સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મકરન્દ દવે


પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧) 3

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. ૧૦ કૃષ્ણભક્તિની રચનાઓ અને નરસિંહ મહેતાની ૨૫ ભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આજે પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત છે. અનેક વિટંબણાઓ અને અશ્રદ્ધાના આ યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે…


ફૂલ જેમ ફોરમતી ધરીએ… – મકરન્દ દવે 6

સુખ અને આનંદ વચ્ચેની એક ખૂબ પાતળી ભેદરેખાને ઓળંગવી એ આપણા સૌ માટે એક પ્રાણપ્રશ્ન છે. ભૌતિક કે અન્ય સુખોને આનંદ સમજી લેનારાને એની પાછળ જીવનના અમૂલ્ય વર્ષો ખર્ચ્યા પછી, એને પ્રાપ્ત કરવા આકરી કિંમત ચૂકવનારને આખરે એમાંથી આનંદની પ્રાપ્તિ નથી થતી ત્યારે જીવન એવા વળાંક પર આવીને ઉભું હોય છે કે જ્યાંથી પાછું વળીને જોતા આનંદની અનેક ક્ષણ સુખ માટેના સાધનોની પ્રાપ્તિમાં રોળાઈ ગયેલી દેખાય છે, આનંદની એ જથ્થાબંધ ક્ષણોને માણવા સુખ માટેના સાધનોને જતા કરવાનું સૂચવતું આ ગીત સાંઈ મકરન્દની આપણી ભાષાને અનોખી ભેટ છે.


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૪) 1

આજે ફરીથી વર્ષાકાવ્યોનો આ ચોથો ભાગ પ્રસ્તુત છે. આવા સુંદર કાવ્યો શોધાતા રહ્યાં, અનેક પુસ્તકો ફંફોસાતા રહ્યાં અને એક પછી એક એ ધોધમાર કૃતિઓ અને કાવ્યરચનાઓ મળતા રહ્યા છે એ અલગ આનંદની વાત છે. અહીં શક્ય હોય તેટલા વિવિધ રચનાકારોની વર્ષા અંગેની એક એક કૃતિ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અત્યાર સુધી પ્રસ્તુત થયેલ વીસેય કાવ્યોમાં એક પણ રચનાકારની બે કૃતિ નથી એ આપ જોઈ શક્શો. હજુ વધુ કાવ્યો આવતીકાલે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.


મારા મનપસંદ શે’ર – સંકલિત 12

આજે પ્રસ્તુત છે કેટલાક ગમતીલાં સંકલિત શે’ર. આ પંક્તિઓ ફક્ત શબ્દોનો માળો નથી, એમાં તો અર્થના પંખીઓ અંતરનાદનો ચહેકાટ રેલાવે છે. એક એક પંક્તિ મનની વાત કહે છે, હ્રદયને સ્પર્શે છે. આશા છે આપને આ સંકલન ગમશે.


ગ્રો ઓલ્ડ વિથ મી… – રોબર્ટ બ્રાઉન, અનુ. મકરન્દ દવે 3

આજે પ્રસ્તુત છે એક ખૂબ ટૂંકી રચના, ખૂબ ટૂંકો અનુવાદ છતાં ખૂબ લાંબો અને ઉંડો ભાવાર્થ. કવિતા મૂળે રોબર્ટ બ્રાઉનિંગની છે અને અનુવાદ શ્રી મકરન્દ દવેએ આપ્યો છે. મુગ્ધાવસ્થા પસાર કરીને જીવનપથ પર એકબીજાને સહારે આગળ વધી રહેલા એક યુગલના મનની આ વાત છે. વિશ્વાસના વિધાન સાથે સહકાર અને સુંદર સમજણ ધરાવતા આ બંને પરસ્પર મૌનમાં પણ એકબીજાને કેટકેટલું કહી જતા હશે એવો સહેજે વિચાર થાય તેવી સુંદર રચના અને તેનો એવો જ મનહર ભાવાનુવાદ અત્રે પ્રસ્તુત છે. વધુ સમજવાનું ભાવક પર જ છોડી દઈએ તો કેટકેટલા અર્થો નીકળતા દેખાશે? જો કે મકરન્દ દવે એ તો આ આખી રચનાના એક નાનકડા ભાગનો જ અનુવાદ આપ્યો છે, પણ એ પછી મેં મૂળ રચના આખી મૂકી છે. અનુવાદનો પ્રયત્ન કરવા ધારતા મિત્રો માટે એક સરસ પગદંડી તૈયાર છે.


