્રૌપદી, રુક્મિણી અને રાધા કૃષ્ણને કહે છે તેમ, “હે ગોવિંદ, તારું સઘળું તને પાછુ અર્પણ કરું છું”.

૨…..  હવે બે સગવડોની વાત, પહેલી, આવતીકાલથી અક્ષરનાદનો એક અલગ વિભાગ, ડાઉનલોડ વિભાગ શરૂ થઈ રહ્યો છે. કેટલાક જીવનદર્શન અને ચરિત્રલક્ષી સુંદર પુસ્તકોને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવાની શ્રી ગોપાલભાઈ પારેખ (વાપી) ની નેમ અને સત્તત ધક્કો મારતા રહેવાની આદતે આજનો દિવસ ઉગ્યો છે. પુસ્તકો તો ઘણાં ભેગા થઈ ચૂક્યાં છે પણ હમણાં દર અઠવાડીયે કે પંદર દિવસે એક મૂકવું એક નક્કી કરીશું. પ્રથમ પુસ્તિકા આવતીકાલે મૂકાશે.

૩……   અક્ષરનાદ પર જેમના લેખ છે એવા લેખકોના નામને સાંકળી લઈ સાહિત્યકાર અનુક્રમ ઉપલબ્ધ છે જ્ હવે આ જ સગવડ વિસ્તારીને કોઈ પણ લેખના મથાળા પછી જમણી તરફ tags અંતર્ગત આવતા લેખકના નામ પર ક્લિક કરવાથી એ લેખકનાં અક્ષરનાદ પરના બધાં લેખોની સૂચી જોઈ શકાશે. આ સગવડ ઉપલબ્ધ હતી જ પરંતુ થોડા સુધારા હમણાં કર્યાં છે.

આ સગવડો ઉપયોગી થશે એવી આશા છે.


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ

  • સોહમ રાવલ

    વાહ જીજ્ઞેશભાઇ…
    વિનયભાઇએ આપેલી લિન્કના આધારે અહિં આવ્યો છુ.
    આપે સાચુ જ કહ્યુ કે જેને જે ક્ષેત્રમાં રસ હોય તે ક્ષેત્ર વિશેની માહિતિ અહિં મુકી શકે છે…બ્લોગ પર કવિતા કે નવલિકા જ હોય એવુ જરુરી નથી.પ્રવાસ કે સમાચારો પણ લખી શકાય…અને હા,૨,૦૦,૦૦૦ ક્લિક નિમિત્તે અભિનંદન(અત્યારે તો ઘણી વધી ગઇ હશે પણ લેખ અત્યારે ધ્યાનમાં આવ્યો પણ દેર આયે દુરસ્ત આયે…!!!)

  • Pinki

    સરસ લેખ જિજ્ઞેશભાઈ… ! નવા આગંતુકોને ખરેખર ઉપયોગી બની રહેશે.

    અભિનંદન.

  • નટવર મહેતા

    હાર્દિક અભિનંદન જીજ્ઞેશભાઈ,
    ગુજરાતી બ્લોગ જગતના બે જગમગતા સિતારાઓ આપની અક્ષરનાદ અને શ્રી મ્રુગેશભાઈની રીડગુજરાતી એકી સાથે પ્રસંગો ઉજવી રહ્યા હોય જાણે એક ‘બ્લોગોત્સવ’ જેવું સુંદર વાતાવરણ છે.
    આપને અક્ષ્રરનાદની જન્મતિથી નિમિત્તે અને અને ૨,૦૦,૦૦૦ ક્લિક અન્વયે હાર્દિક અભિનંદન.
    આપનો આ લેખ મનનિય છે. અને બ્લોગરને માટે ઘણો જ માર્ગદર્શનિય છે.
    આ જ રીતે આપના અક્ષરનો નાદ હંમેશા ગુંજતો રહે એ જ અભ્યર્થના.

  • Praful Thar

    શ્રી જીગ્નેશભાઇ,

    પ્રકાશનના સંદર્ભમાં એક સમજણ મૂકી આનંદ થયો અને એક હકીકત છે.બીજું, લખનારનાં મનમાં એક પ્રશ્ન જરૂર ટો રહે છે કે કેમ કોઇના પ્રતિભાવો આવતા નથી ? શું કોઇ વાચતું નહી હો? કે લખાણ ગમતું નહી હોય? પણ ના ! બધાં જાણતા અજાણતા લોકો વાંચે છે આને રૂબરૂમાં મળતાં પ્રતિભાવો પણ આપતા રહે છે.

    મને તમારી વાત ગમી કે ‘જો કે કોઈ પુસ્તકનો લેખ ટાઈપ કરીને મૂકવો એમાં કયું સર્જન છે એમ તમે મને અક્ષરનાદ માટે પૂછો તો હું કહીશ કે મારા માટે એ નવસર્જન જ છે, હું એ લેખ વાંચું છું, શક્ય હોય ત્યાં સુધી આચરણમાં પણ ઉતારવાનો પ્રયત્ન કરુ છું અને મહદંશે ગમતાનો ગુલાલ કરું છું, એટલે મારા માટે આ આંતરીક સર્જનની પ્રક્રિયા છે. સ્થૂળ અર્થમાં કોપી પેસ્ટ અહીં થતું નથી, પણ પુસ્તકમાંથી વેબસાઈટ પર કોપી પેસ્ટ અવશ્ય થાય છે. પણ રોજ સવારે એક અને સાંજે એક મૌલિક કવિતા લખવી કે લેખ રચવો એમ મને કોઈએ લમણે બંધૂક મૂકીને કહ્યું નથી, એટલે એ જ્યારે પણ થાય, મારી મનગમતી પ્રવૃત્તિ જ હોય છે. મારા માટે મારી મૌલિક રચના સમયને ધ્યાનમાં રાખીને નથી થતી, સંજોગોને આધારીત થાય છે.’

