બાળકનું ઘરમાં સ્થાન કયું? – ગિજુભાઈ બધેકા 7


આપણા ઘરોમાં રોજ રસોઈ કોને પૂછીને થાય છે?

બાળકને આ વસ્તુ ભાવશે કે નહિ, તેને આ પચશે કે નહિ, એવો વિચાર રાંધતી વખતે કેટલી માતાઓ કરે છે? બાળકોને કંઈ ભાવે નહિ તો આપણે કહીએ કે તેને ખાતાં જ ક્યાં આવડે છે? એને સ્વાદનું ભાન જ ક્યાં છે? તીખું લાગે ને બાળક ખાવાની ના પાડે તો આપણે કહીએ કે તીખું ખાવાની ટેવ તો પાડવી જોઇએ ના? આપણને ખારું ખાટું ગમતું હોય તો આપણે તેને ખારું ખાટું ખાવાનાં હિમાયતી કરીએ, ભાત ભાવતો હોય તો ભાતનાં ને શાક ભાવતું હોય તો શાકનાં હિમાયતી કરીએ.

બાળકે આપણા હુકમને અનુસરવું જોઈએ જ, કારણકે આપણું શરીર તેના કરતાં મોટું છે. પણ એટલેથી આપણને સંતોષ ક્યાં છે? એણે તો આપણી ટેવોને, આપણા શોખોને આપણી પસંદગીને પણ પોતાની જ કરવી જોઈએ. આપણે જેમ બેસીએ તેમ બેસતાં તેણે શીખવું જોઈએ; આપણે જેમ બોલીએ તેમ તે બોલે તો જ તેને બોલતાં આવડ્યું કહેવાય; આપણે જે ખાઈએ તે બાળક ન ખાય તો તેને ખાતાં ક્યાંથી આવડે?

આપણે ઇચ્છીએ છીએ કે જેવાં આપણે છીએ તેવાં બાળકો થાય. આપણે પોતે જ ઠરાવી દીધું છે કે બાળકો માટે આપણો આદર્શ પૂરતો છે. આપણાથી ઉચ્ચ વૃત્તિનાં ને શક્તિનાં બાળકો થઈ શકે એ ખ્યાલ આપણામાં છે? આપણા પૂર્વજો કરતાં કેટકેટલી બાબતોમાં આપણી ચડતી થઈ તેનો ઇતિહાસ આપને જાણીએ છીએ?

દુનિયા આગળ વધે છે કે પાછળ જાય છે?

બાળવિચારને આપણા હદયમાં કેટલું સ્થાન છે? બાળકને વિલાયતીને બદલે દેશી કપડાં પહેરવા હોય તો આપણને આપણું અર્થશાસ્ત્ર આડે નથી આવતું? આપણે આપણી સ્વાર્થી દ્રષ્ટિ ભૂલી જઈએ છીએ ખરા? નવા યુગની કલ્પના એને પણ ઝીલવા નથી દેતાં એ વાત ખરી છે કે ખોટી? ઘણાં બાળકોને માથે ટોપી પહેરવી અથવા પગમાં જોડા પહેરવા નથી ગમતા; પણ દીકરો ઉઘાડે પગે હોય તો આપણી આબરૂ જાય તેનું શું? પહેરણનુ ગજવું બાપાને ગમે ત્યાં જ થાય ના? બાળકની સગવડ જોવાની વાત તો ધ્યાન પર જ કેમ લેવાય?

છોકરીનાં ઘાઘરી પોલકાંની જાતો તો માએ જ નક્કી કરવી જોઈએ ના? બાળકમાં પસંદ કરવાની શક્તિ છે, એમ માને છે જ કોણ? આપણને ક્યાં નાનપણમાં જાતે પસંદ કરવા જતાં હતાં? આપણે ગુલામ રહ્યા એટલે બાળકે તેનું પ્રાયાશ્વિત કરવું જ જોઈએ ના?

