ગરમીનાં સખત બફારાથી ધગતી ધરતી ઉપર ક્યાંક ચોમેરથી ધસી આવેલી કાળી વાદળી અમીછાંટણાં કરી જાય છે. વૃક્ષોના લીલા પર્ણો પર મોતી જેવાં વરુણના બિંદુઓ આછેરા પ્રકાશમાં ચમકી રહ્યાં છે. ઢોળાવો પરથી પસાર થતી કેડી પર માટીની સોંધી સોંધી સુગંધ છવાઈ જાય છે. રસ્તો ધીમે ધીમે એક નાનીશી સરિતાનાં વોંકળા પાસે કે જ્યાં હમણાં જ વર્ષાના ઝાપટાંથી નીર ભરાયું છે તેના કાંઠે આવેલો એક નાનો એવો આશ્રમ, એ આશ્રમમાં લીલાછમ વૃક્ષોની ઉપર ટહૂકતા પક્ષીઓ… ખરેખર મનને અદભુત આનંદ આપતું દ્રશ્ય ! આશ્રમની મધ્યમાં આવેલી પર્ણકુટીરમાં ગાયનાં છાણથી લીપેલા ઓટા પર બિરાજમાન થયેલા સન્યાસીની સંતુષ્ટ મુદ્રા ખરેખર હ્રદયને આનંદ અને સંતોષ આપી જાય છે.

એક વાત તો ચોક્કસ સમજવા જેવી છે કે શું ધન સત્તા ને કીર્તિમાંજ આનંદ રહેલો છે? શું સાચું સુખ તેમાં જ છે? શું તેમાં જ જીવનનું ઈતિશ્રી સમાયેલું છે? આજકાલ દૈનિકોમાં રોજ કોઈક ને કોઈક નાણાંકીય કૌભાંડો વિશે જાણવા મળે છે – એ પણ નાના નહીં, એકડા પછીના મીંડા ગણતા થાકી જવાય ત્યાં સુધીના. ઘાસચારા કૌભાંડ, દવાઓના કૌભાંડ, અનાજના કૌભાંદ, શસ્ત્રોની ખરીદીમાં થતા કૌભાંડ, લોકોના જીવન આરોગ્ય અને સલામતી ખોરવાઈ જાય એવા માર્ગ અને વાહનવ્યવહારના કૌભાંડ – અને આ બધું શા માટે? ધન અને સત્તા મેળવવા માટે જ સ્તો!

જો કે ધન જરૂરી છે – જીવન વિકાસમાં ડગલે ને પગલે તેની જરૂરીયાત રહે છે પણ ધનની પાછળ હાથ ધોઈને પડવાનો હેતુ શું? માણસ અંદરથી સતત ખાલીપો અનુભવે છે. આ ખાલીપાને ધન અને સત્તાથી ભરી શકાશે એવું તે માને છે. હકીકતમાં તો આનંદ સંતોષમાં રહેલો છે. સતત ધનની તૃષ્ણા પાછળ દોડ્યા કરવાથી જીવનના અંતે કશું હાથ લાગતું નથી.

સિકંદરની સત્તા અને ધન પ્રત્યેની લાલસા અમાપ હતી, એણે જીવન દરમ્યાન સતત યુદ્ધો કરી લૂંટફાટ કરી ધન મેળવ્યા જ કર્યું, પરંતુ આ ધન ભોગવ્યા વિના જ અધવચ્ચે આ દુનિયા છોડીને જવું પડ્યું. મરતી વખતે તેણે તેના સેનાપતિને કહેલું કે મારો જનાજો નીકળે ત્યારે મારા બંને હાથ બહાર ખુલ્લા રાખજો કારણ કે ધન અને સત્તા પાછળ ખુવાર થનારા ગાંડા, મહત્વાકાંક્ષી માણસોને મારો એ સંદેશો છે કે હું ખાલી હાથે જ આ જગત છોડીને જઈ રહ્યો છું – કંઈ જ સાથે આવવાનું નથી.

‘એ મન કર સદા તું સંતોષ સ્નેહ,
ખાલી હાથે જવાનું છે એ ખબર ન’તી સિકંદરને’

સંતોષ એ પરમ ધન છે તેથી જ કહેવત પડી હશે કે ‘સંતોષી નર સદા સુખી.’ પણ આ સંતોષ અભાવમાંથી ન આવવો જોઈએ. આળસ, પ્રમાદ કે કશું જ ન કરી શકવાની વૃત્તિમાંથી જન્મેલો સંતોષ એ સંતોષ નથી, અથવા તો એવું પણ કહી શકાય કે એવો સંતોષ નપુંસક છે – પરંતુ આંતરીક આનંદ અને પરમ તૃપ્તિમાંથી સાચા સંતોષનો જન્મ થાય છે. સંતોષી વ્યક્તિઓને અભાવોનું દુઃખ નથી. તેને નાણાંનો અભાવ પીડાકારક લાગતો નથી. ધનનો અતિરેક તેને છીછરો બનાવતો નથી. તે ધનનો સમ્યક ઉપયોગ કરી જાણે છે, ધન સારું કે ખરાબ નથી હોતું. સત્તા પણ સારી કે ખરાબ નથી હોતી પરંતુ તેને પ્રાપ્ત કરનાર વ્યક્તિની આંતરીક ગુણવત્તા પર તેનો આધાર છે. ગુણવાન તેનો સમ્યક ઉપયોગ કરી સદા સંતોષમાં રહે છે.

સંતોષ હંમેશા વર્તમાનમાં હોય છે જ્યારે ધનનો સંગ્રહ ભવિષ્ય માટે હોય છે. અસલામતીનો ભય, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ, સત્તા ટકાવી રાખવા માટે પોતાની માન્યતાઓ, વલણો, અહમ, પૂર્વગ્રહોને ચાલુ રાખવા વગેરે માટે ધનની આવશ્યકતા પણ હોય છે. તેનાથી આનંદ અને સંતોષ પ્રાપ્ત થતાં નથી, પણ જૂઠા અહમની તૃપ્તિ થાય છે. સરવાળે કાંઈ જ મળતું નથી. ધન હોવાથી સુખ પ્રાપ્ત થતું નથી એ જાણ હોવા છતાં ધનનો અભાવ સતત દુઃખી કર્યા કરે છે. તેની પાછળ આપણી માન્યતાઓ એટલી દ્રઢ થયેલી છે કે ધન જ માણસને સુખી કરી શકે છે. પેલી કહેવત છે – નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ.’ આમ ધનથી જ મોટા સાબિત થઈ શકાશે એ માન્યતા દ્રઢ થઈ ચૂકી છે. ધન મેળવવાની આકાંક્ષા સતત રહે છે. તો શું આખી જીંદગી ધન મેળવતા જ રહેવાનું? ધનનો સમ્યક ઉપયોગ પણ થવો જોઈએ. ધન સંગ્રહ કરતા ધનનો સાચા વિનિયોગમાં વધારે સંતોષ રહેલો છે.