    પ્રફુલ ઠાર

  • Hiral Vyas "Vasantiful"

    ખુબ ખુબ અભિનંદન….માત્ર વાંચવું જરૂરી નથી પણ વાંચીને વહેંચવું એ પણ એક સુંદર ભાવના છે… એને અટકવા દેતા નહિ.

  • vijay shah

    અભિનંદન!
    આ પ્રકારના લખાણો ની જરુરત ખુબ જ છે કે જે નવા બ્લોગરોને માર્ગદર્શન આપી શકે.
    મે નેટજગત ઉપર આ લેખનેી લિન્ક આપી છે

  • ચાંદ સૂરજ.

    નવલા ક્ષેત્રોમાં પદાર્પણ કરવા જઈ રહેલા અક્ષરનાદને હાર્દિક અભિનંદન !
    પધારતી ઉષાના દ્વારો ખુલતાં, નવી સુવિધાઓના સથવારે એની આંગળી ઝાલી, અક્ષરનાદના ચમનમાં ટહેલવાનું આસાન બનશે.
    આપના નિખાલસ અને નિસ્વાર્થ ભાવથી ભરેલાં સલાહસૂચનો બ્લોગીંગમાં પાપા પગલી કરવા ચાહતા નવા નિશાળિયાને સાચું માર્ગદર્શન પૂરું પાડશે એમાં બે મત નથી.
    મૂળમાં રહેલી અને અંતરેથી ઉદભવતી માતૃભાષાની સેવા કરવાની આપની પરમ ભાવના બસ નિરંતર વહેતી રહો !

  • jjugalkishor

    આ લેખમાં તમારી વાત તમે બહુ જ તટસ્થતાથી મૂકી છે. અનેક બાબતોને આવરી લેતું આ લખાણ અનેકોને ઉપયોગી થશે.

    તમારી સિદ્ધિ ફક્ત આંકડાઓમાં જ નહીં, તમારી ભાવનાઓમાં પણ ઝળકી રહી છે. અને હજી તો તમારું કાર્ય નવાં શિખરો સર કરવા થનગની રહ્યું છે, ત્યારે અનેકાનેક શુભેચ્છાઓ પાઠવું છું.

    અક્ષરનાદ નેટજગત પર સૌને અનુભવાતો રહે એવી પ્રાર્થના.

  • Dr. Maulik Shah

    અક્ષરનાદની લાંબી અવિરત યાત્રાના એક માઈલસ્ટોન પસાર કરવાના પ્રસંગે આપને હાર્દિક અભિનંદન…!
    આપનું સર્જન કલેક્શન સુંદરતમ છે અને વધુતો વેબ ફોર્મેટનું પ્રેઝેંટેશન અસરકારક છે.

  • વિનય ખત્રી

    અક્ષરનાદને ખૂબ ખૂબ અભિનંદન!

    સરસ મજાનો લેખ. હું તો દરેક નવા બ્લોગરને વંચાવવાનો છું. શરૂઆત રૂપેનથી કરી દીધી છે!

  • Heena Parekh

    અભિનંદન. આપ દરેક પોસ્ટ માટે ખૂબ મહેનત કરો છો. અક્ષરનાદ પર રોજ કંઈક નવું વાંચવા-જાણવા મળશે એની મને ખાતરી જ હોય છે. અને એટલે સવારે જ્યારે કોમ્પ્યુટર શરૂ થાય ત્યારે સૌ પ્રથમ અક્ષરનાદની જ મુલાકાત લેવી એ મારો રોજિંદો નિયમ છે અને એ મેં જાળવી રાખ્યો છે. અન્ય કયા કયા વિષયો પર બ્લોગ બનાવી શકાય એ અંગે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે. જે નવા બ્લોગરોને માટે ઉપયોગી બનશે.

  • P Shah

    આ લેખ ખૂબ જ સુંદર રહ્યો.
    બ્લોગ વોશે આપે જે ટિપ્પણી લખી છે તે ખરેખર યથાસમયે અને યોગ્ય છે
    જેનાથી અનેક લોકોને સાચું માર્ગદર્શન મળશે.

    “હું જે લખી રહ્યો છું એ વાંચવું મને ગમશે?” જો એનો જવાબ ‘હા’ માં હોય, તો કરો કંકુના…
    આપની આ વાત ખૂબ ગમી.

    નવા પડાવ માટે અભિનંદન !

    Wish you all the best !

  • Pancham Shukla

    આ નવા પડાવ સુધી પહોચવા બદલ અક્ષરનાદની ટીમને અભિનંદન. બ્લોગિંગ ક્ષેત્રે ઉત્તરોત્તર નવા શિખરો સર કરો એવી શુભેચ્છાઓ.

    સતત ઉત્સાહભેર તમે નવી નવી સગવડો ઉમેરતા રહો છો એ જ બતાવે છે કે આ પ્રવૃતિ તમને ગમે છે. તમે નિજાનંદ વહેંચો છો.

    સાહિત્ય સિવાય અન્ય વિષયો ઊપર પણ જ્ઞાન અને આવડત મુજબ બ્લોગિંગની છણાવટ યોગ્ય સમયે અને યોગ્ય રીતે થઈ છે.