કયે વખતે ને કયે દિવસે કેવાં કપડાં બાળકે પહેરવાં તેનો નિર્ણય તો અનુભવી માતા જ કરે છે. માતાની આંખને ગમે તે સૌને ગમે. વરઘોડો કે સભાને યોગ્ય કપડાં બાળકે ન પહેર્યા હોય તો આબરૂ તો માતાની જાય? નાનાં બાળકોની શી પ્રતિષ્ઠા? મા બાપોની પ્રતિષ્ઠા જાળવવાનાં બાળકો તો સાધનો!

મા બાપોની દંભવૃતિ અને અભિમાનવૃતિ સંતોષવાનું બાળકો તો સાહિત્ય! ઘરડી મા ન પહેરી શકે ત્યારે બાળકોને લાદે. માને સોગ હોય તો બાળકે મજા કરવી!

બાળકો તો છેક નાનાં નમાલા! એને રંગનું ભાન ક્યાંથી? એને વળી કલાની કદર શી? એને સૌંદર્યનો ખ્યાલ હોય જ શાનો? એ તો મા બાપની મોટી મોટી ઢીંગલીઓ. માબાપ પોતાની મરજી પ્રમાણે બાળકને શણગારે ને તેને જોઈ રાજી થાય; તેને રમાડે ને જમાડે. આટલુંય બહું સારાં ગણાતાં માબાપોનાં બાળકો પામે.

બાળકોને તો ઘણું નાગા રહેવું ગમે; પણ શિષ્ટાચારનું શું? માબાપો શિષ્ટાચારની ગુલામીમાંથી છૂટે તો જ બાળકને છોડાવી શકે ના?

ભલે ઘામ થાય, પણ કપડાં તો પહેરો, ભલે શરીરની હરવા ફરવાની છૂટ અટકે, પણ કપડાં તો પહેરો. કપડાં વિનાનું બાળક કેવું ભૂંડું લાગે? એના સુંદર શરીરને કૃત્રિમ વેશથી ઢાંકીએ ત્યારે જ આપણેને નિરાંત થાય, ને ત્યારે જ આપણાથી કલાબુદ્ધિનું દીવાળું નીકળે! પણ બાળક રહ્યું સામાજિક પ્રાણી. સમાજના બધા નિયમો તેણે જાણી લેવા જ જોઈએ ના? જો નાનપણથી કપડાં પહેરતાં ન શીખે તો મોટપણે નાગું રખડે, તો?

બાળક કુદરતનું બચ્ચું. ખુલ્લી હવા ને બાલ સૂરજનો તડકો, એ એના પ્રિય દોસ્તો, પૃથ્વીનો ખોળો માના પ્રિય ખોળા કરતાંયે બાળકને વધારે વહાલો. પૃથ્વી તો માતાનીયે મા. પણ બાળકને ખુલ્લી હવામાં જવા દઈએ તો એને શરદી ન થઈ જાય? સૂરજનો તાપ લાગે ને તાવ આવે તો? ને જમીન ઉપર રખડવાથી તો કપડાં બગડે ને શરીર પણ બગડે! આ આપણી માન્યતા.

સૂવાથી પથારી બગડી જાય, માટે પથારીમાં સૂવું નહિ; રમવાથી કપડાં બગડી જાય, માટે રમવું પણ નહિ! આ આપણો ન્યાય. આપણે માટે એક કાયદો; બાળકો માટે બીજો કાયદો. પણ કોઈ વાર કોઈએ પૂછી જોયું કે “બાપુ! તારે રમવું છે કે કપડાં સાચવવાં છે?”

કેવો માથામાં લાગે તેવો જવાબ મળશે!

કુદરતનો સહવાસ બાળકમાં જીવન રેડે છે. પૃથ્વીના સ્પર્શમાં બાળકના કેવા આનંદો છે તે કોઇએ જાણ્યું છે? તમે પાછળ દોડો ને એ આગળ દોડે ત્યારે જ તમે સમજી શકો કે છૂટું રમવું બાળકને કેટલું બધું ગમે છે! કોઇને ખ્યાલ છે કે બાળકને મન આખી સૃષ્ટિ-જીવન એ જ ચમત્કારથી ભરપૂર લાગે છે? પૃથ્વીની નિર્દોષ ધૂળ આપણા ચંદન કરતાંયે તેને વધારે વહાલી છે. પવનની મીઠી લહેરો આપણી વિકારી ચૂમીઓ કરતાંયે એને પ્રિય છે.

