શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૧) 7


Emptying Lungs for Stomach - Shehnai Player (Image Courtesy Flicker)

માંડવો વધાવાઈ ગયો, ગોતરીજ પાસે પગેલાગણું પતી ગયું, ઘરને ટોડલે વરઘોડિયાંએ કંકુના થાપા પાડી લીધા.

જાનને શીખ દેવાઈ ગઈ. ધર્માદાનાં લાગાંલેતરી ચૂકવાઈ ગયા. વેવાઈઓએ એકબીજાને વહાલપૂર્વક ભેટી લીધા.

રામણદીવડો પેટવાઈ ગયો. વરકન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયાં. સામેથી આવતી પણિયારીનાં શુભ શુકન સાંપડી ગયા…

…અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું.
…અને ડોસા રમઝુ મીરે શરણાઈનો સૂર છેડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી. સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગવરીની જાન ઊથલી ગઈ.

ગામડા ગામની એ સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછીતનો કોઈના કરા સાથે ધરો ધફડાવતું ગાડું માંડમાંડ કરીને શેરી સોંસરવું નીકળ્યું ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુનાં બૈરાંઓ વરરાજાને જોવા એકઠાં થઈ ગયાં હતાં. લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતાં હતાં –

“આ ભૂધર મેરાઈનો જમાઈ -“

“ગવરીનો વર… હાથમાં તરવાર લઈને કેવો બેઠો છે?”

નાકા ઉપર નિયમ મુજબ મેઘો ઢોલી દાદ લેવા આડો ફરીને ઊભો રહ્યો, રમઝુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી. કન્યાપક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું :

આ દશ આ દશ પીપળો…
આ દશ દાદાનાં ખેતર…

વરપક્ષની જાનરાણીઓએ સામું ગીત માંડ્યું :

ખોલો ગવરીબાઈ ઘૂંઘટા..
જુઓ સાસરિયાનાં રૂપ..
એક રાણો ને બીજો રાજિયો
ત્રીજો દલ્લીનો દીવાન..

ગીતના સૂર વધારે વેધક હતા કે શરણાઈના, એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ બની રહ્યું. મીરે શરણાઈની એવી તો રમઝટ જમાવી હતી કે વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું વીસરી ગયા. પરિણામે ગીતો અને ઢોલ-શરણાઈનો સારી વાર સુધી તાસીરો જ બોલી રહ્યો. આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો ને રમઝુના હાથમાં પાવલી પડી ત્યારે જ એણે પીઠ ફેરવી ને જાન આગળ વધી.

રમઝુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી. કામઢા વેપારી હજાર કામ પડતાં મેલીને ઊઘલતી જાનને અવલોકવા દુકાનોને ઉંબરે આવી ઊભા. આખું સરઘસ અત્યારે જાજવલ્યમાન રંગો વડો સોહાતું હતું. મોખરે રમઝુના માથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઉડતા હતા. મેઘા ઢોલીએ લીલા રંગનું માથાબંધણું બાંધેલું. જાનૈયાઓને વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા તેથી એ આખો સ્ંઊહ લાલભડક લાગતો હતો. હીરભરતનાં ઝૂલ ને શીંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયન જામો, એમના હાથમાંની તરવારનું રંગીન મિયાન તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગસૃષ્ટિ રચી જતાં હતાં. એમની પાછળ વિદાયગીતો ગાતી સુહાગણોનાં અવનવાં પટકૂળોમાં તો રંગમેળો જ જોવા મળતો હતો.

આડે દિવસે ઊડઊડ લાગતી બજારમાં રમઝુ મીરની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી હતી. એના સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મત્ત બનાવી મૂકે. એની અસર કાન વાટે સીધી હ્રદય પર ચોટ મારે ને હ્રદયના એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે. પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલિ સમજાય કે ન સમજાય પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઊઠે તો ખરાં જ.

ભરબજારે ચોગાનમાં ઊભીને રમઝુએ અડાણો ઉપાડ્યો હતો. એ ઉન્માદભરી તરજનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતાં. છતાં, એમાં રહેલો આનંદ અને ઊછરંગ, તોફાન અને મસ્તી સહુ શ્રોતાઓ માણી રહ્યાં. એમની આંખ સામે તો વાતેવાતમાં છણકા કરતી, આંખમાંથી અગનતણખા વેરતી, ખોટેખોટે રુસણાં લેતી, વળી પાછા પતિના પ્રેમોપચારે રીઝી જતી, અજબ નટખટ ને નખરાળી નવોઢા રમી રહી. અભણ રમઝુ ડોસા પાસે શબ્દો નહોતા, કેવળ સૂર હતા. અને એ સૂર વડે જ આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો. નમતે બપોરે ઊભી બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરિયે સોંઢતી પતિમિલનોત્સુક પરિણીતાનું કલ્પનાચિત્ર શ્રોતાઓની આંખ સામે તરવરી રહ્યું. એ આ મેલાઘેલા માણસે સાધ્ય કરેલી સૂર શક્તિની જ બલિહારી હતી.

