તદ્દન સરળ અને મૂળભૂત વાંચન અનુભવો - કૃતિની નીચે "સરળ વાંચન" કડી પર ક્લિક કરો |
|---|
બે શિવસ્તવન – મૂળશંકર પ્રેમજી જોશી
Feb 20th

ચાંચુડા મહાદેવ મંદિર, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટની જેટ્ટી પાસેની ટેકરી પર આવેલુ અને હાલમાં જ જિર્ણોદ્ધાર પામેલું શિવાલય.
૧. શંકર સમર્થ દાતા…
શંકર સમર્થ દાતા, સુણો અરજી અમારી,
ચરણોમાં સદા રાખો, દોષો બધા નિવારી.
અંતરમાં આશ ધરી આવ્યો છું પાસ તારી,
નિરાશ નહીં કરશો જગન્નાથ જટાધારી… શંકર.
હું મંદ બુદ્ધિ માનવ, શક્તિ શું જાણું તારી,
પણ એક વાત જાણું, ભક્તોની નાવ તારી… શંકર.
ગુણગાન તારાં ગાતાં, વિદ્વાન વેદ ધારી,
હું શું તને વખાણું, સ્તુતિ કરું શું તારી… શંકર.
અર્પીને પુષ્પ પાણી, મેં આરતી ઉતારી,
હું શું તને સમર્પું, પોતે જ છું ભિખારી… શંકર.
મન વચન કર્મમાં, જે હોય ક્ષતિ મારી,
એ ક્ષમ્ય ભાવનાએ, જો જો જગત વિહારી… શંકર.
સુત નાર ને સગામાં, વિવેકને વિસારી,
ભણવાનું ખરું ભૂલ્યો, ભક્તિ ભૂલ્યો તમારી… શંકર.
આશીષ ઈશ આપો, સેવા કરું તમારી,
ને સત્ય સાધનામાં ખરચું બધી ખુમારી… શંકર.
૨. માનવને માર્ગ બતાવો
ઉલટી વહેતી જગની ગંગા,
શિવ એને સમજાવો, માનવને માર્ગ બતાવો.
વાયુ બદલ્યા, વર્ષા બદલી, બદલી મેઘની દ્રષ્ટિ,
રિદ્ધિ સિદ્ધિ રીસાઈ ચાલી, સુકી બની ગઈ સૃષ્ટિ,
હરીયાળી ફરી બનાવો, માનવને માર્ગ બતાવો.
ગુણ તણાં ગૌરવ ખોવાણાં, માન વધ્યાં છે ધનનાં,
રોટી વિનાનાં રડી રહ્યાં છે, બાળક ગરીબ જનનાં,
ભૂખ્યાની ભૂખ મિટાવો, માનવને માર્ગ બતાવો.
ઘરઘરમાં ઝઘડા જાગ્યા, માનવતા મોંઘી થઈ છે,
દુઃખના દાવાનળમાં આજે શાન્તિ સળગી રહી છે.
આવીને આગ બુઝાવો, માનવને માર્ગ બતાવો.
પ્રલય પૂરમાં વિશ્વ તણાતું, ક્યાં જઈ અટકે નથી જણાતું,
ઘોર તાંડવે ઘેરી લીધો, જગનો ઝાઝો ભાગ,
શિવશંકર શુભ દિન લાવો, માનવને માર્ગ બતાવો.
- સ્વ. શ્રી મૂળશંકર પ્રેમજી જોશી.
મુંબઈના અગ્રગણ્ય વિસ્તાર એવા મૂળજી જેઠા માર્કેટમાં ચંપાગલી નામના વિસ્તારમાં આશરે ઇ.સ. ૧૯૩૫માં શ્રી શિવશંકર પુરુષોત્તમ જોશીએ ‘દિવ્યપ્રભા હિન્દુ લોજ’ શરૂ કરી. એ લોજમાં ભાવનગર સ્ટેટના એક નાનકડા ગામડામાંથી મુંબઈ આવીને શ્રી મૂળશંકર પ્રેમજી જોશી નોકરીએ રહ્યા. સાંસારિક જવાબદારીઓ નિભાવવાની હતી એટલે કમાવા માટેનો આ માર્ગ તેમણે અપનાવ્યો, પરંતુ બાળપણથી પ્રભુભક્તિમાં રસતરબોળ મન અહીં પણ પ્રભાવ બતાવવા માંડ્યું. મુંબઈ વસતા અમારા વડીલો યાદ કરે છે તેમ તેમના માતા-પિતા ઘણી વખત દિવ્યપ્રભા લોજમાં સાંજના સમયે મૂળશંકરભાઈના ભજનો સાંભળવા જતા. નાનપણથી માતાપિતા ગુમાવ્યા હોવા છતાં, સંસ્કારોને આધીન શ્રી મૂળશંકરભાઈએ અનેક ખ્યાતનામ ભજનોની રચના કરી છે જે આજે ભારતભરમાં – વિશ્વમાં ખૂબ ભક્તિભાવપૂર્વક ગવાય છે પણ તેના રચયિતાનું નામ ભાગ્યે જ કોઈને ખબર છે.
શ્રી મૂળશંકરભાઈ જોશીની મુખ્ય રચનાઓમાં ‘શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી…’, ‘હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી…’, ‘છે મંત્ર મહામંગળકારી ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય…’, ‘શું શું ગાવું શું ના ગાવું એમાં મન મારું મૂંઝાણું…’, ‘નારદ કહે છે નારાયણને વધ્યો ભૂમિ પર ભાર…’, ‘હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…’ જેવા કુલ ૬૩ ભજનો તેમના દ્વારા રચાયેલા છે. આ ભજનોનો સંચય એવી દિવ્યપ્રભાવ શિવસ્તવન મુક્તાવલીની પુસ્તિકા શ્રી મૂળશંકરભાઈ જોશીની દીકરીના પુત્ર શ્રી વિનયભાઈ ઓઝાએ અક્ષરનાદને પાઠવી છે.
આપણા સૌ માટે આ ગર્વની અને ભક્તિની ઘડી છે. આવા અપ્રાપ્ય સંચયો ઑનલાઈન મૂકવા મળે છે એ અક્ષરનાદનું સદભાગ્ય છે. આ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં ટાઈપ થઈને ઉપલબ્ધ થાય ત્યાં સુધી એમાંથી ભજનોનો પ્રસાદ લઈએ. એ જ અંતર્ગત આજે પ્રસ્તુત છે ઉપરોક્ત બે શિવભજનો. મહાશિવરાત્રીના પર્વ પર આ ભજનો ભોળાશંભુને શિવાર્પણ.
| Print article | Email This Post | સરળ વાંચન - પ્રાયોગિક પ્રયત્ન |
.png)



about 2 months ago
વાહ ! તમે ‘ડાયસ્પોરા’નું પડ જાગતું કર્યું. મુંબઈના મારા દિવસો વેળા અા અને અાવા પદો સાંભળ્યા કરતો. તમે મારી ગઈ કાલ સંભારી અાપી.
મૂળશંકરભાઈ જોશીએ સારી ભજન-કૃિતઅો અાપી છે. બહુ જ સરસ.
about 2 months ago
સરસ માહિતી મલિ. યુગ પુરૂષ ને વદૅન
about 2 months ago
માનવને માર્ગ બતાવે તે મહામાનવ …પડતું હોય ત્યારે સઘળું પડતું હોય છે…છતાં લાખો નિરાશામાં અમર આશા છુપાએલી હોય છે…પ્રશ્નો થાય છે કે માનવી બુદ્ધિશાળી હોવા છતાં તેની ગંગા ઉલટી દિશામાં શાં માટે વહે છે? કથિત શિક્ષિત, પ્રજ્ઞાવાન, ડાહ્યો, શાનો, રેશનલ માનવી આવું શાં માટે કરે છે?
શિવ જો જીવ ને માર્ગ બતાવે તો ન્યાલ થઇ જવાય…પણ ન્યાલ થતા અટકાવે છે કોણ? એ ઈશ્વરીય કાર્ય કરનારાઓને વંદન. હદ.