બાલસૂરજનાં કોમળ કિરણો આપણા કર્કશ કાથ કરતાં એને કૂણાં લાગે છે.

આપણે જ્યાં કશું ભાળતાં નથી ત્યાં બાળક ચમત્કાર ભાળે છે.

નાનું ફૂદડું ભાળી બાળક ગાંડુ બને છે; પતંગિયું જોઇ તે પતંતિયું જ બની જાય છે; દેડકું જોઈ તે કૂદે છે; ઘોડો જોઇ તે હણહણે છે; ગાયને ભાળી તે ડચકારો કરે છે. નાનું ઘાસનું તરણું બાળકનો મોટો સંગ્રહી રાખવા જેવો પદાર્થ છે. તેનાં ખીસામાં જુઓ તો ઘાસનાં તરણાં મળે, ફૂલોને પાંદડાંના ડૂચા જડે.

કુદરતમાં નહાયા વિનાનું બાળક કુદરતના ભેદો કેમ ઉકેલશે? ચાંદની, નાની શી ખળખળતી નદી, ખેતેરોની ધૂળ, વાડીનાં ઘરો, ટેકરીના કાંકરા, ખુલ્લા મેદાનની હવા અને આકાશના રંગો બાળકને મળેલી કુદરતી ભેટો છે.

એના હાથે છૂટે હાથે ઉપયોગ લેતાં આપણે તેને કેમ અટકાવીએ?

બાળકને ખુલ્લા આકાશ તળે અને ઉઘાડી પૃથ્વી ઉપર રાત – દિવસ રાખવામાં આવે તો તેઓ ઘરમાં આવવાની વાત જ ન કરે.

ફૂલો તો તેના દિલના દોસ્તો. એને જોઈને તો એ ગાંડુ બને; આઘેથી ફૂલો જુએ ત્યાં નાકનું ટીચકું હલે; મોં ઉપર અજવાળું પથરાય; દાંતની કળીઓ દેખાઈ જાય; ગાલ ઉપર બે નાના એવા ખાડા પડે. બાળક ફૂલ ઉપર આફરીન; માતા બાળક ઉપર આફરીન!

બાળક પહેલાં કુદરતની મીઠાશ સમજે ને પછી તે આપણી મીઠાશ સમજે.

બાળક ધૂળમાં આળોટી ઊંચે આકાશની સામે જોઈ રહે છે ત્યારે એ શું કરતું હશે? આખી કુદરતને તે શું પીતું હોય છે. આખી સૃષ્ટિને તે ભરી દેતું હોય છે. ચાંદો તેને રોજ ને રોજ નવો આનંદ આપે છે. ચાંદો રાતે જ દેખાય. એને એમ થાય કે ચાંદો દિવસે ક્યાં સંતાઈ જતો હશે? સંતાકુકડીની રમત બાળકો ચાંદા પાસેથી જ શીખ્યાં હશે?

આપણે તો હબુક પોળીનો ગમે તે અર્થ કરીએ; એ કામ તો રહ્યું લોકસાહિત્યાચાર્યોનું. ભલે આપણે બાળકને છાનું રાખવા હબુક પોળીની રમત રમાડીએ; પણ બાળક તો એમ જ સમજતું હશે છે કે મને ચાંદાનું તેજ ખવરાવે છે. ચાંદાનું તેજ – તેની શીતળતા કોને ન ગમે? બાળકની મજા તો ચાંદાનો રંગ જોવામાં છે, એની ચાંદનીથી નહાવામાં છે, એનું તેજ આંખે ભરવામાં છે. ચાંદામાં હરણ ને ડોશી દેખાય છે એ વાત બાળક તુરત જ માની લે છે; એ એનું ભોળપણ નહિ પણ ગાંડપણ. કુદરત સાથેની એની એટલી લગની. વિજ્ઞાનની કર્કશતા બાળકના મગજને ન રુચે. એમાં જ બાળકોને પરીઓની વાતો ગમે છે. અદ્દ્ભૂતતા એ એની મજા! પણ આપણે બાળકને લઈને ચાંદનીમાં ફરવાને ક્યાંથી નવરાં હોઈએ? આપણે ચાંદની ઉપર કાવ્ય ન કરવું હોય? આપણે હરણ અને ડોશી ની લોકવાર્તાનું મૂળ શોધવું હોય? આપણે ચંદ્રમામાં જીવન્ત પ્રાણીઓ છે કે નહિ તેની શોધ ન કરવી હોય?

