‘માં’ વિશે કાગવાણી…. – દુલા ભાયા કાગ
Nov 27th
ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;
માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?
પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;
માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?
જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું;
છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?
ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;
છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?
કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી;
ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ?
આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા !
મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા !
અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !
ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે;
મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !
મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા !
જનની કેરું જોર, રાઘવને રે’તું સદા;
માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !
મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં;
ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા !
સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !
જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે;
જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા !
જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા !
દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે ‘કાગધામ’ તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમની રચનાઓ લોકબોલીમાં, તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે. માં વિશેની તેમની કેટલીક રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે. કાગવાણી ના 1 થી 7 ભાગોમાં સંગ્રહાયેલું સાહિત્ય, તેની વાણી આપણી ભાષાની અમૂલ્ય મીરાત છે. માતૃવંદના માટે આ અઠવાડીયા માટે કાગવાણીથી સુંદર કોઇ પ્રસ્તુતિ હોઇ ન શકે.
| Print article | This entry was posted by AksharNaad.com on November 27, 2009 at 12:01 AM, and is filed under કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય. Follow any responses to this post through RSS 2.0. You can leave a response or trackback from your own site. |













Thanks Wordpress
about 9 months ago
કાગબાપુની કલમે “મા” એટલે નઁદ ઘેર આનન્દ ભયો જય કનૈયાલાલકી
about 6 months ago
કોટિ વન્દન
about 6 months ago
KOTI VANDAN KAGNE
KARJO VANDAN KAGNE
about 3 months ago
મોઢે બોલુ મા સાચેય નાનપ સામ્ભરે
મોટ્યપની મજા મને કદવી લાગે કાગડા.
કાગ સાહેબનુ આ કથન મોટી ઉમરનાનેય બાળક બનાવી દે છે.