પુસ્તક સમીક્ષા : ‘અર્થના આકાશમાં’ – તરૂણ મહેતા 2


સંવેદનનો સૂરીલો તાર જ્યારે રણઝણે ત્યારે હદય કોઇ ભાવપ્રદેશનું સહયાત્રી થતું હોય છે, ત્યારે માણસ વિશેષણમુક્ત વિહાર કરી શકે. આ સંવેદનાની પ્રબળતા માણસને એક જ ચમત્કારે જાતિ, વય અને ભૌતિક આવરણોથી અનાવૃત કરે છે ભાવનગર ગઝલકારોની ભૂમિ છે અહીં અનેક ગઝલકારો – ગુજરાતી સાહિત્યમાં જેમનું આદરથી નામ લેવાય તેવાં કેટ્લાંક અસ્તિત્વ અહીં થયાં છે. આ સુવર્ણરેખા આજે પણ તેટલી જ પ્રબળતાથી આગળ વધી રહી છે. લગભગ ૨૦૧૦થી ૨૦૧૧ના ગાળામાં એક એવું જ નામ આપણી સમક્ષ આવે છે.. શ્રી જીજ્ઞા ત્રિવેદી…!

વ્યવસાયે શિક્ષક એવાં જીજ્ઞાબેન ત્રિવેદી એ 30.10.2010 થી સર્જનયાત્રાનો આરંભ કર્યો અને ત્યારબાદ ગઝલના પરીક્ષણ માટે ભાવનગર સ્થિત એકમાત્ર ગઝલ સ્કુલમાં સંવેદનતંત્રને ઘાટીલું બનાવવાનો પ્રયત્ન કર્યો. વરિષ્ઠ અધ્યાપકો અને સર્જક ચેતનાની વચ્ચે આ કવયિત્રીનું સર્જન વધુ ખીલતું ગયું, એના પરિપાક રૂપે ભાવકપક્ષે એક ગઝલસંગ્રહ મળ્યો છે :’અર્થના આકાશમાં’

જીજ્ઞાબેહેને તેમણે અર્જિત કરેલાં જ્ઞાનને સુંદર રીતે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અહીં પ્રકૃતિમાંથી કૃતિનું પ્રાગટ્ય થયું છે.

શબ્દનું ફૂટ્યું કિરણ અજવાસ જેવું છે બધે,
અર્થના આકાશમાં ચળકાટ જેવું છે બધે. (પૃ.૧)

શબ્દ અવતરણના અજવાસથી વાંસળીના સૂર સાંભળવાની ક્ષમતા પ્રથમ ગઝલમાં વ્યક્ત થઇ છે. વ્યક્ત થવાની ઝંખના અર્થના અવકાશના ખળભળાટને પામી શકે. તો અન્ય એક ગઝલમાં કવિકર્મથી ભાગ્યની રેખા પલટી નાખવાની વાત પણ ગઝલકારનો મિજાજ પ્રગટ કરે છે. અહીં ગઝલની ભાષા સાદી અને સરળ છે, સીધુ બયાન ક્યારેક સપાટ તો બની રહે છે પરંતુ ક્યારેક સીધી વાત પણ ચોટદાર રીતે પહોચાડી શક્યા છે. અંતે સ્વયંમાં જ ખીલી ખૂલી જવાની ઘટના ધ્યાનાર્હ બની રહે છે.

ફાટી ગયેલા વસ્ત્રની જેવી દશા વિશ્વાસની,
સાંધી શકાતો ના છતાં હું કેમ સંધાવ્યા કરું? (પૃ.૨)

કવિતા કવિનું સમર્થ શરણ છે.કવિતાથી ભાવિની ડામાડોળ વચ્ચે અને અતીતના ઘાવની સામે કવિ પગભર થઈ શકે છે.

કોઈ ફફડતી પાંખને શરણું મળ્યાનું યાદ છે,
સંજોગોની એ ઠેસને પણ કળ વળ્યાનું યાદ છે. (પૃ.૪)

આ ગઝલમાં આગળ જતાં એક સુંદર શે’ર

છે વાંસળી એ કૃષ્ણની, મીરાં તણાં પાયલ જુઓ,
નરસિંહની કરતાલમાં સૂરો ભળ્યાનું યાદ છે.

