કોઈ મને લોકસભાની ટિકિટ આપો… – રમેશભાઈ ચાંપાનેરી 7


મને તો એ જ નથી સમજાતું કે જેને તેના ઘરના કોઈ ગણતા નથી, એને લોકો લોકસભામાં મોકલશે ખરા? વાત ચમન ચક્કીની છે કે જે કોઈની શોકસભામાં ગયો નથી, એ લોકસભામાં જવા શું કામ ઠેકડા મારતો હશે? શું લોકસભા એ કોઈ માયાવી ફાઈવ સ્ટાર હોટલ છે કે કરોડ વિનાનો માણસ પણ રોડ ઉપરથી કૂદકા મારે! એ શું જોઈ ગયો એ તો એ જ જાણે. મને કહે આ વખતે તો હું ‘આપ’નું પણ નહીં માનું ને બાપનું પણ નહીં માનું. કાં તો હું લોકસભામાં, કાં તો તમે બધા મારી શોકસભામાં. લુખ્ખી ધમકી… ભૂતનો વળગાડ તો સારો કહેવાય, જેના ભુવા પણ મળે, આ તો રાજકારણની અધીખી વળગણ. જેના ભુવા પણ ન મળે. એને રાજધૂન જ એવી વળગેલી કે એ બીજી કોઈ વાતને વળગવા એ તૈયાર નહીં. અંતે ચંચીએ પણ લીંબુ-મરચું ઓવારી વેઠ ઉતારી કે…..” જાવ ફતેહ થાવ!

ચમન ચક્કીને એટલું નોલેજ તો ખરું કે ચલણમાં ચાલે એ રૂપિયો.. એટલે ખિસ્સામાં કમળનું ફૂલ નાખી, પક્ષની ચાલતી ગાડીમાં ચઢવાની ‘ટ્રાઈ’ મારી જોઈ, પણ કોઈએ ડબ્બામાં ચઢવા જ ન દીધો. બારીમાંથી જોયું તો ડબ્બા જ એવા ખીચોખીચ ભરેલા કે ટોઇલેટમાં પણ એકના બદલે અગિયાર ઉભેલા. પણ ભૂતને જેમ પીપળા મળી રહે એમ એને પણ એક ‘રાજગુરુ’ મળ્યો. એણે ૧૦૮ વખત આપના જાપ કરવાની સલાહ આપી. હવે જેણે જેની જિંદગીમાં આપનું તો શું બાપનું નામ ના લીધું હોય એ આપના જાપ કરે? કોઈને પણ ‘તું’કારા સિવાય બોલાવ્યો ન હોય, એનાથી ‘આપ’ બોલાય? ‘આપ’ બોલવા જાય, તો તો એને વન-વે માં ઘૂસી ગયો હોય એવું ફીલ થાય.

છેલ્લે “ડગલું ભર્યું તો ન હટવું.. ન હટવું..” નો નિર્ણય કરી યાહોમ કરીને પડ્યો જ. કોલંબસના મિજાજથી ખાદી ધારણ કરી. અક્કલગરો એવો કે લોકસભાની ટિકિટ લેવા એ રેલ્વે સ્ટેશન ગયો. એને એમ કે બધી ટિકિટ અહીં જ મળે. ટિકિટબારીની લાઈનમાં ઉભો રહી ગયો અને કહ્યું, ‘એક લોકસભાની ટિકિટ આપો.’ માસ્તર બિચારો નવો. એ ગોથા ખાઈ ગયો કે આ નવું સ્ટેશન ક્યારે અને ક્યાં આવ્યું? નોર્થમાં છે, ઈસ્ટમાં છે કે વેસ્ટમાં? આખું ગૂગલ વાંચી ગયો, તો યે મેળ પડ્યો નહીં, ત્યારે બાજુવાળા માસ્તરે કહ્યું કે, “તું મૂંઝાય છે શા માટે? એને લોકશક્તિની છેલ્લા સ્ટેશનની ટિકિટ આપી દે! બાકીનું એ ફોડી લેશે…” વાત પણ વ્યાજબી જ ને? લોકશક્તિ વિના લોકસભામાં થોડું જવાય? ઓનલાઈન ઉમેદવારી થતી નથી એટલે બિચારો દુઃખનો માર્યો આવ્યો, એમાં એનો શું દોષ…

પણ એક વાત કહું… આવા તો ઢગલાબંધ ચમન ચક્કી આ ધરતી ઉપર હશે. આ તો આપણું જનરલ નોલેજ કાચું એટલે બીજાની ખબર ન પડે. એક વાત જાણવા મળી કે જેને સભા અને શોકસભાનું મુદ્દલે નોલેજ નથી, એ પણ હવે લોકસભાની પીઠી ચઢાવવા બનિયાન કાઢીને બેઠાં. એમાં ચમન ચક્કીને તો એક જ ભ્રમ.. કે સાલી આપણી પાસે લોકસભામાં પ્રવેશ લેવાની કઈ લાયકાત નથી? હું પણ ચાલુ સંસદે ઉંઘી શકું છું. ખુરશીઓ ઉઠાવી ભોંય ઉપર અફાળી શકું છું. બરાડાઓ પાડી શકું છું. કોઈના પણ શર્ટના કોલર પકડી શકું છું, ન બોલવાનું બોલી શકું છું અને બોલવાનું હોય ત્યાં મૂંગો પણ રહી શકું છું. આનાથી વિશેષ કઈ લાયકાત જોઈએ… વાત પણ સાચી ગાંડાના ગામ ક્યાં અલગ હોય છે!

