અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ.. 4


2007 માં આજના જ દિવસે જ્યારે આ પ્રયત્ન શરૂ કર્યો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ પ્રવાસ યાત્રા બની જશે. અક્ષરનાદ.કોમ નામનો માતૃભાષા પ્રત્યેના વ્હાલનો મારો આ પ્રયાસ – આ નાનકડી ગુજરાતી વેબસાઈટ આજે અસ્તિત્વના સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશે છે. હવે મહદંશે ફેસબુક પર અને પુસ્તકમાં લખાય છે એટલે અહીં સાતત્ય ઘટ્યું છે, પણ આ અલખ કદી બંધ નહીં જ થાય. વર્ષોથી અક્ષરનાદને માણતા, પ્રોત્સાહન આપતા, વધાવતા, ટપારતા સંબંધોના અનેક નવા સ્ત્રોતસમા સૌ સર્જકમિત્રો અને વાચકોનો હ્રદયપૂર્વક આભાર, ધન્યવાદ, અભિનંદન .!

Aksharnaad completes 17 years of publishing Gujarati literature online for free!

અક્ષરનાદ પર લેખ મૂકવાનું સાતત્ય ઘટ્યું છે એનું મૂળ કારણ ફેસબુક છે. મહદંશે હવે જે લખાય છે એ બધું સીધું ત્યાં જ મૂકાય છે. મારું પોતાનું સર્જન તો અનેકગણું વધ્યું છે. આ વર્ષે પણ કુલ ત્રણ પુસ્તકો તો થશે જ, પરંતુ પુસ્તકો અને ફેસબુક સિવાય આ ઓટલે લખવાનું ઘટ્યું એ વાતનો સતત ખટકો રહે છે. સમયની હદ બહારની મારામારી છે કારણ કે નોકરીમાં જવાબદારીઓ વધી છે, પ્રવાસો વધ્યા છે, ઘરમાં હાજર રહેવાના પ્રસંગો અને કામ પણ ખૂબ વધ્યા છે. અને આ બધાં બહાના તો નથી જ. તો સદાબહાર જૂના સર્જકમિત્રો જેમણે અક્ષરનાદ સાથે સર્જનની શરૂઆત કરી હતી તેમના પુસ્તકો થઈ રહ્યાં છે, એ હવે પ્રસ્થાપિત લેખકો થયા છે એટલે વાચકોનો તરતનો પ્રતિભાવ જાણવા જે લેખ, કાવ્યો અને સમીક્ષા અહીં આવતા એમની સંખ્યા ઘટી છે અને ઉપરાંત વેબસાઈટની નિષ્ક્રિયતાને લીધે પણ એમાં અસર થઈ છે.

હમણાં એક વાચકમિત્રે ધ્યાન દોર્યું કે 2022 પછી અહીં ઈ-પુસ્તક વિભાગમાં કોઈ પુસ્તક અપલોડ થયું નથી. વાત તો સાચી છે પણ હવે પુસ્તકોની પાયરસી એટલી વધી છે કે ટેલિગ્રામ પર લગભગ બધાં જ પુસ્તકો ઉપલબ્ધ છે અને અક્ષરનાદ પર કદી કોપિરાઈટ ભંગ કરી પુસ્તક મૂકવાનો વિચાર સુદ્ધાં નથી કર્યો. એટલે અહીં પુસ્તકોની સંખ્યા ઘટી છે. પણ સર્જકોથકી જે પુસ્તકો અહીં આવશે એ જ અપલોડ થશે એ ચોક્કસ છે.

અહીં પ્રસ્તુત લેખોની સંખ્યા વધશે અને અક્ષરનાદના વાચકમિત્રોને અનેકગણું વધારે, શુદ્ધ સાહિત્ય વાંચન માટે ઉપલબ્ધ થતું રહે એ માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ વર્ષે હું કેટલું કરી શકું છું એ તો આવતા વર્ષે આ સપરમા દિવસે જ કહી શકીશ પણ તોય પ્રયત્ન મૂકીશ નહીં. ભલે કલમને ખોળે જીવન નથી મૂકી શક્તો, પણ ઘડીક એના ખોળે નિરાંત મેળવવા તો આવી જ જાઉં છું.

અક્ષરનાદ નિયમિતપણે અનિયમિત હોવા છતાં એની ક્લિક્સમાં, ઈ-પુસ્તકોના ડાઊનલોડ્સમાં, વ્હોટ્સએપ ગૃપમાં જોડાતા મિત્રોની સંખ્યામાં અને જૂના લેખ પર પણ આવતા અનેકવિધ પ્રતિભાવોમાં, અક્ષરનાદના ફેસબુક પેજ પરની ગતિવિધિમાં ઓટ આવતી નથી એ આપ સૌ મિત્રોનો સ્નેહ છે. મા શારદા સદાય અહીં વસતાં રહે, સાહિત્યના સમુદ્રમાં લેખોના હંસ પર બેસીને એ જ્ઞાનની દેવી અનંતકાળ સુધી સૌને સમતા આપે એ જ અપેક્ષા સહ અક્ષરનાદને અઢારમા વર્ષમાં પ્રવેશની અઢળક શુભેચ્છાઓ.

જે નાદ અક્ષર છે એ બ્રહ્માંડનો પોતાનો સ્વર છે.. જીવે શબ્દ અ-ક્ષર અમર!

જય સર્જન!

– જિજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ..

  • જયેન્દ્ર પંડ્યા

    જીગ્નેશ ભાઈ
    અક્ષરનાદ ના અઢાર વર્ષ પુરા કર્યા તે બદલ અભિનંદન. આપ સાહિત્ય ની યાત્રા પંથે ગતિશીલ રહો અને ઈશ્વર આપને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન અર્પે. આપ ગુજરાતી વાચક મિત્રોને સાહિત્યની સરસ મજાની સામગ્રીઓ પીરસતા રહો તેજ પ્રાર્થના સાથે આવનાર સમય માટે સહદય શુભેચ્છા.

    જયેંદ્ર પંડ્યા

  • Anila Patel

    ખૂબ ખૂબ અભિનંદન.આપનો આ બ્લોગ ઉત્તરોતર પ્રગતિ કરે એવી પ્રાર્થના

  • Hitesh Rathod

    લેખન, વાંચન અને સર્જનની યાત્રા અનંત છે, તો પણ અક્ષરનાદને અઢાર થયા એ નિમિત્તે અનેકો અભિનંદન!

  • Vimala Gohil

    ભિનંદન, ટીનમાં પણ પરિપક્વ સહિત્ય પીરસિયું હવે અઢાર તો વિશેષ મલશે એ અભ્યર્થના.