એ એકરૂપતા સર્જન વૈભવનો અદકેરો મુકામ છે

સર્જક અજંપાની આગળ અટકી જાય છે ત્યારે તેને કોઈ માનવીય સંવેદનાનો સ્પર્શ ભાવપ્રદેશના યાત્રી બનાવી દે છે. સ્ત્રી સહજ મનોભાવની સુંદર અભિવ્યક્તિ જુઓ,

વાદળોની ચુંદડી સરકી ગઈ,
ત્યારથી બેચેન જેવી છે ધરા. (પૃ.૮)

મૌન સાથે છે અમારો ભાઈચારો,
શબ્દનો એમાં હવે સંચાર ના કર. (પૃ.૯)

કવિ શબ્દનું માધ્યમ લઈ કામ પાડે છે પણ તેનો મુકામતો મૌનનો પ્રદેશ જ છે.

જીવન શબ્દ શ્રદ્ધાની નાવ જેવું છે તેમાં કેટલાક આનંદ અને કેટલુંક સુખ, દુ:ખ સમાવેશ પામ્યું છે તે છતાં કેટ્લાક આગવા અફસોસ રહી જાય છે પણ આ અપેક્ષા આનંદપ્રેરક હોય છે.

કેવટ બનીને કાયમ અમે તો રામને રટતા રહ્યા,
પણ ઘાટગંગા ન મળ્યાનો એટલો અફસોસ છે. (પૃ.૧૨)

જો નાવિન્ય ન હોય તો જીવન દૈનિકપત્રથી વિશેષ કશું નથી.

પસ્તી બન્યો આખો દિવસ ગઈકાલના છાપા સમો,
હા, રોજ હું ઉંચક્યા કરું છું થાકના ભારા સમો. (પે.૧૪)

કૃષ્ણને ગોવર્ધન ઉચકવાની ઘટના એક જ વખત કરવાની હતી પણ આધુનિક યુગના માનવીને જીવનનો બોજ ઉંચકવામાં ઘણી તકલીફો ઉઠાવવી પડે છે.

સમયની સૌથી મોટી વિભિષિકા એ છે કે તે સતત સામ્રાજ્ય કરતો રહે છે સંસ્કૃતમાં કહેવાયું છે “કાલો જગત ભક્ષતામ” તે મૂળ સાચવીને આખી વાત અહીં પ્રસ્તુત કરી છે.

ખરતાં રહે છે સગપણો કરમાય જો જીવન મહીઁ,
પીળા થયેલાં પાંદડા ક્યાં ડાળમાં સચવાય છે.

અહીં સમયના પરિણામે ઉભો થતો “Generation Gap” નો ગર્ભિત ઈશારો મળે છે.

સર્જક તો નિર્ભાર હોય છે ગંગાસતીની પંક્તિનો આશ્રય લઈએ તો

સુખ રે દુ:ખની જેને નવ આવે હેડકીને,
આઠે પહોર આનંદ રે….

અથવા ભગવદગીતાના ભાવને પ્રગટ કરું “સુખે દુઃખે સમાકૃત્યા લાભાલાભો જયાજયો” તેવા ભાવને અહીઁ વ્યક્ત કર્યો છે.

ના ભાર છે ઉપકારનો, અપકારનો ના ભાર છે,
ખિસ્સુ કર્યુ ખાલી પછી બિંદાસ્ત થૈ ફરતા રહ્યા. (પૃ.૨૪)

ક્યારેક કોઈની ક્ષણિક કૃપા પણ શાશ્વત આનંદનુ ભાજન બનતી હોય છે.

ઝાકળ બની તું કદી આવે અચાનક એટલે,
તારી કૃપા વરસે પછી બનતો સલામત એટલે..

આ ગઝલને આરંભના ભાવની જેમ છેવટ સુધી નિભાવી શક્યા નથી પરંતુ સંવેદનાના બીજ અસરકારક રહ્યા છે.

કવિની શ્રદ્ધા તો તેના પુરુષાર્થમાં હોય છે. તેથી તેની શરતે જ તે જગતને સ્વીકારે છે.

થઈ ફૂલનું ઝાક કદી આવી શકે તો આવજે,
સૌરભ સમી સંભાવના આપી શકે તો આપજે. (પૃ.૨૪)

ક્યારે જમાનાને અહીં બદલી શકાતો હોય જો,
ખુદના નજારાને જ બદલાવી શકે તો આવજે….

આમ જિંદગી, પીડા, આસુ, સંવેદન, બાળપણ, આંગણું, પ્રેમ, રોષ, મિત્ર, ઈશ્વર, પ્રકૃતિ, પંખી, પીંછા, વાદળ, આંગણ અને એવા કેટલાય વિષયોને ચૈતસિક સ્તરે આત્મસાત કરવાનું કર્મ પ્રશંસનીય છે, પરંતુ આ બધા વિષયમાં અંદાજે બયાંની થોડી ઉણપને સ્વીકારીને વિષયની દ્રષ્ટીની વિશાળતા નોંધનીય બની રહે છે.