હર ઘડીએ વધારે ને વધારે ઘૂંટાતા જતા અડાણાના સૂરમાં શ્રોતાઓ કરતાંય વધારે તો રમઝુ મીર પોતે રમમાણ લાગતો હતો. આંખ મીંચીને, ગલોફાં ફુલાવી ફુલાવીને એ શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો અને એ નિર્જીવ વાદ્યને જીવંત બનાવતો જતો હતો. ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમઝુ એકવાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે, માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલા તળશીવેવાઈને એ વાતની જાણ નહોતી તેથી તેઓ મીરને દાદના પૈસાનો લાલચુ ગણીને પાવલું ફેંકી રહ્યા પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા. તળશીવેવાઈને સૂરજ આથમતાં પહેલાં પોતાને ગામ સણોસરે પહોંચી જવાની ઉતાવળ હતી તેથી શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા.

“હાલો મીર, હાલો ઝટ વહેતા થાવ.”

પણ અડાણાના સૂરમાં ગળાડૂબ સેલારા લેતા રમઝુને આવા આદેશ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી? મીર એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો ને તળશીવેવાઈને મનમાં ચટપટી ચાલતી હતી – આ ગતિએ રૂપિયે ગજને હિસાબે હાલશું તો સણોસરે પૂગતાં સાંજ પડી જશે ને અંધારે સામૈયાં કરવામાં હોરાજીની કિસનલાઈટ મંગાવવી પડશે. મોંઘીદાટ બત્તીના બિલ ભરવાને બદલે વેવાઈએ આ મુફલિસ મીરને જ પાવું વધારે દાદ આપીને આગળ વધવા પ્રેર્યો, પણ શરણાઈના સૂરમાં ડાબેથી જમણે ડોલી રહેલા રમઝુને દાદ પેટે ફેંકાતા પૈસા ગણવાની જ ક્યાં નવરાશ હતી? મેઘા ઢોલીએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા અને રમઝુને કહ્યું કે ‘હાલો મીર, હવે હાઉં કરો હાઉં’ પણ આવી સૂચના પણ એ કાને ધરે એમ ક્યાં હતો.

આખરે ભૂધર મેરાઈ પોતે જ આગળ આવ્યા ને રમઝુને રીતસરનો હડસેલો મારીને જ સંભળાવ્યું, “હવે હાલ્યની ઝટ હાલ્યની, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભતો રહીશ તો કે’દી પાદરે પોગાડીશ?”

મેરાઈના હડસેલા સાથે ઉગ્ર અવાજે ઉચ્ચારાયેલાં વેણ કાને પડ્યાં ત્યારે જ મીરને ભાન થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને ઊભો છું ને મારે તો હજી જાનને ગામઝાંપા લગી દોરી જવાની છે.

રમઝુ યંત્રવત આગળ તો વધ્યો પણ એનું દિમાગ – અને દિલ પણ – બરોબર બે દાયકા જેટલું જાણે કે પાછળ હઠી ગયું. વીસ વરસ પહેલાં આવા જ એક નમતા બપોરે રમઝુ મીરે પોતાની જ પુત્રી સકીનાને સાસરિયે વળાવી હતી. હ્રદયમાં ઊંડેઊંડે ખૂંપેલું શલ્ય સળવળે ને જેવો વેદનાનો ચિત્કાર નીકળે એવો જ મુંગો ચિત્કાર આ જૂનાં સંસ્મરણોના સળવળાટે મીરના હ્રદયમાંથી ઊઠ્યો.

અને આપોઆપ એની શરણાઈનો સૂર બદલી ગયો. અડાણાનો ઉન્માદ અને ઉછરંગ ઓસરી ગયો. એને સ્થાને હવે કોરાયેલાં કાળજાનું દર્દ વહેવા લાગ્યું. એકાએક થઈ ગયેલો આ તાનપલટો શ્રોતાઓ સમજી ન શક્યા, પણ આ નવા સૂરની અસરમાં આવતાં એમને વાર ન લાગી. આકાશમાં પૂર્ણેન્દુ પ્રકાશ્યો હોય, પૃથ્વી પર સ્નિગ્ધ શીતળ કૌમુદી રેલાતી હોય અને એમાં એકાએક કાળી વાદળી આવી ચડતાં ચોગરદમ અંધકારના ઓળા ઊતરી રહે અને આખા વાતાવરણમાં એક ઊંડી ઉદાસી ફેલાઈ જાય એવી જ અસર અત્યારે ઉઘલતી જાનમાં વરતાઈ રહી. ઘડીવાર પેહલાં આનંદમાં ગુલતાન હતા એ જાનૈયાઓ સાવ મૂંગા થઈ ગયા. ગીત ગાતી સુહાગણૉએ પણ જાણે કે શરણાઈની અસર તળે જ વધારે કરુણ વિદાયગીતો ગાવા માંડ્યા હતાં –

આછલાં કંકુ ઘોળ રે લાડી,
આછલી પિયળ કઢાવું..
તારા બાપનાં ઝૂંપડાં મેલ્ય હો લાડી,
તળશીભાઈની મેડીયું દેખાડું..

રમઝુ ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભરેલી વેદના વ્યક્ત કરવામાં જ ગુલતાન હતો, છતાં આ ગીતોમાં ગવાતી વેદનાનાં વસમાં વેણ એને કાને અથડાઈ જતાં હતાં ને આપમેળે જ હ્રદયસોંસરા ઉતરી જતાં હતાં, પરિણામે એના સૂરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું.

અત્યારે ગવરીના પિતા ભૂધર મેરાઈ પુત્રીની વિદાયને કારણે વિષાદ અનુભવી રહ્યા હતા, પણ એથીય અદકો વિષાદ તો રમઝુ મીરના હ્રદય પર છવાયો હતો, દિશાશૂન્ય બનીને, એ કેવળ આદતને જોરે એકેક ડગલું આગળ વધતો હતો અને દરેક ડગલે જીવાઈ ગયેલી જિંદગીનું એકેક દ્રશ્ય એની ઝામર-મોતીયા વડે ઝંખવાતી આંખ આગળ તાદ્દશ થતું હતું.

ભરજુવાનીમાં ઘરભંગ થયેલા રમઝુને બે વરસની મા-વિહોણી બાળકીની માતા બનવું પડેલું. ઓઝત નદીને હેઠવાસને આરે રમઝુએ બાળકી સકીનાનાં બાળોતીયાં ધોયેલા એ દ્રશ્યની સાહેબી આપી શકે એવાં ઘણાં ડોસાંડગરાં તો ગામમાં હજી હયાત હતાં.રમઝુને એક દુનિયામાં બે જ પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી – એક તો મીર કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીના મીઠા સંભારણાં રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. તેથી જ એણે પોતાના દિલની દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા નહોતો દીધો. કોમના માણસોએ ફરી વાર નિકાહ પઢવાનો બહુબહુ આગ્રહ કરવા છતાં, જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો.

રમઝુએ સકીનાને સગી મા કરતાંય સવાયા હેતથી ઉછેરીને મોટી કરેલી. સકીનાનાં લાડચાગ તો લોકવાયકા સમાં થઈ પડેલાં. માના તેમજ પિતાના બેવડાં વાત્સલ્યથી રમઝુ પુત્રીનાં લાલનપાલન કરતો હતો. પોતે કોઈ વાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે પણ પુત્રીને તો પકવાન જ જમાડે. પોતે ફાટ્યાતૂટ્યાં કપડાં પર સો થીગડાં મારે પણ સકીનાને તો ફૂલફટાક બનાવીને જ બહાર કાઢે. ન-માઈ પુત્રીને જરા પણ ઓછું ન આવે એની તકેદારી રાખવા માટે રમઝુ એને અછો અછો વાનાં કરતો.

સકીના કાખમાં બેસવા જેવડી હતી ત્યાં સુધી તો રમઝુ એને ચોવીસે કલાક પોતાનિ સાથે જ ફેરવતો. કોઈના સામૈયામાં શરણાઈ વગાડવા જવાની હોય તો પણ સકીના તો એની કાખમાં જ બેઠી હોય અથવા પિતાના ગળામાં હાથ પરોવીને પીઠ પર બાઝી પડી હ્યોઅ. રમઝુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર વાંદરીની પેટે વળગેલા બચોળીયાંની જેમ વળગી રહેલી આ બાળકીનું સુભગ દ્રશ્ય તો વરસો સુધી આ ગામમાં સુપરિચિત થઈ પડેલું.

