ભૂખ વિશેની એક રચના તેની ભયંકરતાનો ચિતાર કાંઇક અલગ રીતે જ આપે છે,

રેલ્વેના પાટા / અને તેની પર પડેલી બે લાશ / કોને ઉપાડે, કોને તપાસે / એક માણસ અને એક જાનવર / બેય કપાઇ ગયા / સંજોગોવશાત / કપાઇ ગયા અને જોડાઇ ગયાં / લોકો દૂરથી જોતા / આવતા અને જતા રહેતા / સમયનું પરિવર્તન થયું / ભૂખનું બિભત્સ નર્તન થયું / ભીડ આગળ વધી / લાશ ઉપાડવા / ભીડ માણસોની હતી / લડતી રહી / લાશ માણસની હતી / સડતી રહી…

લોકોએ માણસની લાશનું / આમ પણ શું કરવાનું હતું / કારણકે એનાથી / કોનું પેટ ભરવાનું હતું?

માણસનું પેટ કાયમ ખાલી ને ખાલી જ હોય, મોત તો એક વખત આવે અને જતી રહે, પણ ભૂખ તો રોજ પાછળ પડેલી જ રહે. પ્રભુને પણ ક્યારેક માંનવની સહનશક્તિની, તેની દાનતની પરીક્ષા કરવાની ઇચ્છા થતી હશે, નહીંતર તેણે એવા સંજોગ ન સર્જ્યા હોત જ્યારે જન્મ થતાં વેંત માણસને માનસીક અપંગતા મળે, સામાન્ય માણસને તો સમજ પણ પડે કે મને ભૂખ લાગી છે, પરંતુ જેનું માનસ તેના પોતાના શરીરની કાળજી નથી લઇ શક્તું, પોતાના શરીરની પીડા, તેની જરૂરતોને સમજી નથી શક્તું એવા લોકોને ભૂખની, પ્રાથમિક જરૂરતની પીડા કેટલી તડપાવતી હશે?

આપણે બધાએ, જો નોંધ કરી હોય તો, આપણા શહેરોમાં, ગામડાઓમાં, રસ્તાની કોરે બેઠેલા, ઉભેલા ઉપેક્ષિત, માનસીક વિકલાંગ લોકોને જોયા જ હશે. ક્યારેક તેમના ઘરનાં કંટાળીને તેમને આમ રખડતાં છોડી દે છે, ક્યારેક તેમની માનસિક પરિસ્થિતી જ તેમને સગાવહાલાંઓથી વિખૂટા પાડી દે છે. કદી વિચાર્યું છે કે તેમની ભૂખ કેમ શમતી હશે? તેમને કોણ ખવડાવતું હશે? કોણ તેમને જીવનની આ અતિપ્રાથમિક સુવિધા આપતું હશે? કોઇક રસ્તાના કિનારે ફૂટપાથ પર જ્યારે તેઓ મૃત્યુના છેલ્લા શ્વાસો લેતા હશે ત્યારે તેમની સંભાળ કોણ લેતું હશે? તેમને કોણ અગ્નિદાહ આપતું હશે? આપણે આવું વિચારવાનો કદી મોકો ઝડપ્યો નથી. આ સામાન્ય કાર્ય નથી. આપણે તેમના વિશે ઝાઝી ચિંતા કરતા નથી કારણકે આવું કામ કરવાની આપણને કદી ઇચ્છા થતી નથી, એ ગંદા ગાંડા લોકોના ચહેરા પર મુસ્કાન જોવાની, તેમની ભૂખને એકાદ વખત પણ શમાવવાની કાળજી આપણે દાખવી નથી. એમને સમાજ ગાંડા કહીને ધુત્કારે છે, આ સ્વાર્થી સમાજમાં જ્યાં સમજુઓને પણ જીવવા સંઘર્ષ કરવો પડે છે ત્યાં આવા નિર્દોષ, નિષ્કામ માણસોની શી વિસાત?