આ સર્જકનો પ્રથમ જ સંગ્રહ છે તેથી ગઝલના આંતરસ્વરૂપ અને છંદ વિધાનને દ્રષ્ટીમાં ન રાખીએ પરંતુ આ એક ઉજ્જવળ ભાવિના આશાકિરણને તપાસવાનુ – આસ્વાદવાનું ઉચિત લાગશે.

– આબરૂ લીલામ કરવી ના કદીએ દોસ્તો,
ખાનદાની ખોરડાની રાખવાની હોય છે. (પૃ.૮૦)

– કાવ્યની ધરતી પણ કોરી જ લાગે છે જુઓ,
છે જરૂરત એટલે તો રાગ કો મલ્હારની. (પૃ.૬૮)

– હો થીંગડું એકાદ તો સાંધી શકાયું હોત પણ,
આ સગપણોના ચીંથરાને સાંધવાનું ક્યા ગજુ. (પૃ.૫૮)

– ડાળથી છૂટું પડે છે પાંદડું લીલું પછી
ઝાડનું આસુ બની કાયમ ખરે છે આ ધરા! (પૃ.૫૧)

– આભને કાગળ લખે પંખી જુઓ બે પાંખનો,
યાદનું પીછું ખરે જાણે પછી ફરીયાદમાં. (પૃ.૪૦)

મોતી મેળવ્યાનો આનંદ છે… રદીફ-કાફીયાની શિસ્ત, છંદોવિધાનનું વૈવિધ્ય વગેરે બાબતે અને સપાટ ઉપદેશની ભૂમિ પરથી ઉપર ઉઠવાનું કરી ભાવિયાત્રાને વધુ સંભવના સહર બનાવશે.

અંતમાં છે

છે ધૂપદાની વધારે મહેકતી આ જિંદગી
સૌરભ સદા મઘમઘ થતી ચોમેર તું પ્રસરાવને.

વિશેષ ઉપક્રમઃ

કવિયત્રિશ્રી જીજ્ઞાબહેનના કાવ્ય સંગ્રહ વિમોચન પ્રસંગે એક વિશેષ ઉપક્રમ રચાયો હતો જ્યાં આ ગ્રંથની સ્વૈચ્છિક કિંમતનું અનુદાન કરી મેળવી શકાતો હતો. જેની તમામ આવક વિદ્યાર્થીઓનાં (ગરીબ વિદ્યાર્થીઓના) માટે જ ઉપયોગમાં લેવાનો સંકલ્પ કરાયો. આ સ્વૈચ્છિક સુચારૂ વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળેલો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પુસ્તક સમીક્ષા : ‘અર્થના આકાશમાં’ – તરૂણ મહેતા

  • ashvin desai

    હુ અન્ગ્રેજિ અલ્ફાબેત્નો ઉપયોગ કરિને ગુજરાતિ ચ્હાપવાનો
    પ્રયત્ન કરુ ચ્હુ – તેથિ થતિ વિચિત્ર જોદનિ માતે સર્જકો
    મને માફ કરે . મને કોઇ ઇમેલ કરે તો મારિ જિમેલ્નિ
    વ્યવસ્થાથિ થોદુ સારુ ગુજરાતિ ચ્હાપિ શકુ ચ્હુ – અશ્વિન દેસાઈ , ashvin.desai47@gmail.com

  • ashvin desai

    બહેન જિગ્નાનિ ગઝલો બે જ વરસના ગાલામા સારિ એવિ બલકત બનિ ગયેલિ અનુભવાય ચ્હે . એમનિ મુલાયમતા
    રુજુતા , સમ્વેદનશિલતા , નાજુકઐ ખાસ ધ્યાન ખેચે ચ્હે .
    દરેક શેર્ને સમ્પુર્ન પને મ્માનિને પામિને શાયર્ને ‘ ઇરશાદ ‘
    કહેવાનો ભાવ થાય ચ્હે . જિગ્ના ઘનિ ઉચઐએ જશે , ન્નિર્વિવાદ . ભાઈ તરુનનિ ‘ સમિક્ષા ‘ એકદમ પરિપક્વ
    સન્ન્તુલિત અને ન્યાયિ- ઉન્દાનભરેલિ લાગિ . ધન્યવાદ
    અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા