ન મંત્ર હો, ન મૌન હો, ન કોઈ શબદગાન હો, ન પામવાનું હો કશું, ન બંદગી ન અઝાન હો,
સહજ હું ઓગળું અને વિરાટ વિસ્તરણ મળે, ચરમને સ્પર્શે વૃક્ષતા ને મૂળને ક્યાં ભાન હો….
– અંકુર દેસાઈ

( દિકરીઓ વિશે ) સમાજને એક પત્ર – કવિત પંડ્યા

2010 March 11
by AksharNaad.com

પ્રિય સમાજ,

તને વંદન,

ઘણાં સમયથી મારે તને પત્ર લખવાનો રહી જતો હતો, પણ આજે અવસર મળ્યો તો લખી શક્યો, એ જે મારે તને કહેવું હતું.

નારીસ્વાતંત્ર્ય એ માનવસ્વાતંત્ર્ય માટેની લડત છે અને માનવ સ્વાતંત્ર્ય, નારી સ્વાતંત્ર્ય વગર અશક્ય છે. આજે સમાજમાં સ્ત્રીનું સ્વાતંત્ર્ય વિકસે અને તેમની ગરિમા અને ગૌરવ વધે એ માટે સમગ્ર દેશ પ્રયાસ કરી રહ્યો છે ત્યારે આજના આ પત્રનું આયોજન સ્ત્રીઉત્થાન માટે કેટલું મહત્વનું બની રહેશે એ શું તું વિચારી શકે છે?

આપણી ભારતીય સંસ્કૃતિમાં માતાનું આગવું સ્થાન છે. ‘નારી સૃષ્ટિની જનની છે’ ‘નારી શક્તિ અનન્ય છે – અજોડ છે’ ‘નારી તું નારાયણી’ – એમ કહી પરાપૂર્વથી આપણે ત્યાં સ્ત્રીનું ગૌરવ કરવામાં આવ્યું છે. પણ વિકાસ અને પરિવર્તનની એકવીસમી સદીમાં આજે “ઔરત તેરી યહી કહાની, પેટમેં ભૂખ ઔર આંખોમેં પાની” જેવી સ્થિતિ કેમ ? એવો સ્ત્રીજાતિનો અસ્તિત્વગત સળગતો પ્રશ્ન આપણને દસ્તક દઈ રહ્યો છે. આગવી સાંસ્કૃતિક પરંપરાઓ, રીતરિવાજો, માન્યતાઓ અને મૂલ્યો ધરાવતાં તારા આ પુરૂષપ્રધાન સમાજમાં કુટુંબજીવનની મહત્વની ધરી સમાન નારીની સલામતી, ઉત્તરોતર ચિંતાનો વિષય બની ગઈ છે ત્યારે મારા પ્રિય સમાજ, આજે આપણી વેદકાલીન સમાજવ્યવસ્થા મને યાદ આવે છે. ત્યારે પણ સ્ત્રીઓના જન્મને આવકાર તો ન્હોતો જ ….! પણ તેમ છતાં શિક્ષણ, ધર્મ, જાહેરજીવન, ગૃહસ્થ જીવન, લગ્નજીવન વગેરેમાં સ્ત્રીઓ ઉંચો દરજ્જો ભોગવતી હતી. વેદોમાં તો નારી ગૌરવનું ઘણા પ્રકારનું વર્ણન જોવા મળે છે. ‘ગૃહિણી જ ઘર છે’ (ઋગ્વેદ), ‘સુધીલ પત્ની ગૃહલક્ષ્મી છે’ (ઋગ્વેદ), ‘નારી કુટુંબની પાલક છે’ (અથર્વવેદ), ‘નારી કુટુંબની પાલનહાર છે’ (યજુર્વેદ), ‘સ્ત્રી અબળા નહીં સબળા છે’ (અથર્વવેદ) આવા અનેક વર્ણનો દ્વારા ઋષિમુનિઓએ નારીનું સન્માન કર્યું છે. ચાણક્યએ તો ‘માતા મનુષ્યજીવનનું ગંગાજળ છે.’ એમ કહીને સ્ત્રીની મહત્તા ક્યાં નથી આંકી..! ‘સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે.’ એમ કહેનાર મનુએ તો ‘મનુસ્મૃતિ’ માં

ઉપાધ્યાન્દશાચાર્ય આચાર્યાણાં રાજં પિતા
સહસ્ત્ર્ં તુ પિતૃન્માતા ગૌરવેણાં તિરિચ્યતે.

(ઉપાધ્યાય આચાર્યથી દસગણાં, આચાર્યથી પિતા સો ગણાં અને પિતાથી માતા હજારગણી પૂજ્ય છે.)

- એમ કહી માતા પ્રત્યે પૂજ્યભાવ વ્યક્ત કર્યો છે. અરે, એટલું જ નહીં, ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ’ એમ કહીને મનુએ સ્ત્રીને સમાજમાં ઊંચામાં ઊંચુ સ્થાન આપ્યું છે તે તું ક્યાં નથી જાણતો, પણ અઢારમી સદીના અંતથી આ બધાં ખ્યાલો ધીમે ધીમે બદલાતાં ગયાં. સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ અને અસમાન વ્યવહાર શરૂ થઈ ગયાં. પરિણામે માણસે બાળકીને દૂધપીતી કરવી, સતીપ્રથા, વિધવા પુનર્વિવાહ પર પ્રતિબંધથી છેક સ્ત્રી ભૃણ હત્યા જેવાં જઘન્ય દુષ્કૃત્યો કરતાં પણ સહેજે ખચકાટ ન અનુભવ્યો. માનવતાની આ ક્રુરતા તો જો …! પહેલાના સમયમાં તો તેં બાળકીને જન્મવાંય દીધી, ‘ઊંવાં, ઊંવાં’ નો અવાજ પણ કરવા દીધો, પણ આજે તો બાળકી પાસેથી તેં એ હક પણ છીનવી લીધો છે. દીકરીઓને ગર્ભનાં અંધકારમાં જ ગૂંગળાવીને મારી નાખવાનું ક્રૂર કૃત્ય તે આદર્યું છે, જે એકવીસમી સદીના સમાજની સૌથી મોટી કમનસીબી છે. એટલે દેખીતી રીતે તને સ્ત્રીનાં સામાજિક સ્થાનમાં ભલે પરિવર્તન લાગે, પરંતુ વાસ્તવિકતા આ છે … ! આજના આધુનિકીકરણની સાથે સાથે સ્ત્રીનું, સ્ત્રીની જિંદગીનું વધુ ને વધુ અવમૂલ્યન થતું જાય છે. પરાપૂર્વથી સીતમો અને શોષણોનો ભોગ બનતી, બંધનયુક્ત જીવન જીવતી આ સ્ત્રી આજે દ્વિતિય કક્ષાનું નાગરિકત્વ ભોગવતી થઈ ગઈ. તે માટે આપણી રૂઢીગત પરંપરાઓ સિવાય કોને જવાબદાર ગણાવી શકાય? આજે પણ આ પરંપરાઓએ સ્ત્રીઓના માર્ગમાં અવરોધક બનવાનું છોડ્યું નથી. જેથી આજે પણ સ્ત્રીઓએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે મારા પ્રિય સમાજ, મારે તને એટલું જ કહેવું છે કે તારા દરબારમાં સ્વતંત્રતા બાદ સૈદ્ધાંતિક રીતે સ્ત્રી – પુરૂષ સમાનતાને સ્થાન મળ્યું છે ખરું, પણ માત્ર મળવા ખાતર. વાસ્તવિક ચહેરો તો સાવ નોખો છે. કેટકેટલા મહાપુરૂષોએ સ્ત્રીઓને આ સ્થિતિમાંથી બહાર લાવવાનાં પ્રયત્ન કર્યાં છે, કેટકેટલી સંસ્થાઓ આજે પણ પ્રયત્નો કરી રહી છે, પણ તારા દરબારમાં બધું જ વ્યર્થ. વિજ્ઞાનની આજની હરણફાળમાં તેં ભલે બધાં ક્ષેત્રોમાં પ્રગતિ કરી હોય પણ સ્ત્રીને પુરૂષ સમાન ગણવામાં આવતી નથી, એ માટે તારી પ્રવર્તમાન માનસિકતા સિવાય બીજું કોણ જવાબદાર હોઈ શકે? ‘દિકરો કુળનો દીપક, ઘડપણની લાકડી અને દીકરી પારકી થાપણ કે સાપનો ભારો’ – આવી વિકૃત અને અસંતુલિત માન્યતા ધરાવતાં મારા કહેવાતા ડાહ્યા સમાજ, તુ કેમ ભૂલી ગયો કે સ્ત્રી અને પુરૂષ બંને જીવનરથના બે ચક્રો છે, એના વિના ગતિ સંભવી જ કેમ શકે?