આપણે તે નવરા ક્યાંથી હોઈએ?

માણસ સાચો કવિ તે ક્યાંથી થાય?

માણસને ચિત્રકલામાં ચમત્કાર કેમ લાગે?

કુદરતને પી ગયા વિના માણસ કુદરત ચીતરે કયાંથી? તેનું ગાન શી રીતે ગાય? તેની કવિતા શી રીતે કરે? વગર જમ્યે કદી પેટ ભરાય છે? બાળકને કુદરતથી દૂર રાખી આપણે એને કેવું બનાવશું? દેવ કે રાક્ષસ?

ફરીવાર એ જ પ્રશ્ન પૂછું છું ; બાળકનું ઘરમાં સ્થાન શું?

બાળકો માટે કયો ઓરડો, એનો વિચાર મકાન બાંધતી વખતે કોઇ કરે છે? ઘર ભાડે લેતી વખતે આમાં બાળકોને રમવાને જગ્યા છે કે નહિ તેનો વિચાર આપણે નથી કરતા. મોરી છે કે નહિ, રસોડામાં અજવાળું છે કે નહિ, સૂવાની જગામાં હવા આવે કે નહિ, નાહવાને નળ અને શૌચ માટે જાજરૂ છે કે નહિ, ને ગોદડાં તડકે નાખવાને અગાશી છે કે નહિ, એ પ્રશ્નો ઘરધણીને આપણે પૂછીએ છીએ. હજી સુધી કોઇએ પૂછ્યું છે કે ઘરમાં જઈ તપાસ કરી છે કે ઘરમાં બાળકોને રમવાની જગ્યા છે કે નહિ?

ઘર ભાડે લેતાં આપણને બાળકો ક્યાંથી સાંભરે? બાળકો માટે વળી અલાયદી જગ્યા કેવી? એ વિચાર આપણને નવો લાગે છે. એટલાં નાનાં નાનાં પ્રાણીઓનો આજથી હક્ક? એમને માટે વળી આજથી જ ખટપટ! આખું ઘર જ એમનું છે ના? ખાય, પીએ ને મજા કરે છે! આખા ઘરમાં ફરતાં, હરતાં ને રમતાં કોણ એમને રોકે છે?

પણ એણે ક્યાં ગાવું?
ક્યાં એણે વાતો કરવી?
ક્યાં એણે રમવું?
ક્યાં એણે ખેલવું કૂદવું?

રસોડામાં માને ગડબડ થાય; બધી ગોઠવણ ઊંધી વળે; રસોડું બગડી જાય! વળી માતા પાઠપૂજા કરતી હોય તો તો તેમાં ભંગ જ પડે ના? ત્યારે દિવાનખાનામાં તો પિતાજી છાપું વાંચતા હોય; કાં તો અસીલ માટે કેસ તૈયાર કરતા હોય; કાં તો દરદીને તપાસતા હોય; કાં તો ભાષણ આપવાની નોંધ કરતા હોય. ત્યાં ગરબડ કરવાની રજા ક્યાંથી મળે?

પણે ઓશરીમાં મોટાભાઈ ને મોટી બેન પાઠ કરતાં હોય ત્યાં પણ ન જવાય, ન રમાય ને ન ગવાય! એ તો જ્યાં ગયાં ત્યાંથી પાછાં. કદાચ એકાદ એકાંત ખૂણો મળી ગયો તો બાળકે કલ્પનાથી ઢીંગલી ઢીંગલા રમવું, ખોટું ખોટું ખાવું અને ખોટું ખોટું ગાવું.

આમ કાંઈ કલ્પનાશક્તિ ન ખીલે.

કેળવણીશાસ્ત્રીઓનો આ ભ્રમ છે.

આપણે માટે ને આપણા મહેમાનો માટે ટેબલ હોય, ખુરશી હોય, ચટાઈ હોય, જાજમ હોય, વગેરે વગેરે હોય. બાળક માટે ખાસ કરીને રાખેલો કોથળો પણ હોય છે ખરો? એની પાસે એનો બાઈબંધ બેસવા આવે તો એને ક્યાં બેસારવો? પણ આપણે ક્યાં જાણવાનોયે પ્રયત્ન કરીએ છીએ કે નાનાં બાળકોને દોસ્તો હોય છે? દોસ્તો તો આપણને જ હોય. નાનાં બાળકો વળી દોસ્તીમાં શું સમજતાં હશે? પણ આપણી દોસ્તી સ્વાર્થી; બાળકોની દોસ્તી નિર્દોષ. આપણી પાસે આપણા દાગીના અને કપડાં મૂકવાને કબાટો, ટ્ર્ંકો ને પેટીઓ છે. બાળકોએ એમનાં છીપલાં શંખલાં ક્યાં રાખવાં? એમનાં પીંછાં ને ઢીંગલી પોતિયાં મૂકવાની એકે જગ્યા ખરી?

આપણી વસ્તુ ચોરી થઈ જાય તો બાળકને મન કંઈ નહિ. પણ એનાં પીંછાં ને ફૂટલી કોડીઓ કોઈ લઈ જાય તો? એને મન તો આખું રાજ ગયું! અને છતાં આવા કિંમતી સંગ્રહ સાચવી રાખવાને આપણે એક પેટી કે ડબલુંયે ન આપીએ! કેવી આપણી વિચિત્રતા?

ખરી રીતે તો બાળકને ગણ છે જ કોણ? એ આંબી શકે તેટલી ઊંચાઈએ ઘરમાં ખીટીંઓ ક્યાં છે? અભરાઈઓ ક્યાં છે? આલમારીઓ ક્યાં છે? ઘરમાં વસાવેલા સારાં સારાં ચિત્રોયે બધાં ઊંચે ઊંચે ટાંગેલાં હોય છે; એના તરફ આપણી નજર ભાગ્યે જ જાય છે. તો પછી બાળકનાં તો એ ખપનાં જ નહિ ના?

બાળકનાં કપડાં આપણે ટાંગીએ.
ઊંચેથી લોટા પ્યાલા આપણે ઉતારી દઈએ.
મોટા પાટલા આપણે નાખી દઈએ.
થાળી પણ આપણે માંડવી જોઈએ.

બાળક બિચારું શું કરે? મોટી મોટી વસ્તુઓને એ શી રીતે પકડી શકે? એને મન તો ઘણુંયે થાય, પણ કેમ કરે? આપણે જાણીએ કે બાળક સશક્ત નથી; આપણે તેને બદલે કરવું જોઈએ. બાળકપ્રેમી માતાપિતા એમ જાણે કે આપણે બાળકને ખૂબ સુખી કરીએ છીએ.

બાળકના મહત્વને સમજવાનો દાવો કરનાર કહે કે અમે બાળકને બદલે જે બધું કરીએ છીએ, તે તેની પૂજા કરવા તેને માન આપવા કરીએ છીએ. પણ બધાં બાળકને પળે પળે અપંગ કરે છે, બાળકને ગુલામ બનાવે છે. જેના આપણે ગુલામ બનીએ છીએ તે આપણો મોટો ગુલામ થાય છે!

આપણે બાળક ઉપર વિશ્વાસ કરીએ છીએ? કામનું વાસણ તેને ઊંચકવા દઈએ છીએ? કોઈને રસોઈ પીરસવા દઈએ છીએ? બત્તી કરવા દઈએ છીએ? ચૂલામાં દેવતા પાડવા દઈએ છીએ? તેના નાના નાના રૂમાલો અને કપડાં ઘધોવા દઈએ છીએ?

