ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૧) 1


અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ, ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો. એ બધુ ભેગુ કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.

* * * * *

ઈસ્લામના આગમન તથા રાજ્યવ્યવસ્થા અને રાજગાદીઓ પર તેના પ્રભાવ અને સુલતાનોના શાસનકાળને લીધે ભારતીય વિચારધારામાં અને ધર્મ સાધનામાં ઘણો સંઘર્ષ થયો. એ પહેલા ભારતીય ધર્મ પરંપરા ખૂબ રૂઢિચુસ્ત બીબામાં જકડાયેલ હતી, વર્ણાશ્રમ અને છૂત અછૂતના વ્યાપને લઈને આંતરીક સંઘર્ષો તો હતાં જ, પાસપાસે અને એક જ સમાજના ભાગ હોવા છતાં બંને ધર્મના સામંજસ્યની કોઈ સંભાવના નહોતી. વિદ્વાનો અને પંડિતોએ પણ અનુભવ્યુ કે બંને ધારાઓ સંપૂર્ણપણે હળીમળી જઈને રહી શકે તેવો કોઈ મધ્યમ માર્ગ તૈયાર થઈ શકે તેમ નથી. બંનેના રિવાજો, ધાર્મિક રૂઢિઓ અને મુખ્ય તો ઈશ્વર વિશેની માન્યતાઓમાંના ફરકને લઈને એ શક્ય પણ નહોતું. આવા સમયે સમાજના નીચલા વર્ગના કહેવાતા, નિરક્ષર સાધકોના દળે બંને સાધના ધારાઓનું માન રાખ્યું. આ નિરક્ષર સાધકો ભક્તિમાર્ગના હતાં, સૂફી હતાં અને ભારતીય ગ્રામ્યસમાજમાં સાધુ – ફકીર તરીકે ઓળખાતા ત્યજાયેલ વર્ણના સમાજથી નોખી ધારાના વાહકો હતાં. વિદ્વાનો જ્યારે જ્ઞાન આપવાનો અને ભારે ભારે લખાણો- ઉપદેશો દ્વારા સમાજને શીખવવાનો પ્રયત્ન કરતાં હતાં, અને તેમની શીખ પથ્થર પર પાણીની જેમ ઢોળાઈ જતી, એવા સમયે આ નિરક્ષર સાધકોએ ધુરા સંભાળી. જો વિદ્વાનોની દલીલો રૂપી પથ્થરો અથડાવાથી તણખા થતા હોય તો આ સાધકોએ પાણીની બે ધારાઓની જેમ એકમેકમાં ભળી જઈને બંને ધર્મના મૂળ તત્વોને સમાવીને સામાન્યજનોને અધ્યાત્મના પંથે જવામાં સહાય થાય એવી પ્રણાલી ઘડવાનો પ્રયત્ન કર્યો.

આવી ભક્તિધારાના વાહકોમાં મુખ્ય સાધક – પ્રચારક સ્વામી રામાનંદ જાતિએ બ્રાહ્મણ હતાં, તેઓ આચારપંથી રામાનુજના દળના હતા. ભક્તિમાર્ગના તેમના વિશેષ દર્શનને લઈને તેઓ સમાજના રૂઢિગત આચારોમાં પોતાની જાતને ઢાળી શક્યા નહીં, પ્રભુપ્રાપ્તિ માટેની રીતોમાં રહેલી સંકડાશને તેઓ સહી શક્યા નહીં અને તેથી અધ્યાત્મના માર્ગમાં આવતા આવા બંધનોને ફગાવી તેઓ આગળ વધ્યાં, તેમણે મૂર્તીપૂજા અને કર્મકાંડોને બદલે આત્મખોજ અને સગુણ ને બદલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનો માર્ગ દર્શાવ્યો. સંપ્રદાયે – સમાજે તેમનો ત્યાગ કર્યો અને તેમણે પોતાની ખોજનો પથ, પ્રભુપ્રાપ્તિ અને સાધના માટે પોતાનો માર્ગ સ્વયં કંડાર્યો. તેમના આ પથને અનુસરનારા પણ ઘણાં થયાં, તેમના શિષ્યોમાં પીંજારા સંત કબીર, મોચી રવિદાસ, નાપિત સેના, જાટ ધન્ના તથા અનેક સ્ત્રિઓ પણ હતી. તેમના શિષ્યમંડળનું આવું જ એક અનોખું નામ એટલે રાજસ્થાનના અત્યારના ઝાલાવાડ જીલ્લા, ગાંગરોનની આસપાસના મહારાજા પીપારાવ જે પાછળથી સંત પીપા ભગત તરીકે ઓળખાયા. પીપારાવ મહારાજનું નામ શિખ ધર્મમાં પણ ખૂબ આગળપડતું છે. ગુરુ ગ્રંથસાહેબમાં પણ તેમના વચનોનો ઉલ્લેખ આવે છે. એ સિવાય પણ શિખ સાહિત્યમાં તેમના અન્ય સર્જનો મળે છે, જેમાં શ્રી પીપાજી વાણી અને સરબ ગુટખા, એ બે જાણીતા છે.