એ દેશની ખાજો દયા… – ખલિલ જિબ્રાન, અનુ. મકરન્દ દવે 6

ચાર વરસની ઉંમરે જેમણે ચિત્રકળા માટે પૂરતો કાગળ મળી રહે એ માટે બગીચામાં કાગળ વાવ્યો હતો એવા કાગળના ઝાડની કલ્પના કરનાર બાળકવિ ખલિલ જિબ્રાન અગ્રગણ્ય કવિ – લેખક હતાં. આપણા દેશની આજની પરિસ્થિતિઓ જોઈને આજે મન થયું જિબ્રાનને યાદ કરવાનું. વિદેશી રોકાણ માટેનો રાજકારણીઓનો ઉત્સાહ, મંદીના વમળોમાં ઘેરાયેલ અર્થવ્યવસ્થા, ગરીબોની વધતી સંખ્યા અને સમાજવાદનો ઘોર પરાભવ, સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ, રાજકારણીઓ અને સત્તાધારીઓના વિશાળ ગોટાળાઓ અને આ બધી અવ્યવસ્થાઓ વચ્ચે મુંઝાયેલ, ઘેરાયેલ એક અદનો સામાન્ય માણસ. તેઓ કહે છે, ‘Pity thy nation whose statesman is a fox, whose philosopher is a juggler and whose art is an art of patching and mimicking.’ આ રચનાનો અનુવાદ / આસ્વાદ શ્રી મકરન્દ દવેએ કરાવ્યો છે, જાણે દેશ માટેની જિબ્રાનની વેદનાનો સાક્ષાત્કાર થયો હોય એવો સચોટ અનુવાદ તેમણે આપ્યો છે.


જ્યારે વિધાતાએ દીકરી સરજી – અજ્ઞાત, અનુ. મકરન્દ દવે 9

પ્રસ્તુત મૂળ કવિતા અંગ્રેજીની ખૂબ પ્રચલિત રચના છે અને શ્રી મકરન્દ દવે દ્વારા કરાયેલો તેનો અનુવાદ પણ એટલો જ મનોહર અને સુંદર છે. બંનેના ભાવ સામિપ્યને જોઈ શકાય તે હેતુથી અહીં મૂળ કૃતિ પણ પ્રસ્તુત કરી છે. દીકરીઓ વિશેની અનુવાદિત કૃતિઓમાં આ રચનાનું સ્થાન અદ્વિતિય છે અને અનુવાદની સૌથી સરસ વાત એ છે કે પ્રસ્તુત રચના આપણી ભાષામાં જ રચાઈ હોય એટલી જ અસરકારક અને પોતીકી લાગે છે.


If you call me – સરોજીની નાયડુ, અનુ. મકરન્દ દવે 2

સરોજીની નાયડુ ૧૮૯૫ થી ૧૮૯૮ દરમ્યાનના તેમના ઈંગ્લેંડ નિવાસ દરમ્યાન લંડનની કિંગ્સ કોલેજમાં ભણ્યા. અહીં તેમનો પરિચય અને સંપર્ક અંગ્રેજ કવિ આર્થર સિમન્સ સાથે થયો. સરોજીની નાયડુના કાવ્યોના પુસ્તકોમાં ૧૯૦૫માં પ્રસિદ્ધ થયેલ “ધ ગોલ્ડન થ્રેશોલ્ડ”, “ધ બર્ડ ઓફ ટાઈમ” અને “ધ બ્રોકન વિંગ” મુખ્ય છે. ઉપરોક્ત કાવ્ય તેમના કાવ્યસંગ્રહ “ધ બ્રોકન વિંગ” માંથી લેવામાં આવેલું છે. પ્રિયતમના ફક્ત એક જ ઈશારે, ફક્ત એક પોકાર પર ઓળઘોળ થવા, દોડીને આવવા તત્પર પ્રેમિકાનું પ્રાથમિક શબ્દચિત્ર અહીં દેખાય, પણ અંતિમ ચાર કડીઓમાં એ કાવ્ય પ્રિયતમથી ક્યાંય આગળ વધીને વિશ્વસમ્રાટ ઈશ્વર સુધી પહોંચતું હોવાની અનુભૂતિ થાય જ.


