ત્રણ સુંદર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 1


૧. સપનાઓ

અજવાળાના છબમાં ડૂબ્યા,
સપનાઓ ઝળહળમાં ડૂબ્યા.

પાણી વિણ શુંં વાવું બોલો;
ખેતર સૌ બાવળમાં ડૂબ્યા.

આડા અવળા સૌ સંજોગો;
પગલાની ચળવળમાં ડૂબ્યા.

ચાલ તમે કેવી ચાલ્યા છો;
અમે હજુ અટકળમાં ડૂબ્યા.

ફૂલગુલાબી દિવસો મારા;
તારીખિયાના તળમાં ડૂબ્યા.

થોડાક દરિયા ડૂબ્યા આંખમાં;
વધ્યાં ઘટ્યાં વાદળમાં ડૂબ્યા.

સૂરજ જેવા કૈક તમાશા;
આંધારાના જળમાં ડૂબ્યા.

૨. અને મા યાદ આવી

હદયને સાંપડી ઠોકર અને મા યાદ આવી,
થયા જ્યાં અશ્રુઓ પગભર અને મા યાદ આવી.

વિકટ ઊભા થયા અવસર અને મા યાદ આવી,
થયું, ક્યાં છે અહીં ઈશ્વર? અને મા યાદ આવી.

પ્રંસગોપાત સાંભરતી રહી એની છવિ કાયમ,
વળાવી બેન પિયું ઘર અને મા યાદ આવી.

સતત ખટક્યા કરી એની જિંદગાની,
ચરણને અથડાયો પથ્થર અને મા યાદ આવી.

સમાવી’તી ગરીબીને કદી પાલવ તળે જ્યા,
નિહાળ્યું એ વતનનું ઘર અને મા યાદ આવી.

હયાતીથી સરી કપરી ક્ષણો એની ઊણપમાં,
વટાવ્યો ઘર તણો ઉંબર અને મા યાદ આવી.

૩. હયાતી

પ્રસંગોની વણઝાર ફાંસીએ લટકી,
તમે પૂંઠવાળી ને પીડાઓ ફટકી.

ખખડધજ થઈ આયખાની ઈમારત’
જુઓ, મોતિયામાં બે આંખોય બટકી.

જતી એને દરિયામાં જોઈ રહ્યો છું,
નદી જે કદી પ્હાડની આંખે ખટકી.

કદી આપે અશ્રુ, કદી આપે આનંદ,
ક્ષણો સૌ મને સાવ લાગે છે નટકી.

સ્મરણને ભર્યા છે અમે એમ હૈયે,
ભરી છે ઠસોઠસ તમે જેમ મટકી.

ઘડીમાં ઢળી ગઈ ચમકતી હયાતી,
કોણે સાંજ સૂરજના માથામાં પટકી.

– જિતેન્દ્ર પ્રજાપતિ

જિતેન્દ્રભાઈની ત્રણ સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અનેક સામયિકોમાં તેમની કૃતિઓ સતત માણવાનો અવસર મળે છે, આજની આ ત્રણ કૃતિઓ, ‘સપનાઓ..’, ‘અને મા યાદ આવી’, અને ‘હયાતી’ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જિતેન્દ્રભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ત્રણ સુંદર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