ગઈકાલથી અક્ષરનાદ પર શરૂ કરેલ સૌરાષ્ટ્રની રસધાર નાટકના ઑડીયો રેકોર્ડીંગના ઑડીયોકાસ્ટ અંતર્ગત આજે પ્રસ્તુત છે બીજો ભાગ – ચાંપરાજ વાળાની વાત.

જો કે આ નાટકની વાર્તાઓ પસંદ કરતી વખતે મારી સૌપ્રથમ પસંદગી હતી રા’નવઘણ. રા’નવઘણની વાત ભલે લોકોને ‘લાર્જર ધેન લાઈફ’ લાગી હોય પણ મેં એ માયલા (એ ભાતના) લોકો સાથે છેલ્લા પાંચ વર્ષથી ઘરોબો બાંધ્યો છે – આહીરો સાથે લગભગ અતૂટ કહી શકાય એવો મિત્રતાનો અને ક્યાંય એથીય વધુ સંબંધ બંધાયો છે, અને એ જ અંતર્ગત તેમના ઘરોમાં ગૃહીણીઓના પહેરવેશ – જીમી વિશેનો પહેલો સવાલ મિત્ર માયાભાઈને અને તે પછી રામપરા ગામના સરપંચ લક્ષ્મણભાઈના ઘરે એમના પિતાજીને મેં કર્યો હતો, અને સૌરાષ્ટ્રની રસધાર’માંની જ એ અનોખી વાત તેમના કંઠે એક અલભ્ય અને અનોખા આદર સાથે સાંભળી હતી, આજેય જે પરંપરામાં શોક પાળવા અમુક પ્રકારના જ વસ્ત્રો અને સાદગી જીવનભર પાળતી પેઢીઓ વહી આવે છે એ રા’નવઘણની વાતે મને ખૂબ આકર્ષ્યો હતો. પરંતુ એક અથવા અન્ય પ્રાયોગીક કારણસર એ શક્ય થઈ શક્યું નહીં. ફરી ક્યારેક એ વિશેષ પ્રસ્તુતિ સાથે પ્રગટ થશે એવી અપેક્ષા તો ખરી જ ! તો ચાલો સાંભળીએ વાત ચાંપરાજ વાળાની… ચાંપરાજ વાળાની – અપ્સરાઓ સાથેની તેની મુલાકાત અને સંવાદની – એ પછી મોચીને મળેલા વરદાન અને દિલ્હીની શાહઝાદીને ઉપાડી લાવવાની તેની ધૃષ્ટતા તથા તે પછી થયેલુ યુદ્ધ અને એમાં સૌથી પહેલા મૃત્યુ પામેલ જોગડો ઢોલી અને બીજો ચાંપરાજ વાળો – એમ આખુંય નાટક ખૂબ હ્રદયંગમ રીતે બાળકો દ્વારા ભજવાયું, તેના અમુક ફોટોગ્રાફ્સ પણ અહીં મૂકી રહ્યો છું.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રસ્તુત નાટક નડીયાદની શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર શાળામાં ભજવાયું. શાળાના ટ્રસ્ટીગણ – સ્ટાફ – અનુપભાઈની દોરવણીની આ અનોખી રીત – સાવ અલગારી એવા હાર્દિકભાઈ તથા શૌનકભાઈ જેવા ખંતીલા અને ધગશવાળા યુવાનોના સમૂહને આર્થિક સ્વતંત્રતા સાથે રેકોર્ડીંગ કરી એ નાટકનું દિગ્દર્શન કરવા અને ૩૦૦ જેટલા બાળકોને અભિનય કરાવી શકાય એટલી સગવડો સાથે શક્ય તેટલી સ્વતંત્રતા આપવી – બાળકો સહીત આખોય સ્ટાફ એ કાર્યમાં સહયોગ કરે એ વાત સ્વપ્નવત છે – અને છતાંય સાચી ઠરી છે. દરેકે શ્વાસ લેવાનું ભૂલાઈ જાય ત્યાં સુધી મગ્ન થઈને નાટકમાં જીવ રેડ્યો છે. તો ઉપસ્થિત વિશેષ મહેમાન એવા શ્રી જ્યોતિબેન થાનકીએ તેમના વક્તવ્યમાં આ કાર્યને વધાવી લીધું હતું.

રસધારની વાર્તાઓ પુસ્તકનું ઈ સ્વરૂપ નિ:શુલ્ક ડાઉનલોડ માટે અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.