સર્વતંત્ર સ્વતંત્ર ‘શિવ’ – મકરન્દ દવે 2

વિદુરે મૈત્રેયને પ્રશ્ન પૂછ્યો કે શિવ શીલવાનોમાં શ્રેષ્ઠ છે અને દક્ષ પુત્રી વત્સલ છે તો પછી દક્ષે સતીનો અનાદર અને શિવનો દ્વેષ શા માટે કર્યો ? જે શાંત, નિર્વૈર, આત્મારામ મહાદેવ છે તેનો ભલા, કોઈ દ્વેષ કરી શકે ? અને આ જમાઈ તથા સસરા વચ્ચે દ્વેષ પણ એવો કે જેમાં સતીને દેહત્યાગ કરવો પડે ! આનું કારણ શું ? આ પ્રશ્નના જવાબ સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે આજે શિવ અને સતી વિશેની અનેરી સમજણભરી વાત કહી ગયેલા આપણા સાંઈ મકરન્દની કલમે માણીએ આપણી જ કથાઓનો એક નવો આયામ અને સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ એવો અનેરો મર્મ.


શ્રી મકરન્દ દવેના કાવ્ય ‘દૂરની ડાળી..’ નો આસ્વાદ – રાજેન્દ્રસિંહ રાયજાદા 6

રહસ્યાત્મક અનૂભુતિની અભિવ્યક્તિની દ્રષ્ટિએ નરસિંહ, મીરાં પછી મકરન્દ દવેને મૂકી શકાય તેવી ક્ષમતા તેમના કાવ્યોમાં છે. તેમની રચનાઓમાં રહસ્યવાદી અનુભવની ભીનાશ, કાવ્યાત્મક સૂક્ષ્મતા અને સૌંદર્ય વિશેષ ઉતર્યા છે. ‘દૂરની ડાળી’ કાવ્ય અગમની ઝૂલતી કાળી કાયાને પ્રતિબિંબિત કરે છે. આંતરપ્રજ્ઞા દ્વારા જે ઉદબુદ્ધ થાય છે તે રહસ્યાત્મક સ્પર્શને સહજ, પ્રવાહી અને માર્મિક રીતે શબ્દોમાં વ્યક્ત કરી શકવાની કવિ શક્તિ ધરાવે છે. આ કાવ્ય સુરેખ, ઉત્કૃષ્ટ અને આંતર અનુભૂતિની રહસ્યાત્મકતાને પ્રકટ કરતું અર્વાચીન ગુજરાતી કવિતાનું એક વિરલ કાવ્ય લાગે તો એમાં આશ્ચર્ય નથી. માણીએ શ્રી મકરન્દ દવેનું આ કાવ્ય અને કાવ્યનો આસ્વાદ.


સ્વામી અને સાંઇ – મકરંદ દવે 4

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ ત્રીજા લેખમાં માણીએ સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચેના પત્રવ્યવહારને સંકલિત કરીને હિમાંશીબેન શેલત દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સ્વામી અને સાંઈ’ માંથી એક પત્ર અને તેનો સ્વામીજીનો જવાબ.


કોળી બાપા – મકરંદ દવે 1

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ બીજા લેખમાં તેમણે ઉપસાવેલું એક પાત્રચિત્ર સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના કોળીબાપાનું છે. તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. એક સક્ષમ પાત્રચિત્ર ઉપસાવવાની તેમની ક્ષમતાનો આ અનેરો પરિચય છે.


સત્યનું સ્વાગત – મકરંદ દવે 2

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. પ્રથમ લેખમાં માણીએ મહાભારતના કેટલાક પ્રસંગો વિશે તેમનાં વિચારમોતી, બહારથી એ પ્રસંગો એવા વરવા લાગે છે કે એને છીપલાંની જેમ ફગાવી આગળ વધવાનું મન થાય. પણ એને હાથમાં લઇ બરાબર તપાસીએ ને એનાં પડ ભેદી જોવા પ્રયત્ન કરીએ તો સત્યનું સુંદર મોતી એમાં ઝગારા મારતું હોય છે. આવો એક પ્રસંગ, જેમાં મહાભારતનાં બીજ પડ્યાં છે એ, વ્યાસના નિયોગનો છે.