બેંગલોરમાં ફાઇવ સ્ટાર હોટલમાં નોકરી કરતા અને ધનિક, હાઇ સોસાયટીના લોકો માટે જાતજાતના સ્વાદ, ભાતભાતના ભોજનો બનાવતા કામરાજ યુનિવર્સિટીના કેટરીંગ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ એવા કોઇક યુવાનને તેની કારકિર્દીના ઉચ્ચતમ વળાંક રૂપે ટ્રેનીંગ માટે સ્વિત્ઝર્લેંડ મોકલવામાં આવનારા થોડાક લોકોમાં પસંદ કરવામાં આવ્યો. તેની કારકિર્દી માટે આ એક સીમાચિન્હ રૂપી બદલાવ હતો. હવે તેનું જીવન વધુ વૈભવશાળી, વધુ સગવડભર્યું થવાનું હતું. કોઇ પણ 20 વર્ષના યુવાન માટે આવી તક તેના જીવનની સુવર્ણઘડી હોય છે, એવી તક જેના માટે તેમનું અત્યાર સુધીની મહેનત, અથાગ ભણતર, બધાંનો બદલો મળી રહ્યો હોય.

માતા પિતાને મળવા તે તમિલનાડુમાં આવેલા પોતાના શહેર મદુરાઇ આવ્યો, શહેરમાં ફરતા એક વખત તેણે રસ્તાના કિનારે ફુટપાથ પર એક માનસિક વિકલાંગને કાંઇક ખાતા જોયો, તેને ત્યાં કાંઇક અજુગતુ હોવાનો આભાસ થયો, તેણે નજીક જઇને જોયું તો પેલો વ્યક્તિ પોતાનું મળ ખાતો દેખાયો . તે આ દ્રશ્ય જોઇને અવાચક થઇ ગયો. વિશ્વમાં આવું પણ થતું હશે, લોકો આવા નિરાધાર અને ભૂખથી આવા મજબૂર હશે તેનો જીવતો જાગતો દાખલો તે પોતાની સામે જોઇ રહ્યો હતો. તેણે અત્યાર સુધી ઉચ્ચ દરજ્જાના લોકોને જાતજાતના પકવાન ખવડાવ્યા હતા, પણ એ જ સમાજના બીજા છેડાની આ હકીકત તેની આંખો સામે હતી, તેણે તરતજ આમ થતું અટકાવ્યું, નજીકના એક રેસ્ટોરન્ટમાં દોડ્યો. તાત્કાલીક જે મળી શકે તે આપવા કહ્યું, અને થોડીક ઇડલી લઇને તે પેલા માણસ પાસે પાછો આવ્યો. તેને ઇડલી સાંભાર ખવડાવ્યા. પેલો એક શ્વાસે એ બધું ખાઇ ગયો, ખાતા ખાતા તેની આંખોમાં આંસુ હતા, તેની વધેલી દાઢીમાંથી પણ તેનું સ્મિત ઝળકી આવતું. ઇડલી જેવી રોજબરોજના નાસ્તામાં વપરાતી વસ્તુ પણ કોઇકને આટલો અપાર આનંદ આપી શકે છે તે જોઇને આ મિત્ર સ્તબ્ધ થઇ ગયો. જીવનની એક ખૂબ કડવી પણ સત્ય હકીકતનો તે સામનો કરી રહ્યો હતો. ઇડલી ખાઇ રહ્યા પછી પેલાએ તેની સામે જોઇને આંખોમાં આંસુ સાથે ફક્ત સ્મિત કર્યું, તેનો હાથ પકડી ઘણી વાર સુધી પેલો બેસી રહ્યો….. કોણ જાણે તેને કેટલા દિવસે આવું ખાવાનું મળ્યું હશે…

તમારા મતે હવે શું થવું જોઇએ? પોતે પેલા વિકલાંગનું પેટ ભર્યું એ બદલ પોતાની જાતને આ મિત્રએ શાબાશી આપવી જોઇએ, અને તેની આંખોમાં જોયેલી કૃતજ્ઞતા બદલ ખુશ થવું જોઇએ, એક પુણ્ય કર્યાનો સંતોષ સાથે લઇને તેણે સ્વિત્ઝર્લેન્ડ જવું જોઇએ. સાચી વાત ને ?