હે સમાજ, આવી અસમાનતા શા માટે? આવા ભેદભાવ શા માટે? આ તારી પુત્રઘેલછા? તારી પુત્રેષણાને સંતોષવા આમને આમ માંના ગર્ભમાંથી દીકરીઓને હણતો રહીશ અને દીકરાઓને જીવાડતો રહીશ તો અંતે શુ થશે? વિચાર્યું છે ખરું? સ્ત્રીઓનો દુકાળ નહીં પડે? સમાજ વ્યવસ્થા ભાંગી નહી પડે? તારી પુત્રલાલસા અને પુત્રીઉપેક્ષાની માનસિકતા આમજ ચાલુ રહેશે અને પુત્રી પ્રત્યે ઓરમાયુ વર્તન થતું રહેશે તો વિકટ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેજે. જો વિકટ પરિસ્થિતિઓ ન આવવા દેવી હોય તો પહેલેથી ચેતી જા! સ્ત્રી પુરૂષની સમાનતાનો સ્વીકાર કર. ભૂલી ન જા કે સ્ત્રી પુરૂષમાં લિંગભેદ કુદરતી છે, નૈસર્ગિક છે, પણ સામાજીક જાતિભેદ તો તેં ઉભો કર્યો છે. તારી પુત્રીઓને ભણાવ, એને શિક્ષણ આપ, એને સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક મૂલ્યોનું જ્ઞાન આપ, અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, રૂઢિચુસ્તતા, પરાવલંબીપણાંમાંથી મુક્ત કર. ભૂલી ન જા કે શિક્ષણ એ સામાજિક જાગૃતિ, માનસિક વિકાસ અને આર્થિક સ્વાવલંબન લાવે છે. જીવનલક્ષી અને જરૂરીયાતલક્ષી શિક્ષણ આપીને એને સામર્થ્યવાન બનાવ. તેને વિકાસની નવી તકો આપ, પણ સમાન તક, રાજકારણ, અર્થકારણ, જાહેરજીવન, કુટુંબ, લગ્ન એમ તમામ ક્ષેત્રે એનું સન્માન અને ગૌરવ જળવાય એ તારી ફરજ છે.

તાળી હંમેશા બે હાથે જ પડે છે. સ્ત્રી પુરૂષ તારા બે હાથ છે એ ભૂલતો નહીં. દહેજ આપવાનું બંધ કર, દહેજ ખાતર સ્ત્રીઓને સળગાવી દેવી એ તો તારી કેવી ક્રૂરતા? સ્ત્રીઓનું શારિરીક શોષણ તારા દરબારમાં તો ન જ થવું જોઈએ, યૌન શોષણ ખતમ કર, ને ભાઈ, તારાં રાક્ષસી કૃત્ય એવી ભ્રૂણહત્યાથી તો તોબા. સ્ત્રીભ્રૂણ હત્યા જેવું ઘૃણાસ્પદ કૃત્ય કરનારાં – તને ધિક્કાર છે. આવું પાપ તારાથી થઈ જ કેમ શકે? આજ સુધી બાળકીને દૂધપીતી કરતો રહ્યો, પતિના મૃત્યુ પાછળ ચિતા પર ચડાવતો રહ્યો, તેમ છતાં કોઈએ તારી સામે અવાજ પણ ઉઠાવ્યો નહીં. જેણે અવાજ ઊઠાવ્યો એ મહાપુરૂષોનું તો તેં કદી સાંભળ્યું નહીં. આજે તો બાળકીનો જન્મવાનો અધિકાર પણ છીનવી લીધો. ગર્ભમાં તેને ખતમ કરવાનું હીચકારું કૃત્ય કરતાં પણ હે સમાજ, તું ખચકાતો નથી. કોઈનો જીવ લેવાનો અધિકાર તને કોણે આપ્યો? ગર્ભમાં રહેલી સંતાનની જાતિ જાણવાની ઉત્કંઠા તને ક્યાંથી જાગી? વિજ્ઞાનનો આવો ઘોર દુરૂપયોગ? તું એક વાત સમજી લે, ભ્રૂણહત્યા એ ઘાતકી કૃત્ય છે, અમાનવીય છે, સમગ્ર માનવજાત માટે કલંક છે. પુત્રની પ્રતિકૃતિ સમાન પુત્રી સાથે આવો ક્રૂર વ્યવહાર કરતાં તને કેમ સહેજ પણ સંકોચ ક્ષોભ કે હિચકીચાટ નથી થતો? વ્હાલના દરિયા સમાન દીકરીના જીવનને ગર્ભમાં ટ્ંપો આપનાર સમાજ, જો આ હીનપ્રવૃત્તિ બંધ નહીં કરે તો પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે એ સમજી લેજે. ગર્ભસ્થ બાળકીની જીંદગી તારી નૈતિક જવાબદારી છે. જવાબદારી સમજ…. વહેલામાં વહેલી તકે આ પાપમાંથી મુક્ત થા અને દેશની પ્રગતિ અને વિકાસ માટે તારું ઉત્તરદાયિત્વ નિભાવવા તું પ્રતિબદ્ધ થા. તું તો સમજુ છો, સુસંસ્કૃત છો, તને તારી જવાબદારીનું ભાન કરાવનાર હું કોણ? તને કહેવાનું સામર્થ્ય મારામાં નથી, પણ તું તો સમાજ છે, તારા માટે શું અશક્ય છે?

બીજુ તો હું શું કહું? બસ આટલું જ …

તારો શુભચિંતક

- કવિત પંડ્યા.

શ્રી કવિત પંડ્યા વ્યવસાયે ભાવનગરની શ્રી એન સી ગાંધી મહિલા કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક છે. આ સિવાય તેઓ નાટકનો જીવ છે, પાંચ નાટકોમાં અભિનય, પંદરથી વધુ નાટકોનું દિગ્દર્શન તેઓ કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ માટે તેઓ નાટ્યતાલીમ વર્ગો ચલાવે છે.

પ્રસ્તુત કૃતિ દિકરીઓ વિશે સમાજને એક ખુલ્લો પત્ર છે, અહીં સ્ત્રીઓને લગતાં પ્રશ્નો વિશે તેમની ચિંતા સ્પષ્ટપણે ઝળકે છે, ખાસ કરીને તેઓ સમાજને સ્ત્રીભ્રૂણ હત્યા અને તેમને મળતા અસમાન અધિકારો અને તેમના સામાજિક દરજ્જાની સમાનતા વિશેની ચિંતાઓ સમાજને ઉદ્દેશીને લખે છે. વિકાસ અને પરિવર્તનની સદીમાં આજે સ્ત્રીજાતિનો અસ્તિત્વગત સળગતો પ્રશ્ન આપણને દસ્તક દઈ રહ્યો છે. આગવી સાંસ્કૃતિક પરંપરાઓ, રીતરિવાજો, માન્યતાઓ અને મૂલ્યો ધરાવતાં તારા આ પુરૂષપ્રધાન સમાજમાં કુટુંબજીવનની મહત્વની ધરી સમાન નારીની સલામતી, ઉત્તરોતર ચિંતાનો વિષય બની ગઈ છે. તેઓ આ પત્ર મારફત સમાજને આ વિષય પરત્વે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા કટીબદ્ધ થવાની વાત કરે છે. શ્રી કવિત પંડ્યાની કલમે આપણને આવી સુંદર વધુ કૃતિઓ મળતી રહે તેવી શુભકામનાઓ સાથે ખૂબ ધન્યવાદ.

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon

કવિ છું હું – બરકત વીરાણી ‘બેફામ’

2010 March 10
by AksharNaad.com

કવિ છું હું, બધાને કાજ મારે જીવવાનું છે.
બધાંના દર્દ મારા છે, ને મારું દિલ બધાનું છે.

તમારું દર્દ છે આ, કામ મારે શું દવાનું છે?
કે એ જીવવાનું કારણ છે, એ મરવાનું બહાનું છે.

નહીંતર આંખની સામે જ મશરૂનું બિછાનું છે;
મગર મારા મુકદ્દરમાં હંમેશા જાગવાનું છે.

નજૂમી, આવનારી કાલની ચર્ચા પછી કરજે;
મને છે આજની ચિંતા કે આજે શું થવાનું છે.

હું ધારું છું – સૂકાઈ ગઈ હશે સાચી તરસ મારી;
કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે.

જગા એમાં મને મળતી નથી, એમાં નવાઈ શી ?
હજી મારા હ્રદય કરતાં જગત આ બહુજ નાનું છે.

હું નીકળી જાઊં છું જ્યાંથી ફરી ત્યાં નથી જાતો’
હજીયે સ્વર્ગ જેવું સ્વર્ગ પણ મારા વિનાનું છે.

મળે છે લોકની કાંધે સવારી એટલે ‘બેફામ’,
ખુદાના ઘરનું તેડું છે, ખુદાને ત્યાં જવાનું છે.

