http://adhyaru.wordpress.comએક મિત્રને મળવા માટે રવિવારે કમાટીબાગના ગેટ પર ઉભો હતો, મિત્રનો ફોન આવ્યો કે તેને હજી કલાકેક ની વાર લાગશે, તો થયુ ચાલ અંદર બગીચામાં આંટો મારૂં, ટહેલતા ટહેલતા મ્યૂઝીયમ પહોંચ્યો. અને મને મારી શાળાના દિવસો યાદ આવી ગયા જ્યારે અમે હારબંધ મ્યૂઝીયમમાં ગયા હતા,

વહેલના હાડપીંજર સિવાય ભાગ્યેજ અમને કાંઈ ખબર પડી હશે…..જે અહીં નું સૌથી મોટુ આકર્ષણ છે, ૧૯૪૪ માં વડોદરાની દક્ષિણે મહી નદી માં ૭૧.૨ ફૂટ લાંબુ વહેલનુ બચ્ચુ ફસાઈને મૃત્યુ પામ્યુ હતું. ૧૨૫ ટન વજનના આ વહેલના બચ્ચાનું હાડપીંજર અહીં માવજત થી રખાયુ છે, ઘણા લોકો ફક્ત વહેલના વિશાળકાય હાડપીંજરને જોવા જ ત્યાં આવે છે પણ તેમને ખબર નથી કે અહીં ૬૦,૦૦૦ થી વધુ અલભ્ય વસ્તુઓનો ખજાનો છે.http://adhyaru.wordpress.com

કળાપ્રેમીઓ માટે સ્વર્ગ એટલે યુરોપીયન રૂમ જ્યાં છે ક્રાઈસ્ટ ધ સેવીયર ઓફ ધ વર્લ્ડ નામનું અલભ્ય ચિત્ર (ઈ. સ. ૧૬૫૦) આને લગતા બીજા ચિત્ર ગ્લાસો આર્ટ ગેલેરી અને મિલાન વગેરે જગ્યાઓમાં છે. ૧૬૪૪ માં તૈયાર થયેલુ અ ફેમીલી ગ્રૃપ નામનું મહારાજા સયાજીરાવનું પ્રિય ચિત્ર એક માતા પિતા અને તેમના દત્તકપુત્ર ને દર્શાવે છે. ઈટાલીયન ચિત્રકાર સરટિશિને ૧૪મી સદી માં તૈયાર કરેલુ ધ ડેથ ઓફ પીટર માર્ટીયરની એક જ નકલ છે જે અહીં છે. તો કેથરીન ઓફ બ્રેગેન્ઝા પણ અહીં છે જે પોર્ટુગીઝ પ્રિન્સેસનું મૂરતીયા પ્રિન્સ ચાર્લસને બતાવવા બનાવેલુ ચિત્ર છે. મોહેંજો દરો અને હડપ્પા સંસ્કૃતિના નમૂના પણ અહીં છે.

જૈનો ને જોવામાં રસ પડે એવી અસંખ્ય મૂર્તીઓ પણ અહીં છે જે અકોટા ગામ પાસે ૧૯૫૨ માં કરેલા ખોદકામ દરમ્યાન મળી આવી હતી. જૈનો ના પહેલા તીર્થંકર આદિનાથ ની કપોલસર્ગ ની મુદ્રામાં ઉભેલી પ્રતિમા, પાર્શ્વનાથ ભગવાનની તથા તેમની આસપાસ રહેલી ઋષભદેવ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ ખાસ ધ્યાન ખેંચે છે. એના સિવાય પણ જીવસૃષ્ટી, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મનુષ્યજાતિશાસ્ત્ર, વગેરે ખૂબ સરસ છે.

અહીં સર સયાજીરાવે ઈજીપ્તથી ૧૮૯૫ માં ૧૮૫ ડોલરમાં ખરીદેલુ મમી છેજે ઈ.સ.પૂર્વે ૩૦૦ નું છે. આ સંગ્રહાલયમાં ૨૧ જુદાજુદા વિભાગો છે, ૧૮૮૭માં બનેલા આ મકાનને હવે સમારકામની જરૂર છે, જો કે થોડુ ઘણું સમારકામ ચાલતુ જ રહે છે…

http://adhyaru.wordpress.com

ડીસ્કવરી અને નેટ જીઓ જોઈને ખુશ થતા આપણે ફક્ત ચાર પાંચ રૂપીયાની ટીકીટ લઈને આપણી જ નજીકમાં આવેલી કેટલી ખૂબસૂરત વસ્તુઓની આપણને નોંધ લેવાનો પણ સમય હોતો નથી. મને અહીં ખૂબજ મજા આવી, અહીં હવે ફરી ફરીને આવવુ પડશે, ઘણું સમજવુ છે, જોવુ છે…..કારણકે આ જ તો આપણા ગુજરાતનું અમૂલ્ય ઘરેણું છે….શું કહો છો?

 

Baroda online Museum Link

- Jignesh Adhyaru