ઘણાંને તો નોલેજ જ નથી કે આ વિધાનસભા અને લોકસભાનું કર્મકાંડ શું છે, આઈ મીન કાર્યરીતિ શું છે? એ બે વચ્ચે ક્યાંક ક્યાંક તો સાસુ અને વહુ જેટલો પણ ડીફરન્સ હોય. તેમાં આ વરસે તો જાણે લોકસભાની ચૂંટણી નહીં પણ કુંભમેળો આવ્યો હોય એમ ચૂંટણીની હવા જામી. બાકી આ પહેલાં તો પંચાયતની ચૂંટણીમાં પતંગિયા, વિધાનસભાની ચૂંટણીમાં કબૂતરા અને લોકસભાની ચૂંટણીમાં કાગડા જ ઉડતા. એમાં ક્યાંક તો છોકરું પાંત્રીસ ટકાએ પાસ થતું એમ, એ માપોમાપ મતદાન થતું. લોકો લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા જતા કે લગનનો ચાંદલો લખાવવા જતા એ જ ન સમજાતું, જ્યારે આ વખતે તો પંક્ચરવાળી સાઈકલમાં પણ હવા ભરાઈ ગઈ… જાણે કોઈ વાહનને બ્રેક જ નહીં…

ગમે તે કહો, સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો આવે જ. જેને પથારીમાંથી ઉભો કરવા ટેકા લેવા પડતા, એ હવે વગર ટેકાએ દિલ્હી તરફ ઉંધી દોડ લગાવે છે. આજે તો “મૂકમ કરોતિ વાચાલમ, પંગુમ લંગયતે ગિરિમ…” ના સિદ્ધાંતથી ગાંધીજયંતીના ડિસ્કાઉન્ટ વાળો, બાપાના સમયનો ઝભ્ભો અને કફની કાઢી માણસ ગેસના ફુગ્ગાની માફક હવામાં ઉડે છે, જાણે કે દેશના સારા દીવસો આવ્યા… મતદારોને તો ફીલ કરાવી દીધું કે આ બધાં આપણા તારણહાર છે. બિચારા આપણી ચિંતા કરી કરીને માંદા ન પડે તો સારું… એવો જડબેસલાક માહોલ જામ્યો છે કે જેમ શિરડીમાં સાંઈબાબાના દર્શન માટે ભક્તો આગલી રાતથી લાઈન લગાવે એમ મતદાનની લાઈન પણ આગલી રાતથી લાગે તો નવાઈ ન થાય… કેવી જાગૃતિ આવી ગઈ… એમને કોણ સમજાવે કે, લોકસભા એ હવા ખાવાનું સ્થળ નથી…

જે હોય તે. સીમંતસંસ્કારની વિધિ વેળા આપણે ક્યાં એવું વિચારીએ છીએ કે છોકરો આવશે કે છોકરી. એ તો ઉપરવાળાના હાથમાં છે. જ્યારે ચૂંટણીમાં તો બધું મતદારના હાથમાં હોય. એટલે મતદાનવિધિમાં અચૂક જવાનું. નેતાઓ ભલે ગલેપટો બદલે તો બદલે, પણ આપણે શંકા નહીં કરવાની કે હું જે દેશમાં રહું છું એ જ દેશનું નામ ભારત છે! જે લોકો લાભ ખાટવા પગરખા ઘસે છે, અભરખા પૂરા થયા પછી એ જ કહેશે કે ભાઈ, “લોકસભાની નહીં તો મને કોઈ મારી શોકસભાની તો ટીકીટ આપો!”

– રમેશભાઈ ચંપાનેરી


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “કોઈ મને લોકસભાની ટિકિટ આપો… – રમેશભાઈ ચાંપાનેરી

  • Dhiraj G. Parmar

    વીી ફોોર વીીકટરીી એન્ડ્ડ આર ફોોર રસમન્જ્જજન ;બેેસ્ટટ ઓફ લક ફોર એમ. પી.

  • ચન્દ્રકાન્ત લોઢવિયા

    સુંદર. વાંચીને મન ઘણું હળવું થયું યોગાનું યોગ આજ ના “તારક મહેતાના ઉલટા ચશ્મા” માં પણ જેઠાલાલ નો સાળો ચુંટણી માં ઊભાનો એપીસોડ આવ્યો.
    ચન્દ્રકાન્ત લોઢવિયા તા. ૨૫.૦૪.૨૦૧૪.

  • M.D.Gandhi, U.S.A.

    ભલે કોઈનું નામ નથી લખ્યું પણ જે લખ્યું છે તે નખશીખ સત્ય છે…..જેમને શોકસભાનું પણ જ્ઞાન નથી તેવાચમન-છગન-મગન-આલિયો-માલિયો બધા લોકસભાની ટિકિટ માટે કુદી પડ્યા છે. વરસો પહેલાં તો ૨૫૦-૫૦૦ રૂપિયા ભરીને વિધાન કે લોકસભાની ટિકીટ માટે એટલે અરજી કરતાં કે જેથી પોતાના ઘરમાં તથા તેના ૨-૩ એજન્ટના ઘરમાં ૪-૬ માસ માટે ટેલીફોન મુકાય અને પોતાનો મોભો વધી જાય(ત્યારે ટેલીફોન માટે ૧૦-૧૫ વરસ વાટ જોવી પડતી), અથવા તો જો જરાક જો મોભાવાળો હોય તો સામેવાળો થોડા પૈસા આપીને અરજી પાછી પણ ખેંચાવી લ્યે અને આમ પૈસા પણ બનાવી કાઢે…….