અંતરની અનુભૂતિનો અ-ક્ષર ધ્વનિ…

નવા વર્ષના સાલમુબારક, શુભેચ્છાઓ… – સંપાદકીય

નવા વર્ષના સાલમુબારક, શુભેચ્છાઓ… – સંપાદકીય

સૌ વાચકમિત્રો, સર્જકમિત્રો – સ્નેહીજનોને દિવાળીની શુભેચ્છાઓ.. નવા વર્ષના ઘણાં સાલમુબારક. આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ, જ્ઞાન અને પ્રગતિ પામી જીવનના સાચા મર્મને સમજવામાં સીમાચિહ્નરૂપ બની રહો તેવી શુભેચ્છાઓ.

વર્ષો પહેલા બેસતા વરસના દિવસે સવારે ત્રણેક વાગ્યે ઉઠી જઈ, ફટાકડા ફોડી, નહાઈને સરસ તૈયાર થઈ વડીલોને પગે લાગવાનો આનંદ લેતાં, પહેલા મંદિરે અને પછી સગાસંબંધીઓને ઘરે જઈને મળવાની અનોખી મજા આવતી, બાળપણની એ યાદો હવે સંતાનોના માધ્યમથી જીવાઈ રહી છે ત્યારે સમય હવે પુખ્ત બનાવી રહ્યો હોવાનો આભાસ પણ થાય છે. બાળપણની ‘પિપરમીંટી’ યાદોને ચગળતા ચગળતા ‘મેચ્યોરીટી’ ના અર્થમાં પુખ્ત થવું અને શારિરીક અર્થમાં પુખ્ત થવું એ બેયનો ફરક સમજાય છે. ઉમળકાના ઉભરાનું સ્થાન હવે શાંત આનંદ લઈ રહે છે. દરેક નવા વર્ષે કદાચ એ એક પગથિયું આગળ વધતું હશે! વધવું જોઈએ…

અક્ષરનાદ અને અમારા માટે વિ.સં. ૨૦૭૦નું વર્ષ અનેક રીતે વિશેષ રહ્યું. અક્ષરનાદની સફર સતત રહી શકી એ તો એક ચમત્કાર છે જ, સાથે સાથે આ વર્ષે જીવનની વ્યસ્તતાના ભારને હટાવીને મનગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવાનો સભાન પ્રયત્ન આદર્યો, અને તેના ફળસ્વરૂપ છેલ્લા થોડાક મહીનાઓમાં વાંચનનો રસાળ પ્રવાહ મળ્યો, માણ્યો. નવા સ્થળોએ ભમવાના ઉમળકાને લીધે દેશ વિદેશના સ્થળોની પણ મોજ માણી. સ્કૂબા ડાઈવિંગ, બંજી જમ્પિંગ, રાફ્ટીંગ, પેરાસેઈલીંગ, જેટ સ્કી વગેરેનો આનંદ માણ્યો. તો ૨ નવેમ્બરથી શરૂ થઈ રહેલા કેરળના સપરિવાર પ્રવાસનો ઉમળકો તો ખરો જ! કુદરતને અત્યંત નજીકથી માણવાનો, સ્વની સાથેના અંતરતમ વાર્તાલાપનો અને વ્યવસાયિક જીવનના અણગમાને ઉતારવાનો અત્યંત આકરો પ્રયત્ન કર્યો. તેના ફળ સ્વરૂપ માનસિક થાક હળવો કરી શકાયો.

આ વર્ષે સ્વેચ્છાએ લીધેલી જવાબદારીમાં રીડગુજરાતીના સંપાદક તરીકેનું કાર્ય મુખ્ય રહ્યું. મિત્ર સ્વ. મૃગેશભાઈના દુઃખદ અવસાન બાદ રીડગુજરાતીને ધમધમતી રાખવી એ ફરજ થઈ રહે છે. તો અક્ષરનાદ પણ તેની સાતત્યસભર ગતિએ આગળ વધી જ રહી છે. બંને વેબસાઈટ્સ નોકરીની સાથે ગોઠવાઈ ગઈ તેનો પણ આનંદ છે. અનેક અધૂરી પ્રવૃત્તિઓને બદલે થોડીક પણ પૂર્ણ થતી પ્રવૃત્તિઓમાં રત થવાનો વિચાર ઉપયોગી થયો. વિક્રમ સંવત ૨૦૭૧નું વર્ષ કોઈ અપેક્ષા વગર નિતાંત સાહજીકતાથી જ શરૂ કરવું છે. ઝેન ફિલસૂફીનો અત્યારે થઈ રહેલો અભ્યાસ આનંદની સાથે સાથે ખૂબ પ્રેરણાદાયક પણ છે, ઉછળતા ઝરણમાંથી સમુદ્રની ઉંડાઈ જેવું આ વાંચન ખૂબ સભાન પ્રયત્ન છે જીવનમાં ઝેનને ઉતારવાનો.

જીવનનું વહેણ અને અસ્તિત્વના સૂર્યની વચ્ચે શક્યતાઓની અનેક ક્ષિતિજો વિસ્તરેલી છે. એમાંથી જ કદીક ઉષા કે સંધ્યાના મનોરમ્ય રંગોમાં જીવનનું સત્ય આપણને સાંપડે, આપણા અસ્તિત્વના કારણ અને હેતુની સમજ મળે, આપણા અંતરત્તમ નાદને આપણે સાંભળી શકીએ એવી અ-ક્ષર નાદી શુભકામનાઓ સહ સૌને નવા વર્ષની હ્રદયપૂર્વકની અનેક શુભેચ્છાઓ. ઈશ્વર આપને જે જોઈએ છે તેની સાથે સાથે, આપના માટે જે જરૂરી છે એ પામવામાં મદદ કરે તેવી પ્રાર્થના સહ..

નમસ્કાર.

– જીજ્ઞેશ અધ્યારૂ

સર્વેને દિવાળી તથા નવા વર્ષની અનેક શુભેચ્છાઓ તથા સૌની સમૃદ્ધિ, શાંતિ, સ્વસ્થતા તથા સંતુષ્ટિ માટે પ્રભુને પ્રાર્થના.

Short URL: http://aksharnaad.com/?p=16407

વાચકોની સુવિધા માટે કોઈ પણ વધારાની કડી અથવા અન્ય જોડાણ વગરનું ફક્ત કૃતિ ધરાવતું આ reader-friendly સ્વરૂપ છે. મૂળ કૃતિ નવા વર્ષના સાલમુબારક, શુભેચ્છાઓ… – સંપાદકીય, એ કડી પર ઉપલબ્ધ છે.