આપણે કહીએ છીએ કે એનાથી એ ન બને; આપણે માનીએ છીએ કે એનામાં વ્યવસ્થા કરવાની શક્તિ જ નથી. પણ આપણને આંખ જ ક્યાં છે? અજ્ઞાન ઘોર અંધારું આપણી ફરતું ફરી વળ્યું છે. એના ઉપરના વિશ્વાસથી એને કોઇવાર આપણને તક આપી છે?

આપણને એને બદલે એનાં વાસણ ઊટકીએ છીએ; એને લુગડાં પહેરાવીએ છીએ; એને પાટલા નાખીદઈએ છીએ. આપણને આપણા જોગું કામ કરવાની મના થાય તો? આપણે માટે બધું કામ બીજાં જ કરે તો? આપણે ગુલામ કે શેઠ? એવી શેઠાઈ આપણે પસંદ કરીએ? એ શેઠાઈ કે મૃત જીવન? બાળક તો બધું કરી શકે. નાનાં નાનાં વાસણો ઊટકી શકે; નાની સાવરણીએ વાસીદું વાળી શકે; નાની બહેનને હીંચકો પણ નાખી શકે.

પણ આપણને એ ક્યાં સૂઝ્યું જ છે?

બાળકને યોગ્ય સ્થાન આપીએ તો પૃથ્વી ઉપર સ્વર્ગનું રાજ્ય સ્થપાય. ઘરમાં દેવો રમવા આવે. દેવોને મૃત્યુલોકમાં અવતરવું પડે.

સ્વર્ગ બાળકના સુખમાં છે.
સ્વર્ગ બાળકની તંદુરસ્તીમાં છે.
સ્વર્ગ બાળકની નિર્દોષ મસ્તીમાં છે.
સ્વર્ગ બાળકનાં ભોળાં ગાન ગુલતાનમાં છે.

– ગિજુભાઈ બધેકા
(‘મા-બાપોને’ માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “બાળકનું ઘરમાં સ્થાન કયું? – ગિજુભાઈ બધેકા

  • કિરિટ પરમાર

    આજકાલની યુવા પેઢીના યુવા મા-બાપ આવકની પાછળ દોટ મુકી બાળકને પોતાના અને હાલની પેઢીમાં રંગે છે,તેઓ માટે ખુબ ઉપયોગી છે.
    આવું જણાવતા રેહશો.
    ડાઉનલોડ પેજ હોય તો મિત્રોને વઁચાવેી શકાય….

  • Lata Hirani

    સરસ વાત. પણ હવે પરિસ્થિતિ ઘણી બદલાઇ છે. કદાચ ઊઁધુ. બાળક બગડી
    જાય એટલી એની ઇચ્છા સઁતોષવામા આવે..

    લતા જ હિરાણી

  • bgujju

    ખરેખર બહુ સરસ વાત કહિ . જો આનો અમલ કરિએ તો બાલક નુ તેમજ માતા પિતા બન્ને નુ જિવન સુધરેી જાય

  • maulik shah

    મૂછાળી મા (ગિજુભાઈનું ઉપનામ )ને સલામ… કદાચ સાંપ્રત સમયમાં ઘણુ બદલાયુ છે આથી આ લેખ આપણે બેઠે બેઠો ન અનુસરીએ પણ તેમાં રજૂ કરાયેલા સિધ્ધાંતો દરેક સમયે સ્વીકાર્ય છે.

  • Binita Vyas

    ખૂબ સરસ . જો આપણે આ વાત એક દિવસ માત્ર અમલમા મૂકિએ તોય ચોક્ક્સ એક આખા મહિનાનો અનુભવ કર્યા બરાબર !

  • pragnaju

    કેળવણીકાર. બાળ – કેળવણીના પ્રણેતા, બાળ – શિક્ષણનો

    પાયો નાખનાર, શિક્ષકો અને વાલીઓને માટે બાળકોના

    ઉછેર અને શિક્ષણમાં ઉપયોગી નિવડે તેવાં પુસ્તકો લખનાર

    અને

    બાળકો માટે લોક-વાર્તાઓને સરળ સ્વરૂપ આપી

    બાળભોગ્ય બનાવનારના આવા પ્રેરણાદાયી લેખો વારંવાર

    ધ્યાન પર લાવવા જોઈએ