મૃત્યુ વિષે ઘણું વાંચ્યું છે, ઘણું જોયું છે અને ખૂબ ઓછું સમજ્યું કે મેળવ્યું છે. મેં અહીં મૃત્યુ વખતનો અનુભવ કેવો હશે તે લખવાનો પ્રયત્ન કર્યો છે, મને લાગે છે કે જે સંજોગો વિષે બીજા કોઈ વિચારવા ન માંગતા હોય તેના વિષે આપણે વિચારવું જોઈએ….મારા મૃત્યુ પહેલાનો અને પછીનો સમય અહીં કલ્પ્યો છે……કદાચ આવું જ હોય અને કદાચ આવુંન ય હોય પણ આ તો એક કલ્પના છે……ભવિષ્યની ……અને ભવિષ્ય પછીના ભવિષ્યની……

મારા ઘણા અખતરાઓને આપે વાંચ્યા અને વખાણ્યા કે મૂલવ્યા છે…આશા છે આ પણ ગમશે…

E@@@@@——>

શ્વાસો ધીમા થઈ ગયા છે, આંખો અર્ધ બીડાયેલી છે, દીકરા, દીકરી, વહુ, જમાઈ, પૌત્રો અને પૌત્રીઓ વગેરે બધા વીંટળાઈ વળ્યા છે. જીવનભર સાથ આપનાર જીવનસાથી આ સફરમાં મને એકલા જ પ્રયાણ કરતા જોઈને વ્યથિત છે પણ તેની વ્યથા હવે ‘મેચ્યોરીટી’ પામી ચૂકી છે, જાણે કે સંજોગોને આવતા જોઈને તે પહેલાથી જ શોકમાં ડૂબી ગઈ છે….આસપાસ ઉભેલા બીજા બધા એમ્બ્યુલન્સ બોલાવવાની તૈયારી કરે છે જેથી ઉંચકીને ન લઈ જવો પડે, કેટલાક ફોન કરવામાં પડ્યા છે કે આ જીવ નો આ અંતિમ અવસર છે, કેટલાક શાંત ચિતે ઉભા તેમના સફેદ લેંઘા ઝભ્ભા ક્યાં પડ્યા હશે તે વિચારે છે…..અને હું…..

જીવનના આ અંતિમ મુકામે….અને એક નવી તૈયારી વખતે મને લાગે છે કે હું ગભરાઈશ નહીં…….પણ દુઃખી અવશ્ય હોઈશ, આસક્તિઓ હજીય મને છોડીને ગઈ નથી એટલે પરસેવો અને લોહી એક કરી બનાવેલુ આ મકાન જેમાંથી મને કાઢવા લોકો તલાપાપડ થઈ રહ્યા છે તેને હું શૂન્યમનસ્ક પણે જોઈ રહ્યો છું, યાદ આવે છે એ કરકસર અને વેઠેલી તકલીફો જેના પ્રતાપે આ મકાનના હપ્તા ભરાયા છે……યાદ આવે છે એ બેન્ક બેલેન્સ જે વહેંચાવા માટે તૈયાર છે, યાદ આવે છે એ વાહન જે હવે કદીય મરો સ્પર્શ નહીં પામે……મને ખૂબ ગમતો સ્ટ્રીપ્સનો શર્ટ જે મેં ખાસ દુબઈના એક મોલ માંથી લીધો હતો….અને એક જ વાર પહેરી શક્યો…..મારા પુસ્તકો….મારી એકલતાના સાથી એજ હવે મારો સાથ છોડી રહ્યા છે…મને ભાવતા ભોજન, મારો કેમેરો, મારું લેપટોપ…….યાદ આવે છે એ નાનામાં નાની વાત જે મારા જીવન સાથે સંકળાયેલી છે…..એ બધૂંય મારૂં જે હવે મારું મટી બીજાનું થઈ જશે……અને એ નિર્જીવ વસ્તુઓને મારા જવાનું જરાય દુઃખ નથી

મન કહે છે કે હવે તો આ માયા છોડ….ખબર છે કે આ બધુંય ક્યાંય ભેગુ નથી આવવાનું તો પછી એના વિશે શું કામ વિચારવું. ભગવાનને હવે તો યાદ કર … કોઈક તો મને ગીતાનો પંદરમો અધ્યાય વાંચી સંભળાવો…..પણ મનનો અવાજ બહાર આવતો નથી, હું સળવળું છું તો લોકોને થાય છે કે હવે છેલ્લો ઝાટકો અને ખેલ ખતમ……પણ હજીય તૃષ્ણાઓ છુટતી નથી, કાંઈક હજીય મને બાંધી રાખે છે

કોઈક કહે છે કે ગંગાજળનાં ટીપાં એના મોંમાં નાખો તો કદાચ છૂટે, પણ હું તલસું છું, મોહ માયા છૂટતી નથી, આગળનો સફર દેખાતો નથી, …..મૃત્યુ પછી શું થશે એ ખબર નથી…..ટોળામાં કોઈક ગણગણે છે…..તેમની દીકરીને કહો કે માથે હાથ ફેરવે અને કાનમાં મંત્રજાપ કરે….તો તેમનું મૃત્યુ સુધરે…..મારી દીકરી મારા માથે વહાલભર્યો હાથ ફેરવે છે……એની આંખમાંથી આંસુ મારા ગાલ પર પડે છે અને મારા આંસુ સાથે તે મળી જાય છે….જાણે સાગરમાં મળતી નદી…..મને મારી માંનો વહાલભર્યો હાથ યાદ આવે છે….જીવનની શરૂઆતમાં માં અને અંતમાં દીકરી….હા હવે કાંઈક ટાઢક વળી રહી છે…..હા હવે હાશકારો થઈ રહ્યો છે……જાણે હજારો સૂર્યો ચળકી રહ્યા છે…કોઈક મારો હાથ ખેંચે છે…મારી અંદર રહેલા હું ને કોઈક અદ્રશ્ય હાથો ખેંચે છે….આનંદ આનંદ અને પરમાનંદ છવાઈ જાય છે….હું હવે તદ્દન હલકો થઈ ગયો છું…જાણે કે પક્ષી…ઉડવાનું શરૂ કર્યું છે…..નીચે રોક્કળ મચી ગઈ છે…મારી પત્ની, પુત્રી અને બધાં રડી રહ્યાં છે….અને આ શું….હું હજીય નીચે પડ્યો છું….જાણે ચાવી વગરનું રમકડું…..સ્પ્રીંગ ખલાસ તો ખેલ ખલાસ

તમે શું વિચારો છો? તમને મૃત્યુ પહેલા કેવી ક્ષણો જોઈએ છે?

Share this article... spread the word
  • Digg
  • StumbleUpon
  • Facebook
  • Yahoo! Buzz
  • Twitter
  • Google Bookmarks
  • Orkut
  • del.icio.us
  • Google Buzz
  • Technorati