ભોલારામની ત્રણ છબી – મકરન્દ દવે

પ્રશ્ન તો એ થવો જોઈએ કે આ ભોલારામ કોને કહેવાયું છે? ત્રણે છબીઓ અલગ અલગ છે, ત્રણેયમાં ભોલાને અલગ રૂપમાં કલ્પીને કવિએ એક અનોખો તાર રણઝણાવ્યો છે, ત્રણેય રચનાઓમાં ભોલારામ કોણ એ સહજ સ્પષ્ટ થતાં વાર નથી લાગતી, પણ તોય, શું એ વિચાર, એ માનવું કે “ભોલારામ આના માટે કહેવાયું છે” અંતિમ સત્ય છે? ક્યાંય ત્રણેય છબીઓ એક થતી દેખાતી હોય એવો કોઈ ત્રિભેટો આંખોને દેખાય છે ખરો? શ્રી મકરન્દ દવેની રચનાઓને સમજવા અને સમજાવવા માટે ક્યાંક વિચારનો પ્રસાર અને વિસ્તાર ખૂબ નાનો પડતો જણાય એ અનુભૂતી ખૂબ સહજ છે, આશા છે એથી વધુ આપને પહોંચે.


ઈશ્વરને ચરિતાર્થ કરતી બે દ્રષ્ટાંત કથાઓ – સંકલિત 4

ધર્મનો, ઈશ્વરનો કે અલ્લાહનો સ્થૂળ અર્થ જે આપણે કર્યો છે, અને ઈશ્વર સુધી પહોંચવા માટેના વિવિધ રસ્તાઓના વાડાઓ જે આપણે સર્જ્યા છે તેની વ્યર્થતા એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા કેટલી સચોટ રીતે કહી શકાય છે તે અહીં સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત બે દ્રષ્ટાંત કથાઓ સાંભળેલી છે, સ્મરણશક્તિને આધારે લખી છે, તેના લેખકનું નામ ધ્યાનમાં નથી, છતાં એ બંનેના લેખકો એક વાત તો સ્પષ્ટ રીતે બતાવી ગયાં છે, કે વાડાઓમાંથી બહાર નીકળીએ તો જ વિશ્વના દર્શન કરી શકાય, કૂવામાંથી બહાર આવી દરિયો અનુભવનાર જ નાનકડી બંધિયાર સ્થિતિની નિરર્થકતા સમજી શકે.


ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત 7

આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગીતા વિશે કહ્યું છે, ‘જ્યારે હું ભગવદગીતા વાંચુ છું અને વિચારું છું, પ્રભુએ આ મહાન વિશ્વ શી રીતે બનાવ્યું છે? આ દુનિયાની તમામ સિદ્ધિઓ મને તુચ્છ લાગે છે.’ ગીતા અંગે કેટલાય વિચારકો, જ્ઞાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અનેક વિચારો, દર્શનો પોતપોતાની સમજ અને અનુભવને આધારે મૂક્યા છે. પરંતુ કોઈ એક દર્શન એ પુસ્તકને સંપૂર્ણપણે સમજાવી શકે એમ માનવાને કારણ નથી, બધાંના પોતપોતાના મત છે, એવાજ કેટલાક વિચારો આ મહાન ગ્રંથવિશે આજે અહીં સંકલિત કર્યા છે.


વહુનું વાસીદું – મકરન્દ દવે 7

એક વહુના મનની વ્યથા, એક પરણીત પરતંત્ર સ્ત્રીના હદયનો વલોપાત કવિએ ઉપરોકત રચનામાં સુપેરે આલેખ્યો છે. ઘરનાં બધાને જ્યારે મનગમતા ભોજન કરવા મળે છે ત્યારે વહુને ભાગે સુકો રોટલો અને ખાટી છાશ આવે છે. આયુષ્ય જાણે ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ જતું લાગે છે અને તેને માનું વાત્સલ્ય યાદ આવ છે. પ્રભુએ આવો અવતાર આપ્યો તે બદલ કોને પુછવું એવી વ્યથા પણ તે અનુભવે છે. આ બધી વાત તે પોતાના ભાઈને સંબોધીને કહે છે. શ્રી મકરન્દ દવેની આ સુંદર કવિતા દરેક પરતંત્ર પરણીત સ્ત્રીના મનની વાત બની રહે છે.