ભગત પીપાજી ઈ.સ. ૧૪૨૫ની આસપાસ જનમ્યા હોવાનું મનાય છે. એક એવી માન્યતા પણ છે કે પીપારાવ મહારાજને તેમના મહેલમાં સ્થાપિત કુળદેવી ભવાની માતાજીએ સાક્ષાત દર્શન આપીને તેમને કાશી જઈને રામાનંદ સ્વામી પાસેથી આશિર્વાદ અને દીક્ષા લેવાનો આદેશ આપેલો. રામાનંદ સ્વામીનું નામ ધર્મપરંપરામાં ‘અહં બ્રહ્માસ્મી’ (ઈશ્વર અંતરમાં જ વસે છે) નો મંત્ર આપવા માટે, આંતરખોજ વડે જ બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે એવી તેમની માન્યતાના ફેલાવાને લીધે ઘણું જાણીતું હતું. પીપાજી જ્યારે તેમને મળવા ગયા ત્યારે રાજાશાહી ઠાઠ, હાથી ઘોડા અને મંત્રીઓના કાફલા સાથે ગયા. રામાનંદ સ્વામીએ તેમને મળવાની ના પાડી દીધી. પીપાજી પછીથી ભૂલનો ખ્યાલ આવતા પોતાના રાજાશાહી વસ્ત્રો અને અલંકારો ત્યજીને તેમને મળવા ગયા હતાં. તેમણે રામાનંદ સ્વામીને જણાવ્યું કે માતાજી ભગવતિ તેમના સ્વપ્નમાં આવી તેમને ઈશારો કરી ગયા છે માટે તેમને મળવા આવ્યા છે. પીપાજી મહારાજને રામાનંદ સ્વામીએ કહ્યું કે “એ દેવી દેવતાઓ અને અનેક ઈશ્વરોથી પણ ઉપર એક અનન્ય શક્તિ છે, જેમને પરમપિતા પરમેશ્વર અથવા નિર્ગુણ ઈશ્વર કહેવાય છે અને એ નિર્ગુણ ઈશ્વરની પ્રાપ્તિનો એક માર્ગ છે સગુણ ઈશ્વરની સેવા. પણ તેનો અન્ય એક સરળ માર્ગ પણ છે, અને એ છે અંતરમાં રહેતા ઈશ્વરને ઓળખવો. પીપાજીને આ ઉપદેશે ભારે અસર કરી. પોતાના કુળદેવી, અનેક દેવી દેવતાઓની ઉપર પણ કોઈ શક્તિ હોઈ શકે એ બાબતે તેમને શંકા જાગી. તેમણે મહેલ પાછા ફરીને માતાજી સમક્ષ સાચો રસ્તો બતાવવા દયાર્દ્ર પ્રાર્થના કરી. માતાજીએ ફરી તેમને સૂચવ્યું કે પરબ્રહ્મ પરમેશ્વર તો સર્વ મનુષ્યોના અંતરમાં વસે જ છે, એ જ સર્વશક્તિમાન પરમાત્મા તરીકે ઓળખાય છે. પણ એ ઈશ્વર માટેની આંતરખોજ ખૂબ કપરું કામ છે. એ પછી તેઓ રામાનંદજીના આશ્રમે ગયા અને ત્યાં જઈને પોતાના રાજ્યનો ત્યાગ કરી દીધો, તેમના શિષ્ય તરીકે પોતાને દીક્ષા આપવા પ્રાર્થના કરી. રામાનંદ સ્વામીએ તેમને કહ્યું કે હવે તમે તમારા જ રાજ્યમાં, રાજા તરીકે નહીં રાજના સેવક તરીકે કારભાર ચલાવો, એ દરમ્યાન રાજા હોવા છતાં પોતાનું ગુજરાન ચલાવવા પીપાજીએ વસ્ત્રો સીવ્યા. પરંતુ તેમનું મન રાજમાંથી ઉઠી ગયું.

પીપાજી મહારાજે રામાનંદ સ્વામીને પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું અને તેમનો ખૂબ ભાવપૂર્વક આદર સત્કાર કર્યો. મહારાજે તેમને આંતરિક સુખ, શાંતિ અને આત્મોન્નતિનું રહસ્ય પૂછ્યું. તેમના જવાબમાં રામાનંદ સ્વામીએ કહ્યું કે એ માટે કોઈ ઉપદેશ નથી, એ તો ધર્મનો – માન્યતાઓ અને આસ્થાનો પ્રાયોગિક અનુભવ છે. નાનકડા અનુભવ માટે તેમણે પીપાજી મહારાજને ધ્યાનની વિધી સમજાવી. પીપાજી મહારાજે થોડાક સમય માટે એ માર્ગનું અનુસરણ કર્યું. સાધનાની એ પદ્ધતિ અને નિર્વિકાર ઈશ્વરની પ્રાપ્તિના એ ખેંચાણને લીધે અંતે બધું છોડીને, પોતાનું રાજ્ય, સુખ અને સગવડો ત્યાગીને આત્મખોજનો માર્ગ તેમણે અપનાવ્યો એમ મનાય છે.

પીપાજી મહારાજની રાણીઓની સંખ્યા વિશે અનેક મતભેદ છે, ત્રણ સાત અને દસ એમ વિવિધ સંખ્યાઓ મળે છે. પરંતુ આ સ્વખોજના માર્ગે તેમને સાથ આપનાર હતાં તેમના પટરાણી સીતાદેવી. બંને જણ જ્યારે બધુંય ત્યાગીને આત્મખોજ માટે રામાનંદજીના આશ્રમે પહોંચ્યા ત્યારે તેમને નહાઈને આવવા માટે કહેવાયું, પરંતુ કૂવા પાસે કોઈ પણ સાધન નહોતું જેથી તેઓ પાણી ખેંચી નહાઈ શકે. પોતાની પરીક્ષા થઈ રહી છે એવું સમજમાં આવતા બંને કૂવામાં પડવા તૈયાર થયાં ત્યાં જ રામાનંદજીએ બંનેને રોક્યા અને જણાવ્યું કે હવે તમે વૈરાગ્યના અમૃતમાં નહાઈ ચૂક્યા છો.

પીપાજી મહારાજમાંથી ભગત પીપા બનવાની આ સફર ઘણી લાંબી હતી. સાધનાના પથ પર અગ્રસર થવા અને દુન્યવી તકલીફો અને પીડાઓની ઝલક મેળવવા રામાનંદ સ્વામીએ તેમને હરીદ્વાર થી દ્વારકાની યાત્રાએ મોકલ્યા. એ સાથે તેમણે પીપાજી અને સીતાદેવીને એવી શીખ પણ આપી કે માર્ગમાં ક્યાંય ઓળખ ન આપવી, અભ્યાગત તરીકે જ આખી યાત્રા કરવી અને સાથે કાંઈ દ્રવ્ય ન રાખવું. આવી યાત્રાઓમાં દ્રષ્ટિ એવી રહેતી કે માન અપમાન ભોગવતાં, દુઃખ પીડા અને તકલીફોમાંથી પસાર થતાં અહં ધોવાય અને પ્રભુપ્રાપ્તિનો સંકલ્પ વધુ દ્રઢ બને, આત્મખોજનો માર્ગ વધુ સ્પષ્ટ બને.

બંને દ્વારકા તરફ ચાલી નીકળ્યા. પ્રભુના દર્શન પછી સમુદ્રકિનારે ચાલતા ચાલતા દ્વારકાથી ગાઢ જંગલોમાં ફંટાઈ ગયાં. વિસ્તાર હતો અત્યારના લગભગ અમરેલીની આસપાસનો. અહીં માલધારીઓના અનેક નેસ હતાં, અગીયારસના દિવસે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તેમણે આસપાસ ગાય ભેંસ ચરાવતા ગોવાળીયા જોયા. સીતાદેવીએ એમાંથી એકને વિનંતિ કરી કે અગીયારસનું વ્રત હોવાથી જો ગાયનું થોડુંક દૂધ મળી જાય તો દિવસ નીકળે. માલધારીઓએ તેમની મશ્કરી કરવા એક વરોળ ગાય તરફ આંગળી ચીંધી અને કહ્યું, એનું જેટલું દૂધ આવે એ તમારું. ગાયને જોઈને સીતાદેવીને આ મશ્કરીનો ખ્યાલ આવ્યો, પીપાજી મહારાજના ઈશારે તેમણે રણછોડજીનું નામ લઈને એક તુંબડામાં દૂધ દોહવાની તૈયારી કરી. અને ગોવાળીયાઓના આશ્ચર્ય વચ્ચે આખું તુંબડુ ભરીને દૂધ દોહ્યું. ગોવાળો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયાં. પીપાજીએ તેમને પણ પ્રસાદી લેવા કહ્યું અને પાંદડાના દડીયામાં પીધેલા એ દૂધનો સ્વાદ અદભુત નીકળ્યો. નેસના અન્ય લોકોને આ વાતની ખબર પડતાં તેઓ આદરસત્કાર સહિત નેસમાં લઈ ગયાં અને રોકાવાનો આગ્રહ કર્યો. પીપાજી થોડાક દિવસ ત્યાં જ રોકાઈ પડ્યાં. ત્યાંથી આગળની યાત્રા પ્રસ્થાન કરતાં પહેલાં તેમણે ધ્યાનનો પ્રયોગ કર્યો અને તેમાં તેમને રણછોડરાયે નિર્દેશ આપ્યો કે મારા જન્મકાળમાં આ ભૂમીમાં હું આવેલો છું.

પીપાજીએ સવારે આ વાત મહાજનોને કરી. નેસવાસીઓ પાસેથી તેમને કૃષ્ણ ભગવાનની અહીંની યાત્રા વિશેનો ઈતિહાસ જાણવા મળ્યો.

(આ લેખનો બીજો ભાગ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે. )


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૧)