- બરકત વીરાણી ‘બેફામ’

ખૂબ ભાવવહી અને અર્થસભર આ ગઝલમાં શાયર શ્રી બરકત વીરાણી મત્લાના શે’રમાં કવિની ફરજ બતાવે છે, પોતાની ફરજ બધાંને કાજ જીવવાની એ, બીજાના દુખને પોતાના કરી એક કવિએ જીવવાનું હોય છે એમ સમજાવતા તેઓ પોતાના મુકદ્દર વિશે વાત કરતાં કહે છે કે તેમને હંમેશા જાગવાનું જ મ્મળ્યું છે. જ્યોતિષિને તેઓ કહે છે કે કાલની વાત તો પછી કરજે, મને ચિંતા છે કે આજે શું થવાનું છે, વળી તરસ સૂકાઈ ગઈ છે અને એટલે જ કદાચ નસીબમાં મૃગજળ પીવાનું જ આવ્યું છે એમ તેઓ માને છે. જગત કરતા પોતાનું હ્રદય ખૂબ વિશાળ છે એમ દર્શાવતાં તેઓ માને છે કે આ જ કારણે જગતમાં તેમને જગ્યા મળતી નથી. અંતે મક્તાના શે’રમાં ખુદાના ઘરે જવા માટે, ખુદાના ઘરનું તેડું આવ્યું છે એટલે પારકાના કાંધે સવારી કરીને જવાની વાત પણ તેઓ કહે છે. મારી અત્યંત પ્રિય ગઝલોમાંની એક એવી આ ગઝલ શ્રી બેફામની રચનાત્મકતા અને અભિવ્યક્તિનો પરિચય ખૂબ સુંદર રીતે આપી જાય છે. એક ગઝલના એકે એક શે’ર ખૂબ ચોટદાર હોય એવી સંપૂર્ણ ગઝલો ખૂબ જ ઓછી મળે છે. પ્રસ્તુત ગઝલ તેવી જ એક રચના છે.

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon

સાબરના શિંગડા – ઈસપની બોધકથાઓ

2010 March 9
by AksharNaad.com

એક ખૂબ ગાઢ જંગલ હતું, તેમાં અનેક પશુ પક્ષીઓ રહેતા હતાં. એ જંગલની વચ્ચે સાબરનું એક ટોળું રહેતું હતું. એક સાબર તે ટોળામાંથી વિખુટું પડી ગયું હતું. તે ખૂબ તરસ્યું થયું, પાણીની શોધમાં તે ઘણે દૂર આવી ચડ્યું. અહીં તેણે એક તળાવ જોયું. તે નીચું મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી, એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું. પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયાં. પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી, તે મનોમન બોલ્યું, “અહા, શું મારા શિંગડા છે, જાણે મારા માથા ઉપર સુંદર મુગટ, આ શિંગડાથી તો હું ખૂબ શોભું છું, આ રૂપાળા શિંગડા મારી શાન છે, પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઊં છું.”

સાબર પાણી પીતું હતું એવામાં કેટલાક શિકારી કૂતરાઓનો અવાજ એના કાને પડ્યો. એણે શિકારી કૂતરાઓને પોતાની તરફ આવતા જોયાં. સાબર ત્યાંથી જીવ લઈને નાઠું, એ એટલું ઝડપથી દોડ્યું કે જંગલની ઝાડી સુધી પહોંચી ગયું.

પણ એટલામાં પેલા શિકારી કૂતરાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા. સાબર આ ઝાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું. પણ એના વાંકાચૂકા શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા, એ ઝાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું.

શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા, તેમણે સાબરને ફસાયેલું જોયું અને બધાં એક સાથે તેના પર તૂટી પડ્યા અને તેને ફાડી ખાધું. મરતા મરતા સાબરને થયું, “મારા કદરૂપા પગ જેનાથી હું લજવાઈ જતું હતું એણે તો મારો જીવ બચાવ્યો, પણ આ વખાણેલા રૂપાળા શિંગડા જેને જોઈને મને ગર્વ થતો હતો એણે જ મને ફસાવ્યું, અને મારા મૃત્યુનું કારણ બન્યાં.”

બોધ – સાચા કે ખોટા સાથીદારનું પારખું સંકટ સમયે જ થાય છે.

{ઈસપ ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઈ ગયો હોવાનું મનાય છે, ખરેખર તો તે એક ખરીદેલો ગુલામ હતો અને પોતાના માલિકના બાળકોને ખુશ રાખવા તેણે આ બધી વાર્તાઓની રચના કરી હતી. વાર્તાના પાત્રો રૂપે તેણે લીધેલા જંગલના પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, શિયાળ, કાગડો, રીંછ, હરણ, ઉંદર, દેડકો જેવા પશુ પક્ષીઓ અને પ્રાણીઓના ઉદાહરણ સાથે સમજાવાયેલી આ વાર્તાઓ નાના બાળકોની સાથે મોટેરાઓને પણ એટલી જ પ્રિય થઈ પડી છે. સાથે સાથે આ વાર્તાઓ વ્યવહારીક જ્ઞાન અને નીતીબોધ પણ સરળ પ્રવાહી ભાષામાં સુપેરે આપી જાય છે. આપણા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જેટલું જ મહત્વ પાશ્ચાત્ય સાહિત્યમાં ઈસપની આ બોધકથાઓનું છે. આજે પ્રસ્તુત છે તેમાંની એક સરસ વાર્તા.}

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon

છે ઘણા એવા કે જેઓ ….. – સૈફ પાલનપુરી

2010 March 8
by AksharNaad.com

છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિન્તુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વિતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કાંઈ આવ્યું નહીં પણ આંસુઓ આવી ગયા.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા;
એ હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા?

– સૈફ પાલનપુરી

યુગને પલટાવવો, જમાનાની તાસીર બદલવી કે સમય પર પોતાની છાપ છોડવી કદાચ ઘણાં લોકો કરી શક્તા હશે, પણ પ્રેમમાં ફાવી જનારા, પૂર્ણપણે સફળ થનારા શોધવા અઘરા છે એમ સરખામણી કરતા સૈફ પાલનપુરી કહે છે કે દુર્દશા તો હતી જ પરંતુ દોસ્તોએ સંજોગોનું ભાન કરાવ્યું. વીતેલા દિવસો યાદ કરતા આંસુઓ સિવાય બીજુ કાંઈ પણ યાદ આવ્યું નહીં, કદાચ પ્રસંગો એવા નહીં હોય કે યાદ કરવા જોઈએ, એ ફક્ત આંસુઓ જ આપી શકે. પ્રેમપત્રો પાછા આવ્યા, આવેલા પાછા અપાઈ ગયા, છતાં એ સંબંધ છે કે પત્રોની સાથે સ્નેહના એ સંબંધોની પણ અદલાબદલી કરાઈ છે એ બાબતે હજી શાયર મૂંઝવણમાં છે. દુનિયા ઉતાવળમાં આપણી કબરમાં બીજા કોઈને દફનાવી ગયા છે એમ સૂચક દ્રષ્ટાંતથી તેઓ કહે છે કે દુનિયામાં કોઈની કોઈને પડી નથી, સ્વાર્થ વગરના સંબંધને શોધવો જીવનનું સૌથી અઘરું કાર્ય છે.

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon

હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ/બ્લોગ્સ – જીજ્ઞેશ અધ્યારૂ

2010 March 6

થોડા દિવસ પહેલા એક સુંદર હિન્દી બ્લોગના લેખક સાથે સંપર્ક થયો, તેમની મારફત હિન્દીના બ્લોગ જગતમાં એક લટાર મારવાનો અવસર મળ્યો. હિન્દી ભાષાનું બ્લોગ અને ઈન્ટરનેટ વિશ્વમાં યોગદાન ખૂબ વધી રહ્યું છે અને આપણા સૌ માટે એ પણ આનંદની વાત જ કહેવાય. એ મિત્રએ પાઠવેલી કેટલીક વેબસાઈટ માંથી થોડીકનો આજે પરિચય. આ શ્રેણી કદાચ બે ત્રણ ભાગમાં વહેંચવી પડે એટલી બધી વેબસાઈટ અને બ્લોગ મળ્યા છે. બ્લોગવૈવિધ્ય એટલું તો વિશાળ છે, વિષયોની પસંદગી અને છણાવટ પણ એટલી સરસ છે કે વાંચવાની ખરેખર મજા આવી જાય.  તો ચાલો હવે જઈએ એક અનોખા સફર પર, સ્થળ છે હિન્દી બ્લોગ જગતની કેટલીક સુંદર વેબસાઈટસ / બ્લોગ્સ ….

કવિતાકોશ

કોઈ કવિ કે રચનાકાર મારફત નહીં પરંતુ એક આઈટી પ્રોફેશનલ એવા શ્રી લલિતકુમાર દ્વારા હિન્દી કવિતાઓને એક મંચ પર લાવવાના હેતુથી કરાઈ, જો કે બ્લોગ સ્વરૂપે તે ફક્ત એક જ યોગદાનક્રર્તા સુધી સીમીત રહી જાત, એટલે એનું વિકિ સ્વરૂપ વિકસાવાયું. મહીને આઠ લાખથી વધુ ક્લિક્સ ધરાવતી આ વેબસાઈટ, વિકિપીડીયા પછીની બીજા નંબરની હિન્દી વેબસાઈટ હોવાનો દાવો તેના સ્થાપક કરે છે. ૨૭૦૦૦ થી વધુ પાના, લગભગ ૧૨૦૦થી વધુ રચનાકારો ધરાવતી આ હિન્દી કવિતાઓની ખૂબ વિશાળ વેબસાઈટ છે. આ એક વિકિ પ્રોજેક્ટ જેવું છે જેમાં લોકો પોતાનું યોગદાન આપી સમૃધ્ધ કરી શકે છે. દિન પ્રતિદિન ખૂબ સમૃધ્ધ થઈ રહેલી આ વેબસાઈટમાં તુલસીદાસથી લઈને આમિર ખુસરો સુધી અને રસખાનથી મિર્ઝા ગાલિબ સુધીના રચનાકારોની રચનાઓ છે. અહીં ગઝલો, કવિતાઓ તથા અનુવાદિત કવિતાઓનો વિશાળ સંગ્રહ છે. જો કે હજુપણ અહીં કેટલાક કવિઓના નામ છે તો કવિતા નથી, અથવા કવિતાની કેટલીક કડીઓ માત્ર છે, પરંતુ આ એક કદી પૂરી ન થનારી યોજના છે. કવિતાઓ સિવાય અહીં ભક્તિગીતો, આરતીઓ, દોહા, શ્લોક વગેરે ઘણી રચનાઓ મળી રહે છે. જો કે કવિતાકોશ વિશે ખૂબ ઓછી જાણીતી વાત એ છે કે આ અવ્યવસાયિક પ્રયત્ન છે, અહીં કોઈ એડવર્ટાઈઝ નથી, અને સંસ્થાપકો પોતે એનો બધો ખર્ચ ઉપાડે છે. જો કે અનેક સદસ્યો થઈ જવાને લીધે અહીં અનેક ભૂલો પણ જોવા મળે છે પણ અન્ય કોઈ સદસ્ય તેને સુધારી પણ લે છે, કારણકે અહીં કોઈ પણ નવા પેજ ઉમેરી શકે છે કે તેમાં બદલાવ કરી શકે છે. આ કેટલીક પસંદગીની કવિતાઓનું સંકલન નથી પણ બધી કવિતાઓનો કોશ છે, એટલે અહીં પસંદગીના કોઈ પણ માપદંડ નથી. ભારતીય અને વિશ્વની ઘણી ભાષાની કવિતાઓના ભાષાંતર પણ અહીં મળી આવશે.

ગુજરાતી ભાષામાં પણ આવો જ એક કોશ હોવો જોઈએ કે બનાવવો એવી મારી ઈચ્છા છે. તેના મુખ્ય બે ફાયદા છે, એક તો એ કે એક જ જગ્યાએ બધી કવિતાઓ વાંચવા મળી જશે અને તેનો બ્લોગ કે વેબસાઈટ મારા બ્લોગ કે મારી વેબસાઈટથી મોટો કેમ એવો કોઈ પ્રશ્ન નહીં રહે કારણકે આ એક સહીયારો પ્રયત્ન છે, અહીં પ્રસ્તુતિકર્તાથી ધ્યાન લેખક પર જવાના અવસર વધુ છે, અને બીજો એ કે કોપી પેસ્ટ કરવાની કોઈને જરૂરત નહીં પડે, કારણકે અહીં બધા લખી શકે છે.

અન્યથા

કેટલાક ભારતીય અને અમેરીકન મિત્રોના સહયોગથી એક સામયિક શરૂ થયું જેનું નામ અન્યથા છે. અહીં સામયિકની જેમ જ અંકો ઉપલબ્ધ છે, જેમાં વિવિધ વિભાગોમાં કૃતિઓને સુંદર રીતે વર્ગીકૃત કરેલી છે, એટલે વાંચવા માટે ખૂબ સરળ પડે છે. મારા નોંધવામાં આવ્યું છે કે આવી સુંદર સરસ રસપૂર્તિ કરતી વેબસાઈટસ અવ્યવસાયિક પ્રયત્ન હોય છે, અહીં પણ કોઈ એડવર્ટાઈઝ નથી, અને સંસ્થાપકો પોતે એ વેબસાઈટનો બધો ખર્ચ ઉપાડે છે. અન્યથા સામયિકની અંગ્રેજી, સ્પેનિશ તથા ફ્રેન્ચમાં અનુવાદીત રચનાઓ પણ અહીં મળી રહેશે. સુંદર લે આઉટ અને સગવડભર્યું વાંચન આ વેબસાઈટની વિશેષતા છે, હજી પોતાના બાળપણમાં રહેલી આ વેબસાઈટ એક દિવસ ખૂબ વિશાળ વટવૃક્ષ બનશે તે નિશ્ચિત છે. એક વખત અવશ્ય વાંચવા જેવી વેબસાઈટ.

રચનાકાર

એક થી વધુ બ્લોગ અલગ અલગ સામગ્રી અને સાહિત્ય છતાં કેમ ખૂબ સુંદર રીતે ચાલી શકે તે સ્પષ્ટપણે દર્શાવતું સાહસ એટલે રચનાકાર. અહીં ૨૦૦૦ થી વધુ કૃતિઓ છે, એ પણ અપ્રસ્થાપિત લેખકો દ્વારા, અને છતાંય બ્લોગ સાહિત્યની દ્રષ્ટિએ ખૂબ સમૃધ્ધ છે. વાંચનની અપાર વૈવિધ્યતા દર્શાવતો ખૂબ સુંદર બ્લોગ એટલે રચનાકાર.

તીસરા ખંભા

બ્લોગવિશ્વનો ઉપયોગ ફક્ત સાહિત્યના પ્રચાર પ્રસાર પૂરતો જ સીમીત ન રહેતા અનેકવિધ ઉપયોગીતાઓ સાથે સંકળાય છે અને સરવાળે વાંચક કે ઉપભોકતાને ફાયદો જ થાય છે. તીસરા ખંભા એક અવનવો પ્રયાસ છે, લેખક દિનેશરાય દ્વિવેદી વ્યવસાયે વકીલ છે અને ૧૯૭૮થી કોટા, રાજસ્થાન ખાતે વકીલાત કરે છે.

કિતાબઘર

હિન્દી ભાષાના એવા પુસ્તકો જેમના કોપીરાઈટ પૂરા થઈ ગયેલા હોય તેમને ઈન્ટરનેટ પર પ્રચલિત કરતી અને તદન મફત ડાઉનલોડ કરવાની સગવડ આપતી આ વેબસાઈટ પુસ્તકોનો અદભુત ખજાનો છે. ડો. હરિવંશરાય બચ્ચનના મધુશાલા થી શ્રી વિનોદ જોશીની હાસ્યરચનાઓની તથા અન્ય અનેકવિધ વિષયોને આવરી લેતા ૧૧૦ થી વધુ પુસ્તકો અહીં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

સૃજનગાથા

હિન્દી ભાષાના સાહિત્યનું અનેકવિધ વૈવિધ્ય ધરાવતી ખૂબ સુંદર વેબસાઈટ, અહીં વિષયોનું વૈવિધ્ય તો છે જ, સાથે લેખકો પ્રસ્થાપિત સાહિત્યકારો નથી, મારા જેવા સામાન્ય લોકો છે, એટલે જ કદાચ આ વેબસાઈટ હિન્દી ભાષાના દરેક નેટપ્રેમીનું પસંદગીનું સ્થળ છે.

હજી યાદીમાં આનાથી ત્રણગણી વધુ વેબસાઈટ અને બ્લોગ્સ છે, તેમનો પરિચય આવતા અઠવાડીયે કરીશું.

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon

અ પ્રિન્સિપલ ટુ ફોલો – જીજ્ઞેશ અધ્યારૂ

2010 March 4

એન્જીનીયરીંગ કોલેજમાંથી નીકળેલા ત્રણ યુવાન છોકરાઓને એક મલ્ટિનેશનલ કંપનીમાં ધાર્યા કરતા ખૂબ ઊંચા પગારે અને વધુ સગવડો સાથે નોકરી મળી ગઈ. અને એ સૌની ઉપર એક વિદેશી, એક અંગ્રેજ તેમનો સાહેબ, મુખ્ય ઈજનેર. તે ખૂબ હોંશીયાર હતો, ચબરાક અને ચાલાક. નવા છોકરાઓને તેણે છએક મહીનામાં તો ટેકનીકલ અને પ્રેક્ટીકલ જ્ઞાન આપીને એવા તો હોંશીયાર બનાવી દીધા કે એ કોઈ ચાર પાંચ વર્ષના અનુભવી ઈજનેરથી પણ ચાર ચાસણી ચઢે. હવે તેઓ ઈજારાદારની ભૂલો સાવ સાહજીકતાથી શોધી શકતા. સિમેન્ટ ઓછી હોય તો જોતાં વેંત પકડી પાડતા, સળીયા બરાબર ગણીને ચેક કરતા અને બીજી બધી વાતોમાં પણ તેમની ચોકસાઈ એટલી સચોટ થઈ ગઈ હતી કે ઈજારાદારને તકલીફ પડવા માંડી, એ તો બિચારો ભારતીય ઈજારાદાર, તેને ભારતીય માનકો પ્રમાણે પણ કામ કરવાની આદત નહોતી, એટલે જ્યારે ભારતીય માનકોની સીધી અસર તેના કામ પર, નફા પર પડવા લાગી એટલે એ હલી ગયો, કારણકે હવે તેના નફાનો પણ ઘણો ભાગ ગુણવત્તા જાળવવા જતાં વપરાઈ જતો.

એક દિવસની વાત છે, દિવાળીની રજાઓ પછી બધા ઈજનેરો કામ પર પાછા લાગી ગયા છે, સાહેબ પણ પોતાના કામમાં વ્યસ્ત છે. અચાનક કોન્ટ્રાક્ટરે આવીને સાહેબના ઓરડાનો દરવાજો ખખડાવ્યો. અંગ્રેજીમાં થયેલા એ વાર્તાલાપનો સાર કાંઈક આવો હતો.

“ગુડ મોર્નિંગ, અંદર આવું સાહેબ ?”

“ઓહ, મિસ્ટર રાય, આવો આવો”

“તો સર, તમે દિવાળીના દિવસે અહીં જ હતા?”

” હા, અમારા બધાંય ઈજનેરો રજા પર ગયેલા, એટલે કામ જોવા હું અહીં જ હતો….”

“સાહેબ, દિવાળી એ અમારો મુખ્ય ઉત્સવ છે, અમે લોકોને મળીએ છીએ, ભેટસોગાદો આપીએ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ.”

“સરસ”

“સાહેબ, તમારા અને તમારા આખા સ્ટાફ માટે અમારા તરફથી એક નાનકડી ભેટ છે, તમારા બધાંય માટે આ ચાર દિવસ ઉપર જ બહાર પડેલા નવો મોંઘો એક એક મોબાઈલ” એમ કહી તેણે પોતાના પટાવાળાને હાક મારી, પટાવાળો આખાય સ્ટાફ માટે હાથમાં મોબાઈલના તદન નવા, ખોલ્યા વગરના પેકેટ લઈને ઉભો રહ્યો, એમાંથી સૌથી મોંઘો અને લેટેસ્ટ મોબાઈલ લઈ તેણે સાહેબને આપવા હાથ લંબાવ્યો.

“સર, આપના માટે ખાસ” કહી તેણે આંખ મારી….

પેલો અંગ્રેજ બે ઘડી હેબતાઈ ગયો. એ લગભગ ચાલીસેક વર્ષનો હતો, જો કે ભારતમાં આ તેની પ્રથમ નોકરી હતી, પણ અહીં આવા અનુભવ તો સામાન્ય હોય છે, એમાં તો ખુશ થવું જોઈએ, કારણકે આ નવો મોબાઈલ મળ્યો…… નહીં?

મોબાઈલના ખોખા તરફ તેણે બે ઘડી જોયું, અને પછી તેને ઉપાડીને પોતાની કાચની બારીમાંથી બહાર ફેંકી દીધું, અને કદી કોઈને ઉંચા અવાજે પણ ન બોલનાર તે બરાડી ઉઠ્યો, “ગેટ આઊટ  *** ****, ડોન્ટ એવર ટ્રાય સ્પોઈલ માય એન્જીનીયર્સ યૂ ***** ”

કાચના તૂટવાના અવાજે બીજા બધા દોડીને આવ્યા ત્યારે તેમણે પેલા ઈજારાદાર અને તેના પટાવાળાને બહાર જતા જોયા. બીજા બધા પોતપોતાનો મોબાઈલ લેવા ઉતાવળા હતાં, તેવામાં આ જોઈ એ પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા. એ બધાં માટે આ એક સહજ સિસ્ટમ હતી, સિસ્ટમનો એક એવો ભાગ જે અવશ્યંભાવી હતો, વગર માંગ્યે મળી જતો આ હિસ્સો હતો, અને એ બધાંય એ હિસ્સા માટે ઉતાવળા હતાં, એવામાં આ સાહેબ …..??

વાત આવી અને જતી રહી, બધાંયને અફસોસ થયો પણ પાછા પોતપોતાના કામમાં જોતરાઈ પણ ગયા, દરમ્યાનમાં સાહેબ તેમના ઘરે ઈંગ્લેંડ જઈ આવ્યા.

બીજા દિવસે સવારે એક મીટીંગ બોલાવવામાં આવી. એન્જીનીયરો અને સાહેબ બધાંય ખંડમા સાવ ચુપ બેઠાં હતાં. ચા પી રહ્યા એટલે પેલા સાહેબે ઉભા થઈ બધાંયની સામે જોયું…

“તે દિવસે પેલા ઈજારાદાર સાથે જે મેં કર્યું એના પરથી તમને સૌ ને હું ગાંડો કે પાગલ લાગ્યો હોઈશ, તમને થતું હશે કે આની બદલે કોઈક ભારતીય બોસ હોત તો તમને એક નવોનક્કોર મોબાઈલ મળ્યો હોત, ખરુંને?”

બધાની આંખોમાં એ જોઈ રહ્યો, એમાં નફરત નહોતી, રોષ હતો, હાથમાંથી મોં સુધી પહોંચવા આવેલા કોળીયાને ખોવાની વેદના…

“જીજ્ઞેશ, પ્લીઝ પટાવાળાને બોલાવ”, તેણે મને કહ્યું..

મેં પટાવાળાને બૂમ પાડી તો એ મોબાઈલના પાંચ ખોખા સાથે મુલાકાત માટેના ખંડમાં આવ્યો. સાહેબે તે દિવસે અમને બધાંયને એક એક મોબાઈલ આપ્યા, અને હા, એ કહેવાનું તો રહી જ ગયું કે એ મોબાઈલ એ દિવાળીની ભેટ તરીકે અમારા માટે છેક ઈંગ્લેંડથી લઈ આવેલા, જે હજુ ભારતમાં અપ્રાપ્ય હતા. અને સાથે બધાંય મોબાઈલ પર એક ચિઠ્ઠિ ચોંટાડેલી…

“આનો અવાજ ખરેખર દૂર સુધી ગૂંજશે….” “THE SOUND OF THIS WILL REALLY GO PAST WAYS…..”

ઘણાંય કહે છે એમને મેં મદદ કરી, એમના કામને સરળ કરી આપ્યું, અને છતાંય ગુણવત્તામાં કોઈ ફરક આવવા દીધો નથી, તો એ પૈસા કે એ વસ્તુ લેવામાં કાંઈ ખોટું નથી. ઘણાંય દરેક વાત પર પોતાના “પરસન્ટેજ” ફિક્સ કરી રાખે છે. બેશરમીની કોઈ હદ તેઓ રહેવા દેતા નથી અને છતાંય તેમના મનમાં આ વાતનો કોઈ મલાલ હોતો નથી. આપણા દેશમાં આ સામાન્ય છે. કેમ? ઉત્તમ ગુણવત્તા વાળુ સમયસરનું કામ કરાવવા માટે તમે છો કે પોતાના ખિસ્સા ભારી કરી હલકું, કંપનીને કે દેશને નુકશાનકારક કામ કરાવવા માટે? હજી પણ હું ક્યારેક મિત્રોને આ વાત કહું છું તો અમારા એ બોસને અચૂક યાદ કરું છું. કોઈક એને આપણી ગુલામ માનસીકતા કહે તો કોઈક ગોરાઓની ચોવટાઈ, પણ હું કહું છું કે તે “પ્રિન્સિપલ” કે “મોટીવેશન” જેવા શબ્દો વાપર્યા વગર તેના અર્થ સુધી પહોંચેલો માણસ હતો. કંપનીઓમાંથી જેમ બને તેમ વધુ પૈસા ખંખેરવાની, લાંચ લઈને એ માટે ગર્વ અનુભવવાની, જે નથી લેતા તેમને હલકા પાડવાની આપણા લોકોમાં પ્રવેશેલી હીન મનોવૃત્તિ પર તે એક મોટું પ્રશ્નાર્થ મૂકતા ગયા.

તમને ખબર છે, જીવનમાં એક “પ્રિન્સિપલ ટુ ફોલો” હોવો એટલે શું?