આથમતી સાંજે ઉમાશંકર – મકરન્દ દવે

મરમી કવિ શ્રી મકરન્દભાઈ દવે સાથે થયેલા પત્રવ્યવહાર અને ધ્વનિમુદ્રિત શબ્દ સંદેશાઓનું સંપાદન અને સંકલન શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી આ લેખ સાભાર શ્રી લેવામાં આવ્યો છે. શ્રી ઉમાશંકરભાઈ જોશીના અવસાન પછી, તેમના વિશેના સ્મરણો અને તેમની સર્જનકલા વિશેની વાતો સૂચવતો આ સુંદર લેખ તે સમયે ઉદ્દેશ સામયિકમાં પણ પ્રકાશિત થયો હતો.


વેદ કાળની સપ્તપદી – મકરન્દ દવે 1

લગ્નની વિધિમાં સપ્તપદી એ અતિ મહત્વનું અંગ છે. વેદકાળની સપ્તપદીમાં સાત શ્લોકો છે, જેમાં વર કન્યાને ઉદ્દેશીને બોલે છે કે વિષ્ણુ તને દોરે અને તારા થકી આપણને ઐશ્વર્ય પુત્ર આદિની સંપ્રાપ્તિ થાય. આદેશ આપનારા અધિપતિ તરીકે પુરુષને સ્થાપતા હજારો વર્ષો પૂર્વેના આ વચનો આજના યુગમાં અસ્વિકાર્ય તો છે જ, અનુપયોગી પણ છે. બને જોડાજોડ ચાલનારા સહયોગી બની રહે એવાં આશિર્વચન ઉચ્ચારતા શ્લોકોની નવી સપ્તપદી રચાવી જોઇએ, અથવા તો વેદકાળની સપ્તપદીનું નવા સંદર્ભમાં નવેસરથી અર્થઘટન કરાવું જોઇએ. આવું એક અર્થઘટન અહીં આપ્યું છે.


વિષાદ પર વિજયની વાત – મકરન્દ દવે 3

શ્રી જમનાલાલ બજાજ, “ભાયા”ના હુલામણા નામે ઓળખાતા, દસ દિવસ માટે નંદિગ્રામ આવ્યાં હતાં. તેમની સાથેના સંસ્મરણો અને જ્ઞાનચર્ચાઓ આલેખતું પુસ્તક શ્રી મકરન્દ દવેએ લખ્યું છે, “ગોપથના યાત્રી સાથેગોષ્ઠિ “. તેઓ નંદિગ્રામ આવ્યાં ત્યારે તેમની ઉંમર પંચાણું વર્ષની, અને છતાંય બરાબર સ્વસ્થ. તા. 27 નવેમ્બર 1999 થી 6 ડિસેમ્બર સુધીની તેમની આ ચર્ચાઓના આલેખનમાંથી તા. 30 નવેમ્બરની વિષાદ પર વિજય મેળવવાની, તેને પચાવી જાણવાની વાત અંગે તેમની ચર્ચાઓનું આ સુંદર લેખ દ્વારા વર્ણન થયું છે.


આપજો – મકરંદ દવે 3

“આપજો !” માં કવિએ પ્રભુ કશુંક માંગવાનું કહે તો તે શું માંગે છે તે વિશે જણાવ્યું છે. સાદું સપનું, સાદી ભોમકામાં આયખું, મર્માળા માનવીની વાણી અને તેમની સાથે સુખ દુ:ખની ઉજાણી – આવું તેવું મળે એટલી કવિની ઇચ્છા રહી છે. કવિ શ્રી મકરંદ દવેની આ સુંદર રચના “અમલપિયાલી” માંથી સાભાર લેવામાં આવી છે.


ગમતાંનો કરીએ ગુલાલ – મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી, સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી? ખાડા ખાબોચીયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ ગાંઠે ગરથ બાંધી, ખાટી શું જિંદગી? સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી? આવે તે આપ કરી પળમાં પસંદગી, મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ …. ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ   – મકરન્દ દવે


ખાબોચીયામાં રમો, ખુશાલભાઈ – શ્રી મકરંદભાઈ દવે 3

ખાબોચિયામાં રમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો પેટ ફુલાવી, પહોળા થઈને, જીવ જંતુડા જમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   સૌથી મોટું ખાબોચીયું, તમ મોટો દોરદમામ, એમાંયે આ એક તમારું શું મોટુંમસ કામ ! સૌથી મોટા તમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   રૈયત તો છે રાંક, બિચારી બિલ્લી, બકરું ઘેટું, કોઈ ભલે માથું કાઢે શું કરશે મારું બેટું? દાંત ભીંસીને દમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   ધમધખતો જો ધોમ ધખે તો સૂરજને શું કે’વું? તમ દરિયાનો દાટ વળે તો બોલો ક્યાં જઈ રે’વુ? ટીપું જળ માટે ટળવળતા, નીચા થઈને નમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો  – શ્રી મકરંદભાઈ દવે એક જ રચનાના અનેકવિધ અર્થો કાઢી શકાય એવી શ્રી મકરંદભાઈની રચનાઓમાં આ એક રચના મારા હ્રદયની ખૂબ નજીક છે. તેની મારી સમજ આ પ્રમાણે થઈ છે. પ્રાથમીક રીતે એક દેડકાના ખાબોચીયામય જીવન વિશે, તેની સંપતિ અને તેના મનોભાવો વિશે લખાયેલી આ કવિતા તેના ગૂઢ અર્થમાં જીવનનું એક અદમ્ય રહસ્ય સમજાવે છે. ખુશાલભાઈ ના નામે, તેમના ઉદાહરણ દ્વારા શ્રી મકરંદભાઈ આપણને જીવનની એક કડવી વાસ્તવિકતા બતાવે છે. આપણે બધાં, પોતપોતાના ખાબોચીયામાં, આપણા ‘હું’ પણામાં જીવીએ છીએ. આપણું ખાબોચીયુંજ સૌથી મોટું અને આપણો દોરદમામ, આપણી નાની વાત પણ જાણે ખૂબ મહત્વની હોય તેમ આપણે સાહજીક રીતે માની લઈએ છીએ. પણ એક દરીયો થોડેક જ દૂર વસે છે, એક અફાટ સાગર કે જે આપણા નાના ‘હું’ પણાથી ખૂબ ઉંચે, ખૂબ મોટો છે તેને આપણે સમજવા માંગતા નથી. જીવનના રસ્તે થોડેક જ આગળ મુક્તિ છે પણ આપણે રસ્તાને જ મંઝિલ માની લઈએ છીએ, કોઈ આપણી વિરુધ્ધ કાંઈ પણ કહે, અરે આપણો કોઈ વાંક કે ભૂલ પણ બતાવે તો આપણે જાણે સો ટકા સાચા જ […]


ભજન કરે તે જીતે – શ્રી મકરન્દ દવે 8

વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે તુલસી દલથી તોલ કરો તો, બને પર્વત પરપોટો અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો આ ભારે હળવા હરિવરને મૂલવવા શી રીતે ! – રે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચખોટના ખાતાં પાડી એમાં તું નહીં ખાટે, સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછીતે? રે મનવા, ભજન કરે તે જીતે આવ, હવે તારા ગજ મૂકી, વજન મૂકીને, વરવા, નવલખ તારાં નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા ? ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા, ભજન કરે તે જીતે  – મકરન્દ દવે. ભજન અને દુન્યવી વેપારની સરખામણી તો શક્ય જ નથી, શ્રી મકરન્દ દવે અહીં કહે છે કે વજન કરે તે હારે અને ભજન કરે તે જીતે, જીવનનાં વેપારમાં કયા ત્રાજવા કાટલા વાપરીશ? કવિ પોતાના મનને સમજાવે છે કે પ્રભુ તુલસીદલની સામે હળવાફૂલ પરપોટા જેવા થઈ જાય છે તો સામે પર્વતથી પણ ભારે થઈ શકે છે. આ હળવા ભારે હરીને મૂલવવાની કોઈ રીત નથી એમ તેઓ મનને સમજાવે છે. જીવતર માટે માંડ એક ઘડી મળી છે, તો એમાં સાચ ખોટની, દુન્યવી સરખામણીઓ કરવાની છોડીને આનંદ સાગરની સહેલ માણવા તેઓ મનને સમજાવે છે. તેઓ મનને સમજાવતા કહે છે કે પ્રભુ માપવાનાં ગજ – ત્રાજવા મૂકી દે, નવલખ તારા નીચે બેસીને પ્રભુને કયા ત્રાજવે તોળીશ? ચૌદ ભુવનના સ્વામી પ્રભુ એક ચપટી ધૂળથી પણ જો સાચો પ્રેમ હોય તો, દોડતા આવે છે, આમ આ કાવ્યમાં કવિશ્રી મનને સાંસારીક વાતોમાંથી મુક્ત થઈ ભજનમાં મન લગાડવા કહે છે.