Hungry Destitute getting foodઆપણા જેવો કોઇપણ સામાન્ય માણસ કદાચ આમ જ કરે, પણ આ માણસ સામાન્યમાંથી કાંઇક અસામાન્યને પામી ચૂક્યો હતો. તેણે પોતાની એ હાઇપ્રોફાઇલ નોકરી, સ્વિત્ઝર્લે ન્ડમાં જવાની અને કારકીર્દી બનાવવાની મહેચ્છાઓ ત્યાગવાનું અને શહેરમાં રહેલા આવા બધા માનસિક વિકલાંગોને ખવડાવવા માટે, તેમની કાળજી માટે કાંઇક કરવાનું નક્કી કર્યું. તેના મિત્રોએ, ઘરવાળાઓએ, સમાજે તેનો વિરોધ કર્યો. અસામાન્ય કરવાવાળાઓને કદાચ તેમના યજ્ઞની શરૂઆતથી સ્વિકૃતિ મળતી નથી. પણ ગંગાસતી કદાચ આવા લોકો માટે જ કહી ગયા છે, “મેરૂ તો ડગે પણ જેના, મન નો ડગે પાનબાઇ…”

આ બધાં વિરોધ છતાં પોતાની વાત પર અડગ એવા આ યુવાને પોતાના યજ્ઞને હવે પોતાના જીવનનું લક્ષ્ય બનાવી દીધું. તેણે એક અઠવાડીયા પછી પોતાની નોકરી છોડી દીધી, તેણે પોતાની જાત સાથે એવી સમજણ કેળવી લીધી હતી કે એ આવું કાંઇક અસામાન્ય કરવા જ સર્જાયો છે. પોતાની બધી બચતને કામે લગાડી પોતાના ઘરની આસપાસના વિસ્તારોમાં બાઇક પર ફરી, આવા લોકોને શોધી તેમને ખવડાવવાનું તેણે શરૂ કર્યું.

આ શહેર મદુરાઇ, અને આ યુવાન તે ક્રિષ્ણન. ક્રિષ્ણન કહે છે, ” જો પેલા માણસે મારો આભાર માન્યો હોત, શબ્દોનો સહારો લઇને તેણે જો મને ધન્યવાદ કહ્યું હોત તો કદાચ હું મારી કારકિર્દી માંજ આગળ વધ્યો હોત, પણ તેણે એવું કાંઇ ન કર્યું. એની એ આનંદી આંખો અને તેમાંથી વહેતા આંસુઓએ, એ ક્ષણે મને મારા જીવનનું ધ્યેય આપી દીધું.” આજના સમયમાં જ્યારે યુવાનોપર સમાજ વ્યવસ્થા તોડીને, લાગણીથી દૂર, પોતાના સ્વાર્થ માટે જ જીવતા હોવાનો આરોપ મૂકાય છે, આજનું યુવાધન વેડફાઇ રહ્યું હોવાના દાવા જ્યારે ગાઇ વગાડીને કરાય છે ત્યારે ક્રિષ્ણન આ બધી વાતોની સામે એક દીવાદાંડી બનીને ઉભા રહે છે. 20 વર્ષના કોઇ પણ યુવાન માટે નામ અને પૈસા કમાઇ આપતી કારકિર્દી છોડીને માનવસેવાનો આ માર્ગ પસંદ કરવું કેટલું અઘરું હશે તે સરળતાથી સમજી શકાય તેવી બાબત છે.

Food for Lifeશરૂઆત તેણે આવા ત્રીસ લોકોને ખવડાવવાથી કરી. પોતાની માતાના રસોડામાં એ ભોજન બનાવતો અને બાઇક પર નીકળી પડતો. થોડાક વખત પછી તેણે પોતાના ઘરમાં રસોડાની નજીક તેણે પોતાનું અલગ રસોડું શરૂ કર્યું. જૂન 2003માં તેણે અક્ષય ટ્રસ્ટની સ્થાપના કરી. કેટલું બંધબેસતું નામ? વૃધ્ધો, માનસિક વિકલાંગો, ત્યજાયેલા અપંગો એ બધાં લોકો માટે ક્રિષ્ણન ખરેખર અક્ષયપાત્ર જ બનીને આવ્યા. 2003માં કોઇ શુભેચ્છકે તેમને મારૂતિ ઓમ્ની વાન ભેટ આપી. હવે બાઇકને બદલે એ ગાડી તેમને દૂર દૂર સુધી પહોંચાડવા લાગી. તેમનું કાર્યક્ષેત્ર વિકસતું રહ્યું. પહેલા તે એકલા ખોરાક બનાવતા, હવે તેમની સાથે બીજા બે લોકો જોડાયા. અક્ષયના મેનુંમાં શાકાહારી સાદુ પરંતુ સ્વાદિષ્ટ ભોજન આવા લોકોને મળવા લાગ્યું. સવારના નાસ્તામાં ઇડલી, ઢોસા, ઉપમા વગેરે, તો બપોરના અને સાંજના ભોજનમાં ભાત અને સાંભાર અથવા અઠવાડીયાના બે દિવસ શાકાહારી બીરીયાની તેઓ વહેંચવા લાગ્યા. એક દિવસનો ચારસો લોકોને ત્રણ વખત ખવડાવવાનો ખર્ચ લગભગ  પંદર હજાર રૂપીયા જેટલો આવે છે.. ક્રિષ્ણન કહે છે, “આ લોકોની તકલીફ એ છે કે તેઓ ભિખારીઓ નથી, તેઓ મંદીરની આસપાસથી પોતાના માટે ભોજનની વ્યવસ્થા નથી કરી શક્તા, માંગી શક્તા નથી. આવા લોકો સામાન્ય રીતે રેલ્વે પ્લેટફોર્મ, ફૂટપાથના કિનારે કે પુલની નીચે બેઠેલા મને મળી આવતા.”

