લોચનમનનો રે ! કે ઝઘડો લોચનમનનો!
રસિયા તે જનનો રે ! કે ઝઘડો લોચનમનનો !
પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ?
મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’

નટવર નિરખ્યા નેન ! તેં સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ !’
‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ મન.

‘ભલું કરાવ્યું મેં તને, સુંદરવરસંજોગ.
મને તજી તું નિત મળે, હું રહું દુઃખવિજોગ !’
‘વનમાં વ્હાલાજી કને, હું ય વસું છું નેન !
પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન !’

‘ચેન નથી મન ! ક્યમ તને, ભેટ્યે શ્યામશરીર?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર !’
મન કહે, ‘ધીખું હ્રદે, ધુમ પ્રગટ ત્યાં હોય.
તે તુજને લાગે રે નેન ! તેહથકી તું રોય !’

એ બેઉ આવ્યા બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
‘મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન કાય.
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયા પ્રીતમ શ્રીકૃષ્ણશું બેઉ વડેથી પ્રીત.’

– દયારામ

દયારામ પ્રભુરામ ભટ્ટ મૂળ વડોદરા જીલ્લાના ચાંદોદ ગામના હતા. તેમણૅ અનેક ગરબીઓ, રાસ, આખ્યાન વગેરે રચ્યા છે. ભક્તિરસ અને શૃંગારરસ તેમની પદ્યરચનાઓની મુખ્ય વિશેષતાઓ છે. પ્રસ્તુત ગરબીમાં કૃષ્ણભક્તિ વિષય અંતર્ગત આંખ અને મન એ બે વચ્ચે કૃષ્ણ સાથે પહેલી પ્રીત કોણે કરી એ વિશે મીઠો ઝઘડો ચાલે છે. બન્નેના ઝઘડાનો સુંદર ઉકેલ બુદ્ધિ દ્વારા કરાવી કવિ અનેરી ચમત્કૃતિ સર્જી જાય છે. પ્રસ્તુત રચના ‘દયારામ સુધા’ માંથી સાભાર લેવામાં આવી છે.

બિલિપત્ર

(દુહો)
અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂપ;
અતિ ભલો નહીં વરસવું, અતિ ભલી નહીં ધૂપ.