પ્રસંગ સાવ સામાન્ય છે, અને મારી સાથે ફક્ત પાંચ વર્ષ ઉપર થયેલો, હું તેનો સાક્ષી છું, પણ એ દિવસે મને મારા જીવનમાં પાળવા માટે એક જરૂરી સિધ્ધાંત આપ્યો, ગમે તેટલી વાતો કહ્યા કરીએ, બગણાં ફૂંકીએ પણ જો વ્યવહારમાં ન ઉતરે તો એ અર્થ વિહીન છે. એ ફક્ત સંજોગો હોઈ શકે કે ત્યારે એ પ્રસંગના હિસ્સા રૂપે એક અંગ્રેજ સાહેબ અને ભારતીય ઈજનેરો – ઈજારાદાર હતા, એનાથી ઉલટું પણ હોઈ શકે, પણ વાત સિધ્ધાંતની છે, વાત છે એક માણસના દ્રઢ નિશ્ચયની.

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon

અલબેલો અંધાર હતો – વેણીભાઈ પુરોહિત

2010 March 3

એ રાત હતી ખામોશ અષાઢી, અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમ ત્રમ વાણીમાં કાંઈ પાયલનો ઝંકાર હતો

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ શીતલ ને કુંજાર હતો.

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠું’તું, નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવન સ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

– વેણીભાઈ પુરોહિત (‘સહવાસ’ પુસ્તકમાંથી સાભાર)

પ્રસ્તુત નાનકડા કાવ્યમાં કવિ શ્રી વેણીભાઈ પુરોહિત વરસાદ પછીના વાતાવરણનું આબેહૂબ વર્ણન કરે છે. વરસાદ પડી ચૂક્યો છે, ધરતી પર અંધકાર ઉતરી ગયો છે. આવા સમયે એક અજબની અકળાવનારી ખામોશી ઇશે તેઓ વાત કરે છે. ગગન તેમને જળ વરસાવવાના કાર્યના પરિણામે સુસ્ત થઈ ગયેલું લાગે છે, તમરાંની વાણી પાયલના ઝંકાર સમી ભાસે છે તો હવાના મિસરાઓમાં તેમને ઉદાસીની એંધાણી વર્તાય છે. છેલ્લી કડીમાં તેઓ ઉર્મિના કબૂતરની આંખોમાં સ્વપ્ન અને પાંખોમાં ભાર દર્શાવીને કમાલ કરી દે છે. અંતિમ પંક્તિઓમાં આખીય કવિતાનું હાર્દ છતું થાય છે.

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon

મુક્તકો – જીજ્ઞેશ ચાવડા

2010 March 2
by AksharNaad.com

સબંઘોની ઘટમાળમાં વહેતા જીવનને, પ્રેમનો માર્ગ બતાવનારા આપ છો,
દિલો દિમાગમાં થનગનાટ ભરી, પ્રેમની પરીભાષા સમજાવનારા આપ છો,
કેમ કરી ભૂલી શકુ તમને, આ સાવ અજાણ માર્ગમાં પ્રિયતમ,
મંજીલની ચરમ સીમાએ પહોચાડી, ભૂલી જજો કહેનારા પણ આપ છો.

નજરથી એકવાર નજર મીલાવી જોજો,
પ્રેમના કાંટાળા માર્ગ પર ચાલી જોજો,
દરેક પ્રત્યે આદર ત્યારે જ થશે જીવનમાં
નફરત ભૂલી દોસ્તીનો હાથ લંબાવી જોજો.

મારા પ્રેમની ઘણી વાત કરવા માગું છું,
જીવનની પ્રત્યેક ક્ષણ યાદ કરવા માંગું છું.
તમે તો ન કરી દરકાર મારી ચાહતની છતા,
એક વખત હજી મુલાકાત કરવા માગું છું.

સમજણના ‘સ’ ની ખબર ન હતી ત્યારે
સહજતાથી સ્વીકારતા શીખડાવ્યું આપે,
શબ્દના ‘શ’ ની ખબર ન હતી ત્યારે,
પ્રેમ તણી વાત કરતા શિખડાવ્યુ આપે,
ક્યાં ખબર હતી કે આ ક્ષણ
પણ કદીક આવશે જીવનમાં,
નફરતના ‘ન’ ની ખબર નહતી ત્યારે,
વિશ્વાસઘાત કરતા શિખડાવ્યુ આપે.

મિત્ર જીજ્ઞેશ ચાવડાની રચનાઓ એવા કેટલાક મુક્તકો આજે પ્રસ્તુત કર્યા છે. મુખ્યત્વે પ્રેમની અને વિરહની વાતો કરતા આ મુક્તકો હજી શરૂઆત છે. અમે હજી આ ક્ષેત્રમાં પા પા પગલી કરી રહ્યા હોઈ જે જગ્યાઓ પર વિસ્તારને અથવા વિચાર સુધારાને અવકાશ હોય ત્યાં મુક્તપણે સૂચવશો તો આનંદ થશે. વિચારને, કલ્પનાને યોગ્ય ક્ષેત્ર, યોગ્ય રસ્તો અને પ્રસ્તુતિની કળા સાંપડે એ ઈચ્છવાયોગ્ય જ હોય.

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon

દોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ

2010 March 1

હોળીના, રંગોના આ પવિત્ર તહેવારમાં જીવનમાં સંબંધોના અનેકવિધ રંગોની વચ્ચે એક અનોખો, સુંદર રંગ એટલે મિત્રતા. રંગોનો તહેવાર ઉજવાય છે હૈયાની નજીક રહેલી વ્યક્તિઓ સાથે, એવા લોકો સાથે જેમના સુખ દુઃખના રંગો આપણા જીવનમાં પણ ભળે છે. ઘણા સંબંધોના રંગો harmful હોય છે, ઘણાં herbal બિનહાનીકારક કુદરતી રંગો પણ હોય છે, મિત્રતા કદાચ આવો જ natural રંગ છે. મિત્રતા એક રંગ નથી, એ એક ઈન્દ્રધનુષ છે. તેમાં સુખમાં મહાલવાનો રંગ છે, તો એક મિત્રના દુઃખમાં સાથ આપવાનો, આધાર આપવાનો રંગ પણ છે, તેનાથી દૂર રહીને તેને સતત યાદ રાખવાનો રંગ છે તો તેની સાથે જીવનને એક અવસર બનાવીને ઉજવવાનો રંગ પણ છે. કઈ એવી ધુળેટી તમે ઉજવી છે જે મિત્રો વગર સંપૂર્ણ હોય?

જીવનને મિત્રો સાથે કેટલો ઉંડો સબંધ છે? ફ્રેન્ડશિપ ડે ના ફિતૂર તો હવે આવ્યા, પણ આપણી પરંપરામાં કૃષ્ણ સુદામાના સમયથી મિત્રતા એક વ્યવહારથી વિશેષ છે. કહે છે કે મિત્રતા એક જ એવો સંબંધ છે જે પસંદ કરવાનો આપણને હક હોય છે. કોઈક ફિલસૂફે તો એટલે સુધી કહ્યું છે કે કોઈ માણસ કેવો છે તે એ વાત પરથી જાણી શકાય કે એ કેવા મિત્રોની સોબતમાં રહે છે. જ્યારે પાછળ શાળા – કોલેજના મિત્રો તરફ નજર કરું છું તો થાય છે કે એ સમયે ખબર ન હતી કે આ સૌ મિત્રો, એમનો સાથ, એમના દ્વારા થતી હેરાનગતી જીવનનો સૌથી “ઉજવવા લાયક અવસર” છે. આજે થાય છે કે કાશ ! એ દિવસો ફરીથી જીવવા મળે. આવું કેમ થયા કરતું હશે?

અમારી હોસ્ટેલની ધુળેટી એવી તો અનોખી હતી કે કદાચજ ક્યાંક એને ધુળેટી કહેવાય. હોસ્ટેલના કરકસરભર્યા દિવસોમાં રંગ લેવાનું કોને પોષાય? પાર્કિંગમાંથી વાહનો હટાવી આખુંય પાર્કિંગ ખાલી કરાવતા, તેમાં પાણીનો પાઈપ મૂકી કીચડનો જમાવડો કરાતો, આ બધુંય અંધારામાં થઈ જતું. અને સવારે એક પછી એક ઉંઘતા મિત્રોને પકડી પકડી, કીચડમાં રગદોળી શર્ટ ફાડી નખાતું. અને કીચડ સૂકાઈ જાય પછી ફરવા નીકળતા, કોલેજ સુધી જતાં. હવે હર્બલ કે નેચરલ રંગો પણ એવી મજા નથી આપી શક્તા જે એ કીચડમાં હતી? અમારી સાથે મજા કરતા એ મિત્રોમાંથી થોડાકનો અત્યારે ભાગ્યે સંપર્ક હશે, પણ જો એ લોકો હોત તો કદાચ અત્યારે સાક્ષી પૂરાવત કે એ આનંદ અલભ્ય હતો, અનોખો હતો, કીચડમાં કોઈ રંગ ન હોવા છતાં મૈત્રીનો, દોસ્તીનો કાયમી રંગ તેમાં હતો.

એક જમાનો હતો જ્યારે અમે (અમે એટલે કોલેજમાં સાથે ભણતા, એક ટોળકી બની સાથે ભટકતા, ભણતા!!, જીવતા) મિત્રોના દિવસો ખૂબ સુંદર જતાં. એન્જીનીયરીંગના છ મહીનાનાં એક સેમેસ્ટરમાં પરીક્ષાના એક મહીનાને બાદ કરતા અમે બીજા પાંચેય મહીના “જીવતા”. સેમેસ્ટર શરૂ થાય એટલે “હજી તો કંઈ ખાસ ભણાવશે નહીં”, વિચારી ક્લાસ બંક કરતા, ખાસ ભણાવે ત્યારે, “આ તો પછી રીડીંગ વેકેશનમાં સમજી લઈશું” થી સંતોષ મેળવતા અને સેમેસ્ટરના અંતે, ચાલો કિશોરની નોટ્સની ઝેરોક્ષ કોપી કરાવીએ…. પ્રેક્ટિકલના વર્ગોમાં જવું એ સૌથી મોટો ત્રાસ હતો (કમસેકમ મારા માટે તો ખરો જ !) અને લેક્ચરમાં સૂઈ જતા બહાદુરોની પણ કોઈ તંગી ન મળતી.

જો કે ચશ્માને લીધે હું ત્રીજી હારમાં બેસતો પણ અમારી આખીય ટોળકી અંતિમ પંક્તિમાં બેસીને “શિષ્ટવાંચન” કરતી, કોઈક ને કોઈકની “વિશિષ્ટ સરભરા” થતી તો છેલ્લે કાંઈ ન મળે તો સૂઈ જવાતું. હાજરી પૂરવા પ્રોફેસરે આપેલી “પ્રેઝન્ટ સ્લિપ” માં કોઈક દિવસ ગબ્બર, ઠાકુર, જય, વીરૂ આવતા તો કોઈક દિવસ વિજય દીનાનાથ ચૌહાણ, કાંઈ નહીં તો છેલ્લે તેનું રોકેટ બનતું અને ઉડ્યા કરતું. ઘડીયાળના કાચ પર બારી માંથી આવતો સૂર્ય પ્રકાશ ઝીલી અમે તેને પ્રોફેસરના હાથ પર કેન્દ્રિત કરતા (એક સાથે દસ બાર ઘડીયાળો આ કામમાં લાગતી, વિચારો અમારી “એકતા” કેવી સુંદર હતી !) અમારા સિવિલ એન્જિનીયરીંગના નકશા બનાવવાનો કારભાર ફક્ત એક મિત્રના હસ્તક હતો. (અમારી એ મિત્ર બિચારી અમારા માટે અગાઊથી દોરીને લાવતી અને અમે બધાં ભેગા થઈને પછી તેની “જી.સી.” (ગ્લાસ કોપી) કરતા. નોટ્સ લેવાનું તો અમ ભોળા જીવોને કદી આવડ્યું જ નથી, એ કામ કેટલાક હોંશિયાર મિત્રો કરતા, અને અમે સેમેસ્ટરને અંતે એક સસ્તો ઝેરોક્ષ કરવા વાળો શોધી હોલસેલમાં કોપીઓ કરાવતા અને એ નોટ્સને ગીતાજીથી વિશેષ સન્માન આપતાં.

ક્યાંક વાંચ્યુ હતું કે માણસ પહેલા જીવવા માટે કમાતો, હવે કમાવા માટે જીવે છે. જન્મીને પછી ભણવાની ઉતાવળ, ભણીને નોકરી કરવાની ઉતાવળ, નોકરી કરતાં પૈસા કમાવાની ઉતાવળ, છોકરા નાના હોય ત્યારે મોટા કરવાની ઉતાવળ અને એક વખત મોટા થઈ જાય ત્યારે, “આ નાનો હતો ત્યારે વધુ સમજણો હતો…” વાળી વાત. રીટાયર થયા પછી યાદ આવે કે આ ભણવા, મોટા થવા, સુખ સગવડો મેળવવાની લ્હાયમાં જીવવાનું ક્યાંક રહી ગયું. જીવનનો આનંદ જે પૈસાથી, જે સુખ સગવડોથી, જે પણ માધ્યમોથી ધાર્યો હતો એ થયો નહીં. કહે છે ને કે મારી પાસે બધુંય છે, સંતોષ નથી. આવા વલોપાતના વખતે કમ સે કમ જો તમારી પાસે આવા મિત્રોનો સાથ હોય તો એક વાત તો તમે કહી શક્શો…. “જીવને મને એવા મિત્રો આપ્યા એ જેમની સાથે વિતાવેલી ક્ષણો કોઈ મહોત્સવથી કમ નથી. કદાચ એ ક્ષણો જીવતી વખતે ખ્યાલ ન હોય કે એ જીવનભર યાદ રહેવાની છે, પણ એમ થાય છે. ફિલમની પટ્ટી પર, કચકડે કંડારાયેલી કોઈ ઘટનાની જેમ એ પ્રસંગો યાદ રહી જાય છે.

હા, તો વાત અમારા કોલેજકાળની ચાલતી હતી. એ સમયે ફક્ત પેટ્રોલના પૈસા મળતાં. મારું મોપેડ નવું આવ્યું (બીજા વર્ષમાં) ત્યારે મેં એક આખો દિવસ ક્લાસ બંક કરી કોલેજમાં તેને લઈને આંટા માર્યા કરેલા. ખિસ્સા ખર્ચી ખૂબ ઓછી રહેતી, એટલે પેટ્રોલના પૈસામાંથી બચત કરી સવારના શો માં વડોદરાના રાજશ્રી સિનેમામાં ફિલ્મો જોવા જતાં. ઉધાર લેવું તો અખંડ ધર્મ હતો જેનું અમે ચુસ્તપણે પાલન કરતાં, પછી એ પૈસા હોય, શર્ટ હોય, ઘરેથી લાવેલી મિઠાઈ હોય (હોસ્ટલેના મિત્રો માટે) કે કોઈ સુંદર કન્યાનો સંપર્ક કરવાની રીતો. જો કે ઉધાર લેવામાં અમે ગીતાજીના મંત્ર “કર્મ કર, ફળની ચિંતા ન કર” વાળી રીત અપનાવતા, પણ ઉધાર આપવાવાળાને એ મંત્ર વિશે સંપૂર્ણ અજ્ઞાન રહેતું.

અખતરાઓ કરવાની એ ઉંમર હતી, એટલે અમે પણ બધાંય અખતરા કરેલા, એ પછી પ્રેમના હોય કે વિરહના. જો કે પ્રેમની બાબતમાં વૈવિધ્ય ભારતની ભાષાઓ જેટલું જ વિશાળ ફલક વાળું હતું. પ્રેમની અવધિઓની બાબતમાં અમારે ખૂબ મતમતાંતરો રહેતાં. કોઈકનો પ્રેમ એક સેમેસ્ટર ચાલતો, કોઈકનો હા કે ના જવાબ સુધી અને કોઈકનો સદાબહાર. કોઈક વખત એક સાથે એકથી વધુ છોકરીઓના પ્રેમમાં પડવાના પ્રસંગો પણ આવતા અને મીઠી મૂંઝવણ થતી કે કોને પ્રાથમિકતા આપવી. પણ પછી એ બધીયમાંથી કોઈ આપણને ઓળખતીય નથી એ જાણ્યા પછી ઉત્સાહ (અલબત બે ચાર દિવસ પૂરતો) ઓસરી જતો. પ્રેમમાં પણ “કર્મ કર, ફળની ચિંતા ન કર” વાળો સિધ્ધાંત અમે ખૂબ આદરથી વાપરતાં.

મિત્રતામાં ખરેખર કાંઈક એવું સત્વ છે જે બે અલગ વાતાવરણમાં ઊછરેલા, અલગ આર્થિક સામાજીક અને ધાર્મિક પરિસ્થિતિઓમાંથી આવતા લોકોની વચ્ચે પણ સંબંધનો એક અતૂટ તાંતણો સાધી આપે છે. કોઈક એવું તત્વ અવશ્ય સર્જાતું હશે જે એમને અનેક તફાવતો, અનેક મતાંતરો છતાં એક બીજાનો સાથ ઝંખે છે. એક ભેદ ખૂબ સ્પષ્ટ છે, શાળા કે કોલેજની મૈત્રી જેવી કોઈ મિત્રતા એ પછીના જીવનમાં થવી અઘરી છે. નોકરીના, વેપાર ધંધાના કે સામાજીક સંબંધોમાં અમુક મતલબીપણું, થોડોક સ્વાર્થ્ દેખાઈ જાય છે અને એટલે શાળા કે કોલેજ જીવન પછીની મૈત્રી એટલી દીર્ઘાયુષી હોતી નથી, નિઃસ્વાર્થ હોતી નથી. મિત્રને ખોટું લગાડવાની છૂટ છે, નારાજ થવાની છૂટ છે, મારવાની પણ છૂટ છે, કારણકે એ બધુંય એ આપણા માટે કરે છે. એ સ્વાર્થી નથી.

એ સમયે ગવાતા ગીતો કેવા સદાબહાર લાગતાં! “પુરાની જીન્સ ઔર ગીટાર”…. કે “ડૂબા ડૂબા રહેતા હું આંખોં મેં તેરી”, “ઈશ્ક બિના ક્યા જીના યારો” હોય કે “જહાં ચાર યાર મિલ જાયે વહીં રાત હો ગુલઝાર”…. “યે જવાની હદ કર દે…” કે “જવાની સે અબ જંગ હોને લગી…”, એ “હટા સાવનકી ઘટા” હોય કે “પ્યાર હમેં કિસ મોડ પે લે આયા….” દરેકે દરેક ગીત દિલથી ગવાતું, અનુભવાતું અને તેના અર્થને નીચોવીને માણવામાં આવતું. મ્યુઝિકલ મોર્નિંગના નામે થતાં આયોજનોમાં ત્રણ ચાર કલાક મન મૂકીને અમે એવાં તો નાચતાં, ને તોય ન થાકતાં…… આજે દિવસના કામ પછી, કોઈ એવી મહાન શારિરીક મહેનત ન કર્યા પછી થાકી જઈએ છીએ.

આજે દસ વર્ષો પછી એ સમયના બધાંય મિત્રો વચ્ચે ભૌગોલિક અંતર અફાટ છે. લોકો એટલા દૂર દૂર છે કે તેમની વચ્ચેની જોડતી કડીઓ તૂટી જવી જોઈએ, પણ કાંઈક અમને બધાંયને હજુ બાંધી રાખે છે. આજે પણ કોઈક મને મારા અન્ય હજારો ઉપનામોથી બોલાવે તો મને અવશ્ય ગમે, (એટલે નહીં કે એ નામો ખૂબ સારા છે !) કારણકે એ વ્યવહારોમાં કોઈ ચોવટીયાવૃત્તિ નથી, સ્વાર્થ નથી. હોળી હોય કે ઉતરાયણ, હાઈવે ઉપર કિસ્મત ઢાબામાં જમવા જવા ત્રેવીસ કિલોમીટર ડ્રાઈવિંગ કરીને જવાની વાત હોય કે પેટ્રોલના પૈસા ભાગે પડતા આપવાની વાત, પરીક્ષા પહેલા સાળંગપુર પગે લાગવા જવાની વાત હોય કે જૂનીયર્સને અપાતી વેલકમ પાર્ટીમાં મારા ભેંસાસુર રાગે ગવાયેલા ગીતને સહન કરવાની વાત, કે પછી કોઈકને તેના પ્રેમને મેળવવામાં સાથ આપવાની જરૂરત…. મિત્રો તો આખરે મિત્રો જ છે, એ તમને અવશ્ય હેરાન કરવાના. અને હું હ્રદય પર હાથ મૂકીને કહી શકું છું કે જેણે આ બધુંય ઉજવ્યું નથી, માણ્યું નથી એણે ઘણુંય ગુમાવ્યું છે.

મિત્ર એ કોઈક એવી વિશિષ્ટ વ્યક્તિ છે જેને ફોન કરવા ઘડીયાળ જોવાની જરૂરત નથી. સારા સમયે કદાચ તમે તેમને યાદ ન કરો, ખરાબ સમયે અચૂક યાદ કરશો. અને તમારા સારા પ્રસંગમાં એ મિત્ર કદાચ ન આવે, ખરાબ સમયમાં અચૂક તમારી પડખે ઉભો રહેશે. માણસ સબંધોથી થાકી જાય ત્યારે મિત્રો યાદ આવે છે. એ તમારા પ્રેમને મેળવવામાં તમને મદદ કરે છે, એટલે એના સંબંધમાય સ્વાર્થીપણું નથી. સગા વહાલા કદાચ દુઃખમાં સાથ આપવા આવશે, મિત્રોનો સાથ તો સદાય હોય છે,  જે આપણાં માટે એના ઘરમાં ખોટુય બોલી શકે એ ભાવના અકળ છે, એ મિત્ર જ હોઈ શકે. આપણી ભાવનાઓ મિત્રોને છાતી ફાડીને બતાવવાની જરૂરત નથી. એને ખબર છે તમે ક્યારે ખોટું બોલો છો, સાચું બોલો છો, પ્રેમ કરો છો, હસો છો કે રડો છો…. અને એટલે જ કદાચ મિત્રતા એટલે સંબંધ વત્તા વિશ્વાસ. મિત્રતા એટલે સમજણનો સંબંધ, દોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી.

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon

પુરાની જીન્સ ઔર ગિટાર – અલી હૈદર

2010 February 27
by AksharNaad.com

પુરાની જીન્સ ઔર ગિટાર
મહોલ્લે કી વો છત, ઔર મેરે યાર,
વો રાતોં કો જાગના
સુબહ ઘર જાના કૂદ કે દીવાર,
વો સિગરેટ પીના, ગલી મેં જાકે,
વો કરના દાંતો કો, ઘડી ઘડી સાફ.

પહુંચના કોલેજ, હમેશા લેટ,
વો કહના સર કા “ગેટ આઊટ ફ્રોમ ધ ક્લાસ !”
વો બહાર જાકે હમેંશા કહના,
“યહાં કા સિસ્ટમ હી હૈ ખરાબ”
વો જાકે કેન્ટીનમેં તબલે બજાકે,
વો ગાને ગાના, યારોં કે સાથ.

બસ યાદેં, યાદેં યાદેં રહ જાતી હૈ,
કુછ છોટી છોટી બાતેં રહ જાતી હૈ… બસ યાદેં…
વો પાપા કા ડાંટના,
વો કહના મમ્મી કા “છોડેં જી આપ!
તુમ્હેં તો બસ નઝર આતા હૈ,
જહાં મેં બેટા મેરા હી ખરાબ.”
વો દિલમેં સોચના, કર કે દિખાદેં,
વો કરના પ્લાનીંગ રોજ નઈ યાર..

લડકપન કા વો પહેલા પ્યાર,
વો લિખના હાથોંપે A + R
વો ખિડકી સે ઝાંકના,
વો લિખના લેટર ઉન્હેં બાર બાર
વો દેના તોહફેમેં સોને કી બાલીયાં
વો લેના દોસ્તોં સે પૈસે ઉધાર

બસ યાદેં, યાદેં યાદેં રહ જાતી હૈ,
કુછ છોટી છોટી બાતેં રહ જાતી હૈ… બસ યાદેં…

ઐસા યાદોં કા મૌસમ ચલા,
ભૂલતા હી નહીં, દિલ મેરા
કહાં હૈ મેરી જીન્સ ઔર ગિટાર,
મહોલ્લે કી વો છત, ઔર મેરે યાર
વો રાતોં કો જાગના,
સુબહ ઘર જાના, કૂદ કે દીવાર

પુરાની જીન્સ ઔર ગિટાર ….

- અલી હૈદર

એક આખી પેઢીને રજુ કરતું આ ગીત એક એવા યુવાનના સ્પંદનો અને યાદોને દર્શાવે છે જે પોતાના મિત્રોની સાથે વિતાવેલી પળો, સુંદર યાદોને ફરીથી જીવવા માંગે છે. અત્યારે લગભગ બૂલાઈ ગયેલું આ ગીતે ભારતીય પોપ સંગીત વિશ્વમાં એક અનોખું સ્થાન બનાવ્યું હતું.  શ્રી અલી હૈદર કરાંચીમાં જન્મેલા અને અભ્યાસે એક સિવિલ એન્જીનીયર છે. તેમના ત્રણ આલ્બમની થોડીઘણી સફળતા પછી આ પાકિસ્તાની ગાયકનું ૧૯૯૩માં આવેલું આલ્બમ “સંદેશા” ખૂબ પ્રસિધ્ધ થયું. પુરાની જીન્સ આ જ આલ્બમનું મુખ્ય ગીત હતું. આ ગીતના શબ્દો સાથે કોલેજમાં ભણતા અને કોલેજ છોડીને ગયેલા યુવાનોએ યુવતિઓએ ખૂબ પ્રેમથી તાદમ્ય સાધ્યું અને તેના પ્રસંગો કે ઘટનાઓ સાથે પોતાની જાતને જોડીને જોઈ છે. બધાંયના જીવનને નજીક આવા ગીત ખૂબ ઓછાં છે. ૨૩ જૂન ૨૦૦૯ ના રોજ અલી હૈદરે પૈસા માટે ગાવાનું છોડી દેવાનું નક્કી કરતી જાહેરાત કરી અને બધી મૂડી દાનમાં આપી દીધી. હવે તેઓ ફક્ત ઈસ્લામની પ્રસંશા કરતા ગીતો ગાય છે.

Post to Twitter Post to Delicious Post to Digg Post to Facebook Post to MySpace Post to StumbleUpon