નવેમ્બર 2009 સુધીમાં 1, 15,000 થી વધુ ભોજનો તેઓ પીરસી ચૂક્યા છે. તે પણ ફક્ત લોકોના સાથ અને સહકારને કારણે, ફક્ત મૌખીક પ્રસિધ્ધિ દ્વારા મળેલી મદદ. અક્ષય ટ્રસ્ટે અત્યાર સુધી  પોતાની જાહેરાત કે પ્રચાર માટે એક રૂપીયાનો ખર્ચ પણ કર્યો નથી કે તેમને કોઇ પણ વહીવટી ખર્ચ કરવો પડતો નથી. અહીં આપવામાં આવતું કોઇ પણ દાન ફક્ત આવા ભોજન માટે જ ખર્ચવામાં આવે છે.

આજે તેની લાલ રંગની મારૂતિ ઓમ્ની વાન લગભગ રોજ મદુરાઇમાં 170 કિલોમીટર ફરે છે. તેને એક દિવસ 400 લોકોને ત્રણ વખત ખવડાવવા અને લગભગ 170 કિલોમીટરનો પ્રવાસકરવાના આ કાર્ય નો લગભગ 15000 રૂપિયાનો ખર્ચ આવે છે. 2002 થી 2008 સુધીમાં અક્ષય ટ્રસ્ટ એક પણ વખતનું ભોજન આપવાનું ચૂક્યા વગર લગભગ 1, 15,000 થી વધુ ભોજનો કરાવી ચૂક્યું છે. ક્રિષ્ણનના માનવ સેવાના યજ્ઞ બદલ ઘણી સંસ્થાઓ મદદ કરવા આગળ આવી રહી છે. સામાજીક રીતે જાગૃત ઉદ્યોગપતિઓ અને સહ્રદયી લોકોએ મદદ પહોંચાડવાનું વચન આપ્યું છે. પણ ખર્ચ અને મોંઘવારી વધતી જ રહે છે તેથી,  એ  હજુ પણ લોકોના દાન અથવા પોતાની બચત વાપરીને આ સામાજીક ફરજ નિભાવે છે.

Krishnan Honoured by CNN-IBN and RILસી.એન.એન -આઇ.બી.એન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે 2008માં માણસના નૈતિક વિજયને સન્માનવા તથા જેમણે પોતાના અંગત સ્વાર્થને નેવે મૂકીને સમાજ માટે, તેના અવગુણોને સુધારવા માટે પોતાની જાત સમર્પી હોય  એવા લોકોને એક ઓળખાણ આપવા યોજાયેલા “ધ રીયલ હીરોઝ” કાર્યક્રમ અંતર્ગત ક્રિષ્ણનને તેના આ સત્કાર્ય બદલ શ્રી આમિરખાન અને શ્રી નીતા અંબાણીના હસ્તે માનદ ટ્રોફી અને રૂ. પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ક્રિષ્ણન કહે છે, “જો કોઇ પણ કાર્ય સમાજોપયોગી હોય, તો તેની પ્રતિભા અને લક્ષ્યનું સન્માન અચૂક થાય જ છે, અને અમે તેનું ઉદાહરણ છીએ.”

“હવે તમારી શી ઇચ્છા છે?” પ્રશ્ન સાંભળતા ક્રિષ્નનનો ઉત્સાહ છૂપાતો નથી. “અમારે આવા લોકોનું જીવન સ્તર સુધારવા, ઘર અને સમાજથી તરછોડાયેલા અને માનસીક રીતે અપંગ એવા લોકો માટે એક આશ્રયસ્થાન બનાવવું છે. લોકોના સહકારથી તેમની પાસે 2.6 એકર જમીન થઇ છે, તો એલ આઇ સી ગોલ્ડન જ્યુબીલી ફાઉંડેશન તરફથી તેમને આઇ સી યુ બ્લોકના બાંધકામ માટે 25 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે જેમાંથી 15 લાખ તેમને મળ્યા છે. અન્ય બ્લોકના બાંધકામ માટે એક શુભેચ્છકે તેમને 25 લાખની મદદ કરી છે. આ બે બ્લોકનું બાંધકામ પ્રગતિ પર છે. જો કે અન્ય બ્લોકના બાંધકામ માટે, ફાળો એકત્ર કરવા માટે ક્રિષ્ણનના પ્રયાસો ચાલી રહ્યા જ છે. Recognition‘ અક્ષયઘર ‘ નામની આ જગ્યા આવા તરછોડાયેલા લોકો માટે એક વિસામો બનશે, તેમના પુન: વસવાટ માટેના પ્રયત્નો ત્યાં કરવામાં આવશે તથા વૃધ્ધો માટે તે અંતિમ પડાવ બની રહેશે કે જ્યાં જીવનની છેલ્લી ઘડીઓ તેઓ સન્માન પૂર્વક વીતાવી શકે.

આ વૃધ્ધ અને તરછોડાયેલા લોકોને ખવડાવવા સિવાય ક્રિષ્ણન એક અન્ય કાર્ય પણ કરે છે. તે આવા લોકોના વાળ કાપી આપે છે, એમને દાઢી કરી આપે છે. શહેરના વાળંદોએ આ લોકોના વાળ કાપવાની ના પાડી દીધી, એટલે ક્રિષ્ણન આ કામ પોતે કરે છે. રસ્તાના કિનારે કે ફૂટપાથ પર કે આવી જગ્યાઓએ મૃત્યુ પામેલા લોકોની અંતિમ ક્રિયા પણ ક્રિષ્ણન કરે છે. તેમની આખરી સફરને તે એક અદબથી પૂરી કરાવવાનો પ્રયાસ કરે છે. અત્યાર સુધી લગભગ 150 થી વધુ આવા અંતિમ સંસ્કાર તે કરી ચૂક્યા છે.

પોરબંદરમાં, અમે ખૂબ નાના હતા ત્યારે, અમારા વડીલો કહેતા કે ગાંડાઓ માટે પોરબંદર આખરી વિસામો છે, રેલ્વે માર્ગ પર ઘણી બધી ગાડીઓ માટે પોરબંદર અંતિમ સ્ટેશન છે. એટલે લોકો ઘરના મંદબુધ્ધિ લોકોને ગાડીમાં બેસાડી દે, અને અંતિમ સ્ટેશન હોવાના લીધે એ લોકો પોરબંદર પહોંચે અને અહીંના રેલ્વે સ્ટેશનની આસપાસ, અહીં તહીં ફર્યા કરે, કોઇક સહ્રદયી માનવનું મન કોઇક આવી જ પળે ઓગળ્યું હશે કે તેમણે પોરબંદરમાં આશ્રમ ખોલ્યો જેમાં આવા બધાં ગાંડાઓને તેઓ રાખતાં, તેમના વાળ કપાવતા, દાઢી કરાવતા, ખવડાવવાની વ્યવસ્થા કરતા, તેમની કાળજી, માવજત કરતાં. તે હતા પ્રાગજી બાપા. મેં સાંભળ્યું છે ત્યાં સુધી એસ. ટી. બસમાં કંડક્ટર હતા. પોરબંદરમાં કોઇકના ઘરે લગ્નપ્રસંગ કે કોઇ અન્ય પ્રસંગ હોય તો તેમનું આખુંય સરઘસ, પ્રાગજી બાપા આગળ અને પાછળ આવા મંદબુધ્ધિ લોકોની શિસ્તબધ્ધ ગાડી ચાલતી. પ્રાગજી બાપાના આશ્રમને ગાંડાઓનો આશ્રમ પણ કહે છે. ક્રિષ્ણન સાથે સંપર્ક પછી, તેમની વાતોમાં સચ્ચાઇનો રણકો સાંભળીને પ્રાગજીબાપાને પણ મનોમન યાદ કર્યા. એમ થયું કે આવા થાંભલાઓ છે ત્યાં સુધી સમાજને ચિંતા કરવાની જરૂરત નથી. હા, જરૂરત છે તેમને પૂરેપૂરો આધાર, મદદ આપવાની. ક્રિષ્ણનને મંદબુધ્ધિ લોકોના ખોરાકની વ્યવસ્થા માટે તો આર્થિક સહાયની જરૂરત છે જ સાથે ‘ અક્ષયઘર ‘ માટે પણ તેને મદદની જરૂરત છે. કદાચ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ જો આપણે તેને આપી શકીએ તો સમાજના એક નવા માર્ગને આપણે ટેકો આપી રહ્યા હોઇશું જે સ્વાર્થથી, સ્વત્વની વરવી બાબતોથી અને પોતાના મતલબની દુનિયાથી દૂર, સમાજ અને માનવ કલ્યાણની એક નેમ સાથે અવરિતપણે વધ્યે જાય છે. આ માર્ગ પર ચાલનારા વીરલાઓ છે, તેઓ અસામાન્ય લોકો છે, એવા લોકો જેમણે પોતાની પરવા કર્યા વગર અજાણ્યા, તરછોડાયેલાની સેવા કરી છે. આપણા સમાજ માટે, ભારત માટે આવા લોકો “આઇડલ” કે “સેલેબ્રિટી” હોવા જોઇએ.

અક્ષય ટ્રસ્ટ અને એન.ક્રિષ્ણનનો સંપર્ક કરવા તથા તેમના વિશે વધુ જાણવા આપ તેમની વેબસાઇટ પર  www.akshayatrust.org જઇ શકો છો. અક્ષય ટ્રસ્ટને આર્થિક મદદ પહોંચાડવા વિશેની વિગતો નીચે મૂકી છે. અક્ષરનાદ ફક્ત આપ સુધી તેમની આ વાત પહોંચાડી રહ્યું છે.

( તેમને મદદ કરવાની આપની ઇચ્છા હોય તો આપ તેમને સ્વયં સંપર્ક કરી અથવા નીચેની વિગતો મારફત મદદ કરી શકો છો.

ભારતમાંથી અનુદાન

Akshaya’s Helping in H.E.L.P. Trust
ICICI Bank Ltd., Kochadai Branch, Madurai-625010
S.B.Account No.601 701 013 912

વિદેશમાંથી સહાય કરવા

Akshaya’s Helping in H.E.L.P. Trust
Account No. 601601081471
ICICI Bank Ltd., K.K.Nagar Branch, Melur Road, Madurai – 625 020 India

અથવા

N. Krishnan
SB account : 601601504494
ICICI Bank K.K.Nagar branch, Madurai 625020, India

MICR code: 625229006.

FCRA Regn No.075940512 Min. of Home Affairs, Govt. of India I.T. 80(G) Regn.No.108/2003-04 ITC Madurai, Donations exempt under 80 (G) of I.T. Act, Reg.No.108/2003-04/ITC Madurai, valid upto 31 March, 2010. Applied for Renewal.

સંપર્ક વિગતો:

Akshaya’s Helping in H.E.L.P. Trust, 9, West 1st Main Street, Doak Nagar Extension, Madurai – 625 010. India
Ph: +91(0)452 4353439/2587104, Cell:+91 98433 19933
E mail : ramdost@sancharnet.in
www.akshayatrust.org )

Note : We leave it to your judgement whether to speak of our transparency and statutory compliance. All our income and expenditure are properly accounted, vouched, audited by an independent  professional Chartered Accountant. Our I.T returns with the audited balance sheet is filed in April every year. All our accounts and activities are fully transparent and open to anyone any time.

{ અક્ષરનાદ.કોમ તરફથી જ્યારે આ લેખ માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અમને જોઇતી બધી માહિતી તથા સી.ડી, માહિતીપત્રક વગેરે તરત મોકલી આપવા બદલ અને ફોન પર પણ ખૂબજ સુંદર પ્રતિભાવ અને જોઇતી બધી ખાત્રી કરાવવા બદલ શ્રી ક્રિષ્ણનનો ખૂબ ખૂબ આભાર . આ લેખનું અંગ્રેજી ભાષાંતર એક અલગ લેખ તરીકે અહીંથી વાંચી શકાય છે.}