સાચી વાત તો એ હતી કે શરણાઈ તેમજ સકીના, બંને આ વિધુર આદમીની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. શરણાઈ અને સકીનાની હાજરીમાં રમઝુ પોતાને આ દુનિયાનો શહેનશાહ સમજતો. ઘણીયવાર નમતી સંધ્યાને પોતાના કૂબાના આંગણામાં બેઠો બેઠો રમઝુ કેવળ મોજ ખાતર શરણાઈમાંથી સૂર છેડતો અને સકીનાને રીઝવતો. બાળકી ગેલમાં આવીને કાલુંકાલું બોલવા લાગતી. એનાં કાલાઘેલાં બોલમાં રમઝુ મૃત પત્નીની પ્રેમપ્રચુર વાણી સાંભળી રહેતો. આ રીતે શરણાઈ એ રમઝુ મીર માટે કેવળ રોટલો રળવાનું સાધન નહોતું, વિદેહી જીવનસંગાથિની સાથે સાંનિધ્ય અનુભવવાનું, એના જીવનબીન સાથે એકસૂર, એકતાલ, એકરસ બનવાનું જીવતું જાગતું વાદ્ય હતું. તેથી જ તો, પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યારે ઓટા પર મરવાના ફૂલછોડની મહેક માણતો માણતો એ શરણાઈના સૂર વહાવતો ને રમઝુની આ વિચિત્ર લાગતી ખાસીયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી. વ્યવહારડાહ્યા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાંડપણમાં ખપાવતાં. પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી? એ તો સપનાંને સહારે જિંદગી જીવતો હતો ને શરણાઈ વડે એ સપનાં સાચાં પાડતો હતો.

પાંપણમાં પુરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમઝુએ એક દિવસ સાસરે વળાવવી પડી હતી. અને તે દિવસે એણે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. અત્યારે એનાં ડગલાં ગામઝાંપાની દિશામાં પડતાં હતાં પણ એના મનનું માંકડું તો અતીતની યાત્રાએ ઉપડી ગયેલું. પ્રસંગોની પરકમ્મા કરતું કરતું એ વારેવારે પુત્રીવિદાયના આ પ્રસંગ પર આવીને અટકતું હતું. પુત્રીવિદાયનો એ પ્રસંગ તાજો થતાં ડોસાનું વત્સલહ્રદય વલોવાઈ જતું હતું અને એ વલોપાત શરણાઈના સૂર વાટે વ્યક્ત થઈ જતો હતો. અત્યારે પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતોએ વાત જ રમઝુ વીસરી ગયો. સાસરીયે સોંઢી રહેલી કન્યા ભૂધર મેરાઈની ગવરી છે એ હકીકત પણ એ ભૂલી ગયો. અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં હ્રદયની સઘળી વ્યથા રેડી રહ્યો હતો. તેથી જ તો, જાન ઝાંપે પહોંચતા સુધીમાં તો રમઝુના દર્દનક સૂરોએ આખું વાતાવરણ ભારઝલું બનાવી મૂક્યું હતું.

વધુ વાંચવા ક્લિક કરો આ વાર્તાનો ભાગ ૨

– ચુનીલાલ મડીયા


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૧)

  • અશોક ભીખાભાઇ સોલંકી

    નજર ની સામે આવી ને ઊભા રેહે એ રમજુ મીર સકિના એ ઢોલ અને શરણાઈ નો તાસીરો એ વડલો એ પાદર વાર્તા વાંચતાજ એ કબ્રસ્તાન રદય માં નિહાકાં નીકળે.ધૂમકેતુ સાહેબ ની post office પણ.આ બંને ટુકી વાર્તા ઑ 85 માં અભ્યાસક્રમ ગુજરાતી માં ભણેલ.હાલ પાઠ્યપુસ્તક માં હોય કે નહીં .ખબર નથી

  • Sidhdharth Vaghani

    I still remember, I read this lesson first item in std 10th and today I am in Germany but often read this lesson repeat and repeat. It creates some sound of Love, Joy, Pain and specially something different… really it’s awesome,,,,,,,,,

  • Ankur Vanshal

    ચુનીલાલ મડિયા એક મહાન સાહિત્યકાર છે અને રહેશે. તેમની રચના શરણાઇનાં સુર આજે પણ મારા જેવા લોકોનાં દિલમાં ખાસ અને અનોખ સ્થાન ધરાવે છે.