રોહિત અને આનંદ – બે પરમ મિત્રો, સાથે ભણતા હતાં. ખૂબ જ મેઘાવી અને પ્રતિભાશાળી, પરંતુ વિચારસરણીમાં બંને તદ્દન ભિન્ન. રોહિતની માન્યતા હતી ખૂબ ધનવાન અને કીર્તિમાન થવાની જ્યારે આનંદ સમ્યક જ્ઞાન અને અંતરનો આનંદ – સંતોષને જ સાચુ ધન ગણતો. બંને ભણીને વિખૂટાં પડ્યા. રોહિત તેના માર્ગે ખૂબ ધન કમાઈ ધનવાન – નગરશ્રેષ્ઠી બને છે જ્યારે આનંદ અધ્યાત્મના ઉંચા શિખરો સર કરી સંતોષની પ્રાપ્તિ કરી તેજસ્વી સન્યાસી બને છે. ઘણા વર્ષો પછી બંને નદીતટે આવેલા એક આશ્રમમાં ભેગા થઈ જાય છે. હર્ષોલ્લાસ સાથે ભેટી પડતાં જૂના સંભારણા યાદ કરે છે. બંને પોતપોતાના લક્ષ્ય પ્રમણે ધ્યેયને પામ્યા છે, આનંદના મુખ પર સંતોષ અને આનંદની ગરિમા ઝળકે છે તો રોહિતના મુખ પર ધન અને કીર્તિના અહમનો અહેસાસ છે. આનંદના અસ્તિત્વમાંથી સુખ પ્રસરતું દેખાય છે જ્યારે રોહિતના ચહેરા પર રઘવાટ, ભવિષ્યની અનિશ્ચિતતાઓ વિશેની ચિંતા પ્રગટે છે. હજુ વધુ પ્રાપ્ત કરવાની લાલસા લબકારા મારતી હોય છે. રોહિત ગર્વપૂર્વક કહે છે, ‘જો હું ક્યાં પહોંચી ગયો છું? એક સર્વસત્તાધીશ અને નગરશ્રેષ્ઠી, તું તો એક સામાન્ય સન્યાસી જ બનીને રહી ગયો.’

આનંદને આ સાંભળીને જરાય ક્ષોભ ન થયો, તેણે કહ્યું, ‘ચાલ આપણે વાતો કરતા કરતા નદીપાર જઈએ.’ તેણે નાવિકને બોલાવ્યો અને બંને હોડીમાં બેઠા. સામે કાંઠે ઉતર્યા બાદ રોહિત નાવિકને ભાડું ચૂકવે છે. તે આનંદને કહે છે, “મારી પાસે પૈસા હતાં તો આ નદી પાર કરી શકાઈ ને?’ આનંદ શાંતિથી આનો જવાબ આપતા કહે છે, ‘જો, તારી પાસે ધન હતું એટલે નદી પાર થઈ નથી, ધનને છોડ્યું એટલે નદી પાર થઈ. મારી પાસે ધન નહોતું તો પણ મેં નદી પસાર કરી ને?’

તેથી જ હું ફરી ફરીને કહું છું કે ધનના અતિ સંગ્રહથી નહીં, સમ્યક ઉપયોગથી જ સુખ મળે છે. સમ્યક કર્મ અને ભાગ્યાધીન ધન પ્રાપ્ત થાય તેમાંથી જે સંતોષ પ્રગટે એ જ જીવનની સાચી અને સૌથી મોટી કમાણી છે.

- ભરતભાઈ રાજ્યગુરૂ

બિલિપત્ર -

ખરી પ્રતિભા એવા લક્ષ્યોને પાર પાડી શકે છે જે કોઈ મેળવી શક્તા નથી, પણ મહાનતા એવા લક્ષ્યોને પાર પાડી શકે છે જે પ્રતિભાશાળીઓ જોઈ શક્તા નથી.
– આર્થર સ્કોપેનહાર્વર

વિરાણીચોક, રાજકોટ ખાતે રહેતા શ્રી ભરતભાઈ રાજ્યગુરૂની કૃતિ વંદિતાબેન રાજ્યગુરૂએ અક્ષરનાદને પાઠવી છે, લાંબા સમયથી તેની પ્રસ્તુતિ અપેક્ષિત હતી જે આજે શક્ય બની છે. પ્રસ્તુત વિચારધારામાં તેઓ સત્તા અને ધનને મનના વિકેન્દ્રીકરણનું કેન્દ્ર બતાવતા સંતોષ અને આનંદના વિરોધમાં મૂકે છે. સમ્યક અને જરૂર પૂરતું ધન ઉપયોગી વસ્તુ છે, પરંતુ અમર્યાદ ધન અને સત્તાની લાલસા કદી પૂર્ણ થતી નથી એવું તેઓ દ્રઢપણે માને છે. તેમના સ્પષ્ટ વિચારો અને ઉદાહરણ સાથે વાત કરવાની શૈલી સુંદર પ્રસ્તુતિ કરી જાય છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.